Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજ

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૦-૨-૨૦૦૯ થી તા. ૧-૩-૨૦૦૯ સુધી રાજધાની દિલ્હીમાં બિરાજીને હરિભક્તોમાં આધ્યાત્મિક ઊર્જાનો સંચાર કર્યો હતો. સ્વામિનારાયણ અક્ષરધામના પ્રેરણામૂર્તિ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે દિલ્હી તથા આજુ બાજુ નાં વિવિધ રાજ્યોમાંથી આવેલા હરિભક્તોથી મંદિરનું પરિસર છલકાતું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત કરી હજારો મુમુક્ષુઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ઠંડી સામે રક્ષણ મળે તે માટે પ્લાસ્ટિક મઢીને વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલા રથમાં બિરાજીને મંદિરે દર્શને પધારતા સ્વામીશ્રીની છબિ ઉપસ્થિત સૌના હૃદય પર સદાયને માટે અંકિત થઈ જતી હતી. પોતાના  નિવાસસ્થાનથી નિત્ય મંદિરે દર્શને જતા સ્વામીશ્રીના માર્ગમાં સ્વામિનારાયણ અક્ષરધામના જુદા જુદા વિભાગોમાં સેવા આપતા સ્વયંસેવકોએ પોતાના વિભાગની કાર્યવાહીનું નિદર્શન રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામિનારાયણ અક્ષરધામના સર્જક સ્વામીશ્રી જ્યારે અક્ષરધામની મુલાકાતે પધાર્યા ત્યારે દર્શનાર્થીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વળી, વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત થયો હતો. બાળદિન, યુવાદિન તેમજ પ્રતીક પુષ્પદોલોત્સવની ઉજવણી દ્વારા હરિભક્તોએ ભક્તિ અદા કરી હતી.
આગમન-સ્વાગત
તા. ૧૦-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રી વડોદરાના હરિભક્તોની ભાવભીની વિદાય લઈ હવાઈ માર્ગે સાંજના ૭.૦૦ કલાકે દિલ્હી પધાર્યા. અઢી વર્ષના લાંબા વિરામ બાદ દિલ્હી પધારેલા સ્વામીશ્રીનું દિલ્હી હવાઈ મથક પર સૌ વતી આત્મસ્વરૂપ સ્વામીએ પુષ્પહાર પહેરાવી સ્વાગત કર્યું. સ્વામીશ્રીને સત્કારવા ઍરપોર્ટના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઍરપોર્ટનું સંચાલન સંભાળી રહેલા જી.એમ.આર. કંપનીના મૅનેજર શ્રીધર રાવ તથા વિમાનના પાઇલટ રાજેશકુમારે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત  કરી ધન્યતાની લાગણી અનુભવી હતી. સૌનો આદર-સત્કાર ઝીલતાં ઝીલતા સ્વામીશ્રીની ગાડી હવાઈ મથકની બહાર નીકળી ત્યારે સંનિષ્ઠ સત્સંગીબંધુ શ્રી નંદુભાઈએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સ્વાગત કર્યું.
હવાઈ મથકેથી એક કલાકનું અંતર કાપીને સ્વામીશ્રી યમુનાતટે આવેલા બી.એ.પી.એસ. મંદિરે પધાર્યા ત્યારે અહીંનો માહોલ જ જુદો હતો. સ્વામિનારાયણ અક્ષરધામના પ્રેરણામૂર્તિ સ્વામીશ્રીને સત્કારવા માટે સ્વયંસેવકો અનેરા ઉત્સાહથી થનગની રહ્યા હતા. સ્વામીશ્રી મંદિરનાં પગથિયાં આગળ પધાર્યા ત્યારે સ્વયંસેવકોના જયનાદોથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું. એક બાજુ આતશબાજીથી આકાશમાં વિવિધ રંગો છવાઈ ગયા હતા તો બીજી બાજુ  ઠેર ઠેર બી.એ.પી.એસ.ની ધ્વજાઓ ફરફરી રહી હતી. પ્રાણપ્યારા ગુરુહરિને વધાવવાનો સૌનો ઉત્સાહ અસીમ હતો. આબાલવૃદ્ધ સૌ કોઈ સ્વામીશ્રીના પ્રથમ દર્શનથી રોમાંચિત થઈઊઠ્યા હતા.
સૌનો સત્કાર ઝીલતાં ઝીલતા સ્વામીશ્રી જ્યારે પોડિયમ પર પધાર્યા ત્યારે વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ હરોળબદ્ધ રીતે સ્પોટ નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા. વડીલ હરિભક્તોએ પોડિયમ પર ઊભા રહી આરતી ઉતારી અહીંની પરંપરાગત શૈલીમાં સ્વામીશ્રીને સત્કાર્યા હતા. મંદિરમાં ઠાકોરજી તથા ગુરુવર્યોનાં દર્શન કરી સ્વામીશ્રી નિવાસસ્થાન તરફ પધારી રહ્યા હતા ત્યારે નિવાસસ્થાન તરફની લોનમાં ઊભેલા વિવિધ રાજ્યોના પરિવેશથી સજ્જ જુદા જુદા પ્રતિનિધિઓએ સ્વામીશ્રીનું પોતપોતાની પ્રાદેશિક ભાષામાં સ્વાગત કરી પોતાના પ્રદેશમાં પધારવાનું આમંત્રણ આપ્યું હતું. આ પ્રતિનિધિઓની કતારને અંતે ઊભેલા પંજાબ રાજ્યના પ્રતિનિધિઓએ ભાંગડા નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને સન્માન્યા હતા. સ્વામીશ્રીના નિવાસસ્થાનના ચોકમાં કીર્તિસાગર સ્વામી અને હરિભક્તોએ વિવિધ રંગી પુષ્પની અદ્‌ભુત બિછાત રચી ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. આમ, સ્વામીશ્રીના આગમનથી સમગ્ર ઉત્તર ભારતના હરિભક્તોના હૈયે આનંદની ભરતી આવી હતી.
બાળદિન
તા. ૧૫-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં બાળદિનની ભવ્યતાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ મંદિરના પરિસરમાં ઠેર ઠેર બાળદિનની પ્રતીતિ કરાવતાં દૃશ્યો જોવા મળતાં હતાં. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનું મંચ વિવિધ પ્રકારનાં રમકડાંના શણગારથી શોભી રહ્યું હતું. પ્રાતઃપૂજામાં બાળકોએ કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.  કીર્તનભક્તિ બાદ પંજાબના બાળક ગુરુપ્રીતસિંગે 'લગી રટના' કીર્તનના આધારે ભાંગડા નૃત્ય રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. પ્રાતઃપૂજા પછી સમગ્ર ઉત્તર ભારત સત્સંગમંડળ વતી ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સ્વામીશ્રીને સન્માન્યા. દિલ્હી અક્ષરધામ અને સૌ સ્વયંસેવકો વતી આત્મસ્વરૂપ સ્વામીએ હાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી મંદિરે દર્શને પધાર્યા ત્યારે મંદિરના પરિસરમાં આવેલી લોનમાં બાળમંડળની વિવિધ પ્રવૃત્તિઓનું નિદર્શન નિહાળી પ્રસન્ન થયા હતા.
આજે બાળદિન હોવાથી રવિ સંધ્યાસત્સંગ સભા બાળદિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. ઈશ્વરચરણ સ્વામીના પ્રવચન દરમિયાન સ્વામીશ્રી મંચ પર પધાર્યા ત્યારે ઉપસ્થિત સૌએ સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. સ્વામીશ્રીના આસનની આજુબાજુ  રમકડાંનો શણગાર રચવામાં આવ્યો હતો. આસનની પિછવાઈમાં લાકડાનું કલાત્મક કોતરકામ શોભી રહ્યું હતું. પ્રવચન પછી બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ થયો. સ્વામીશ્રીના સાંનિધ્યમાં 'ગરમ આલુ' અને 'સંગીત ખુરશી' જેવી રમતો રમી સૌ બાળકોએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. 
સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં જણાવ્યું હતું, ''બાળમંડળની પણ જય. આજે બાળમંડળનો પ્રોગ્રામ બધાએ ખૂબ સારી રીતે નિહાળ્યો. યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે બાળકોને નાની વયથી જ સંસ્કાર આપવા જોઈએ. બાળકોને સંસ્કાર મળે તો આગળ વધે અને કુશળતા પ્રાપ્ત કરે, પરંતુ આજે આવસ્તુ ભુલાતી જાય છે. દેશની, કુટુંબની, ધર્મની અસ્મિતા ભુલાતી જાય છે, કારણ કે આજે વાતાવરણ દૂષિત છે. પહેલાં ૠષિ-આશ્રમોમાં રહીને બાળકો અભ્યાસ કરતા અને ૠષિ બાળકને પોતાના બાળકની જેમ સાચવતા અને સ્વાવલંબી બનાવતા. બાળકો પોતાની ક્રિયાઓ જાતે કરતા.
આપણા સંસ્કાર, આપણાં શાસ્ત્રો અને ૠષિમુનિઓ પાસેથી આપણને મળ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા અને પોતાના ભક્તો-સંતો દ્વારા સંસ્કાર આપ્યા. સ્કૂલ તથા માબાપ પાસેથી સંસ્કાર મળ્યા હોય કે ખોટું કરવું નહીં, કોઈને દુઃખ આપવું નહીં, સારી રીતે અભ્યાસ કરવો, માતાપિતાને પગે લાગવું તો વાંધો ન આવે. પરંતુ આ બધી વસ્તુ મળતી નથી એટલે માબાપ જોડે પણ બાળકો જેમતેમ બોલી નાખે છે. ઘરમાં કેમ વર્તવું, માબાપ સાથે કેમ વર્તવું એ વિવેક રહ્યો નથી, કારણકે બહારનું વાતાવરણ અશ્લીલ હોય એ જુએ એટલે વિચારો પણ એવા થઈજાય. 'છોટી વયે પડેલી છાપ મોટી વયે પણ ન જાય.' કુટુંબમાં અંદરોઅંદર ઝઘડા હોય તો બાળકોને એવા સંસ્કાર પડે. બાળક બેઠું હોય ને માબાપ લડે તો પછી બાળકોને એ જ મળે ને ! જેવું જુએ એવું એનામાં આવે. માબાપને પણ એમ છે કે દીકરો ભણે છે એટલે એ પણ એના વ્યવસાયમાં પડ્યા છે. દરેકે વ્યવહાર તો કરવાનો જ છે, પણ પોતાનો સંસાર કેમ સુખમય બને એનો પણ દરરોજ ખ્યાલ રાખવો જોઈએ.
યોગીજી મહારાજે ઘરસભાની વાત કરી હતી. સાંજે વાળુ-પાણી કરીને બધાં ભેગાં થઈને ઘરસભા કરો. અત્યારે તો સિનેમા-નાટકમાં બહાર ગયા હોય, રાત્રે બાર-એક વાગે આવે, પછી ત્યાં જે જોયું હોય એ ઘરમાં થાય. પણ ઘરસભામાં રાત્રે કલાક-અડધો કલાક, જેટલો ટાઇમ હોય એટલો સમય પણ બધાં સાથે બેસે તો એકબીજાના વિચારોનો ખ્યાલ આવે. ઘરસભામાંથી સંસ્કારો મળે છે.
પૂજ્ય યોગીજી મહારાજે બાળકોને સંસ્કાર મળે એ હેતુથી બાળમંડળો શરૂ કર્યાં. સંતો બાળમંડળમાં સંસ્કાર આપે છે. વળી, રમતગમત પણ કરાવે છે. એને જે ઉપયોગી વાતો હોય એ સાંભળે અને આનંદ થાય. રમતોની અંદર પણ સંસ્કાર આપવામાં આવે છે. મંદિરમાં બધી જાતના સંસ્કાર આપવામાં આવે છે. જો આપણા જીવનમાં સંસ્કાર હોય તો પરિવારમાં, દેશમાં અને આપણા જીવનમાં પણ શાંતિ થાય.
વિજ્ઞાને આપણને વેગ આપ્યો છે, પણ દિશા નથી આપી. જો સાચી દિશા ન મળે તો ક્યાંક જવું હોય ને ક્યાંય જતું રહેવાય. દિશા એ મુખ્ય વસ્તુ છે. દિશા એટલે સંસ્કાર. આજે ઘરમાં, બાળકોને ભગવાન રામ, ભગવાન કૃષ્ણ કોણ થઈગયા, ૠષિમુનિઓ-સંતો કોણ થઈ ગયા, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી કોણ થઈ ગયા ? બીજા સંપ્રદાયમાં પણ જે ભક્તો થઈ ગયા એનું નામ યાદ ન હોય અને એક્ટર ને ગુંડાઓની વાતો યાદ હોય. પણ જો ભગવાનનું જ્ઞાન હોય તો કુટુંબમાં, સમાજમાં, દેશમાં શાંતિ થાય અને એના આત્માને પણ શાંતિ થાય. શાંતિમય સમાજ ઊભો થાય એના માટે જોગી મહારાજના સંકલ્પથી આ બાળમંડળો ચાલી રહ્યાં છે. સંતો ચલાવે છે એમાં એમને કાંઈ લાભ છે? પણ જો બાળકો સંસ્કારી થાય તો દેશમાં કેટલો લાભ થશે? એટલે આ પરમાર્થનું કામ છે. જોગી મહારાજ કહેતા 'ભગવાન સૌનું ભલું કરો.'
આજે બાળમંડળનો આપણે સંવાદ જોયો. કેટલાક કહે, 'બાળકોને મંદિરમાં શું કામ મોકલવાં?' પણ અહીં ભણતર અને ચણતર બેય થાય છે. લોકોને એવું છે કે મારો દીકરો બાળમંડળમાં જશે તો બગડી જશે પણ એ બગડતો નથી. યોગીજી મહારાજે આ વાત આપી છે. જો આ વિચાર આપણે બરાબર દૃઢ રાખીશું તો આપણું ઘર સુખી થશે, આપણો સંસાર સુખી થશે. દરેક માબાપે ખાસ એક જ કાળજી રાખવાની છે કે પોતાના સંતાન સાથે રાત્રે બેસવું, વાતચીત કરવી અને એની રુચિ પ્રમાણે થોડું કરવું. મા-બાપની પણ ફરજ છે કે બાળકોને આવી સભામાં મોકલવાં. આવા કાર્યક્રમમાં જોઈને આપણને ખ્યાલ આવે કે સંતાનો મંદિરમાં અભણ નથી બનતા. માટે બધાને આટલી વિનંતી છે કે આપનાં બાળકોને ખાસ અહીંયાં મોકલજો અને બધા બાળકો સારી રીતે તૈયાર થાય એ ભગવાનને પ્રાર્થના.''
૬:૫૦ વાગે સ્વામીશ્રીના આશીર્વાદની સમાપ્તિ થઈ. ત્યાર બાદ વડીલ સંતોએ વિવિધ કલાત્મક હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ અદા કરી હતી.
યુવાદિન
તા. ૨૨-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં દિલ્હી સત્સંગ મંડળના યુવકોએ યુવાદિન નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે લોનમાં યુવકોએ અહીં ચાલતી યુવા સત્સંગ પ્રવૃત્તિનું નિદર્શન પ્રસ્તુત કર્યું હતું. મંદિરની પ્રદક્ષિણામાં બાળક મનોજ મહારાજે કથક નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણોમાં ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું. મંદિરે દર્શન કરી સ્વામીશ્રી નિજ નિવાસસ્થાને પધારી રહ્યા હતા ત્યારે યુવકોએ 'એકતા હૈ શક્તિ હમારી' એ ગીતના આધારે સમૂહમાં હરોળબદ્ધ રીતે ઊભા રહીને પોતપોતાના હાથમાં રાખવામાં આવેલા મૂળાક્ષરોનાં બોર્ડ છાતી સરસા કર્યાં. આ બોર્ડમાં લખ્યું હતું 'અમે આદર્શ યુવક બનીએ એવા આશીર્વાદ આપજો.' સ્વામીશ્રીએ આ સૌ યુવકોને આશીર્વાદ આપી તેઓની ભક્તિને બિરદાવી હતી.
આજે અહીં વહેલી સવારથી પરપ્રાંતના હરિભક્તોની શિબિરનો પણ પ્રારંભ થયો હતો. વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો આ શિબિરમાં સહભાગી થવા માટે ઊમટી પડ્યા હતા. આ શિબિરના અંતિમ અધ્યાયનો આરંભ રવિ સત્સંગસભામાં થયો હતો. વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ દિલ્હી સત્સંગ મંડળના કાર્યકર્તાઓએ હિન્દીમાં અક્ષરપુરુષોત્તમ જ્ઞાન અને સિદ્ધાંતની સમજ આપે એવી જ્ઞાનગોષ્ઠિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સભાના અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું, ''આજની સભામાં જે નિરૂપણ થયું એ જ્ઞાન સમજવાનું છે. વ્યાસજીએ સત્તર પુરાણ રચ્યાં પછી પણ ઉદાસી આવી ગઈ, ત્યારે નારદજીએ કહ્યું પ્રગટ ભગવાન કૃષ્ણના મહિમાના, ચરિત્રના ગ્રંથ લખો તો શાંતિ થશે. ત્યારપછી વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી. ભૂખ ટાળવી હોય તો જમવાથી ટળે, તરસ પાણીથી ટળે. એમ જ્યારે આત્માનું કલ્યાણકરવું હોય તો એના માટે ભગવાન છે. તે ભગવાન પૃથ્વી ઉપર આવ્યા છે એની જ્યારે આપણને ઓળખાણ થાય ત્યારે આપણે માયાથી પર થઈએ. પ્રગટની ઓળખાણ થાય તો બહુ મોટો લાભ થાય છે. ઓળખાણ એટલે એમનું તત્ત્વે સહિત જ્ઞાન થાય તે.
આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણે દરેકને સાચું જ્ઞાન થાય અને બધા સર્વ પ્રકારે સુખિયા થાય એવું કાર્ય કર્યું છે. આપણે જ્યારે શાસ્ત્રોમાં અને મહાન સંતોનાં વચનમાં ઊંડા ઊતરીએ તો જ્ઞાન થઈ જાય. વચનામૃતમાં અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન રહેલું છે. વેદોમાં, ઉપનિષદોમાં અને ગીતામાં આ વાતો આપેલી છે. ગીતાના આઠમા અધ્યાયમાં અક્ષરની વાત લખી છે અને ભગવાન પુરુષોત્તમનું જ્ઞાન પંદરમા અધ્યાયમાં લખ્યું છે. અક્ષરપુરુષોત્તમની વાત તો હતી જ પણ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે આપણને જ્ઞાન આપે છે. એટલે આ વાત નવી નથી આપી, હતી જ. અક્ષર-પુરુષોત્તમના જ્ઞાનથી આપણો માયાનો અંધકાર ટાળવાનો છે. મોહ, મમતા ને આસક્તિઓ દૂર ન થાય ત્યાં સુધી અંધકાર છે. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરરૂપે આવ્યા અને  સહજાનંદ સ્વામી એ પુરુષોત્તમરૂપે આવ્યા. જેમ રાધાજી ભક્ત છે અને કૃષ્ણ ભગવાન છે તો આપણે રાધારૂપ થઈ કૃષ્ણની ભક્તિ કરવાની છે.  સીતારામ, લક્ષ્મીનારાયણ, એમાં ભક્તને અનાદિ ભગવાન પોતાનું સ્વરૂપ ઓળખાવવા માટે લાવ્યા છે. જ્યારે આપણે ભક્તરૂપ થઈએ છીએ ત્યારે ભગવાનની પ્રસન્નતા થાય છે. એટલે આ નવી વસ્તુ નથી. આ વસ્તુ શાસ્ત્રોમાં છે જ, પણ જ્યારે એવા પુરુષ પ્રગટ થાય ત્યારે આપણને સાચું જ્ઞાન થાય છે.
'સંત બડા પરમારથી, જાકા મોટા મન;
તુલસી સબકો દેત હે, રામ સરિખા ધન.'
સંતને કોઈ સ્વાર્થ નથી. મારું-તારું નથી. યોગીજી મહારાજ કહેતા 'ભગવાન સર્વનું ભલું કરો.' સંત પાસે આ લોકની મિલકત, સંપત્તિ નથી, પણ એ આપણને ભગવાનરૂપી સંપત્તિ આપે છે. આલોકની સંપત્તિ તો મળે અને નાશ પામે. એને લીધે આપણે દુઃખી થઈએ છીએ, પણ ભગવાનરૂપી સંપત્તિ આપણા સર્વના જીવનમાં દૃઢ થાય, આપ બધા પણ સુખિયા થાવ, ભગવાન સર્વને એવું બળ આપે એ પ્રાર્થના.''
સ્વામીશ્રીનાં આશીર્વચનોનું મુનિવત્સલ સ્વામીએ હિન્દીમાં ભાષાંતર કર્યું. સભાના અંતમાં, ઉપસ્થિત તમામ સંતોએ સ્વામીશ્રીને હાર અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |