Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાવનગરમાં પ્રમુખસ્વામી મહારાજ

તા. ૧-૩-૦૯ થી તા. ૬-૩-૦૯ સુધી ભાવનગરમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ગોહિલવાડ પંથકના હરિભક્તોને સત્સંગનો દિવ્ય લાભ આપ્યો હતો. દિલ્હીથી વિદાય લઈને હવાઈ માર્ગે ભાવનગર પધારેલા પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજને સંતો-હરિભક્તોએ વ્રત-તપની સાંકળ રચી વિશિષ્ટ રીતે સત્કાર્યા હતા. સ્વામીશ્રીના છ દિવસના રોકાણ દરમ્યાન રોજ હજારો હરિભક્તોને સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દર્શન તથા સંતોની કથાવાર્તાનો લાભ પ્રાપ્ત થતો હતો. કિશોરો અને કિશોરીઓ દ્વારા મંદિરની પ્રદક્ષિણામાં જુદી જુદી થીમ આધારિત સુંદર રંગોળી તૈયાર કરવામાં આવતી હતી. ગ્રામ્યદિન, બાળદિન, અન્નકૂટોત્સવ તથા પ્રતીક પુષ્પદોલોત્સવની ઉજવણી દ્વારા ભાવનગરના હરિભક્તોમાં ભક્તિની હેલી ઊમટી હતી. કિશોરમંડળ દશાબ્દીનો આરંભ કરી સ્વામીશ્રીએ કિશોરોમાં ઉત્સાહનો સંચાર કર્યો હતો. દશમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષાના આરંભ પૂર્વે સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી વિશેષ બળ પામ્યા હતા. અત્રે ભાવનગરમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની ઝલક...
બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ તથા બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની પદરજથી પાવન થયેલા ભાવનગરમાં પધારી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સંતો-હરિભક્તોને બ્રહ્મરસમાં તરબોળ કર્યા હતા. તા. ૧-૩-૦૯ના રોજ સ્વામીશ્રી દિલ્હીથી ભાવનગર પધાર્યા ત્યારે હવાઈ મથક પર સોમપ્રકાશ સ્વામીએ હાર પહેરાવી સ્વામીશ્રીને સન્માન્યા. ઍરપોર્ટના કંટ્રોલર શ્રી આર. કે. બંસલ તથા સિક્યોરિટી અધિકારીઓ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા. હવાઈ મથકેથી સ્વામીશ્રી અક્ષરવાડી ખાતે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં પધાર્યા. સ્વામીશ્રીના આગમનને વધાવવા અક્ષરવાડીનું વિશાળ પરિસર હરિભક્તો-ભાવિકોથી છલકાતું હતું. મંદિરે દર્શન કરી સ્વામીશ્રી રવિ સત્સંગસભામાં પધાર્યા. સ્વામીશ્રીના આગમનથી આજની રવિસભા સ્વાગત સભા બની રહી. ભાવનગરના તમામ હરિભક્તો વતી સોમપ્રકાશ સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરીને સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ભાવનગરના સંતોએ ૫૮ ફૂટ નાડાછડીનો હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સમગ્ર સત્સંગસમુદાય વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રતીકભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી તેઓએ ધન્યતાની લાગણી અનુભવી હતી. 
સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમ્યાન ભાવનગર વાસીઓએ વિવિધ ઉત્સવોની ઉજવણી દ્વારા ગુરુભક્તિ અદા કરી હતી. તા. ૨-૩-૦૯ના રોજ ગ્રામ્ય દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે ગ્રામ્યક્ષેત્રના હરિભક્તો તથા કાર્યકરોને સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો વિશેષ લાભ પ્રાપ્ત થયો હતો.    
તા. ૪-૩-૦૯ના રોજ કિશોરમંડળ દશાબ્દી મહોત્સવનો સ્વામીશ્રીના સાંનિધ્યમાં પ્રારંભ થયો હતો. આ પ્રસંગે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન કિશોરોએ સ્વામીશ્રીએ વેઠેલા ભીડાના કેન્દ્રીય વિચારની વિવિધ માધ્યમો દ્વારા અદ્‌ભુત પ્રસ્તુત કરી ભક્તિ અદા કરી હતી.
તા. ૫-૩-૦૯ના રોજ મંદિરમાં ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના ત્રણેય ખંડોમાં ઠાકોરજી સમક્ષ વિવિધ ફળો, શાકભાજી તથા જુદી જુદી વાનગીઓના અન્નકૂટની વિશિષ્ટ રીતે ગોઠવણી કરવામાં આવી હતી. આજના પ્રસંગને અનુરૂપ મંદિરની બહારની પ્રદક્ષિણામાં પ્રભુદાસ શેઠને ત્યાં યોગીજી મહારાજના હસ્તે ઠાકોરજી થાળ જમી ગયા હતા એ રંગોળી શોભી રહી હતી. સ્વામીશ્રીએ મંદિરમાં પધારી ત્રણેય ખંડોમાં અન્નકૂટોત્સવની આરતી ઉતારી સૌને વિશિષ્ટ દર્શનનો લાભ આપ્યો હતો. આજે ભાવનગર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી હરિકૃષ્ણભાઈ ત્રિવેદીએ સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી.
તા. ૬-૩-૦૯ના રોજ સ્વામીશ્રીના સાંનિધ્યમાં બાળદિન, પ્રતીક રંગોત્સવ તથા ઘરસભા અમલના પ્રસંગની ત્રિવેણી રચાઈ હતી. સમગ્ર મંદિરના પરિસરમાં ઉપસ્થિત ભક્તોના હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. સ્વામીશ્રી જ્યારે મંદિરે દર્શન માટે પધાર્યા ત્યારે મંદિરની એક તરફની લોનમાં 'સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો' કીર્તનના તાલે બાળકો એકબીજા ઉપર ગુલાલ ઉડાડીને પિચકારી વડે રંગે રમી રહ્યાં હતાં. મંદિરની બહારની પ્રદક્ષિણામાં ઘરસભાનું સુંદર દૃશ્ય રંગોળીમાં શોભી રહ્યું હતું.  
સ્વામીશ્રી જ્યારે પ્રાતઃપૂજામાં પધાર્યા ત્યારે મંચ પર રંગોત્સવની પ્રતીતિ કરાવતા શણગારો રચવામાં આવ્યા હતા. રંગ ભરેલા કુંડ અને મોટી પિચકારીઓ વડે મંચને શણગારવામાં આવ્યો હતો. પ્રાતઃપૂજામાં બાળકોએ વિવિધ ભક્તિપદોનું ગાન કરી ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું હતું. આજે શહેરના મોટા ભાગના વિસ્તારોમાંથી તેમજ આજુ બાજુ નાં ગામોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો પદયાત્રા કરીને સ્વામીશ્રીના દર્શને આવ્યા હતા. પ્રાતઃપૂજાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, ''ભાવનગરમાં યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજના સંગથી સત્સંગ દિવસે દિવસે વધ્યો છે. મંદિર પણ થયું છે અને બધાને દરરોજ આવો ને આવો ઉત્સાહ છે એટલે જીવનમાં ઉત્કર્ષ થાય છે.
ઘરસભાની વાત તો જોગી મહારાજે કરેલી જ છે કે દરેકે ઘરસભા કરવી. ઘરસભા દરરોજ કરવી. દેહના-વહેવારના કામ ભેગા થઈને કરીએ છીએ તો આ તો આત્માના કલ્યાણની વાત છે. એમાં જ્ઞાન થાય, સમજણ થાય, ભક્તિ થાય અને મોટા પુરુષ આપણા ઉપર રાજી થાય એ મોટામાં મોટું કામ છે.
કલાક-અડધો કલાક બધાએ ઘરમાં ભેગા બેસીને વચનામૃત-વાતોનું વાચન કરવું. એટલું કરીએ તોય બહુ થઈ જાય. અમૃતનું એક ટીપું પીએ તોપણ અમર થઈ જવાય. ઘરમાં બેસીને વહેવાર-સંસારની ઘણી વાતો કરીએ છીએ, પણ મોક્ષની વાત આપણા જીવનમાં દૃઢ થાય એને માટે ઘરસભા છે. જેટલું આપણને આત્માનું જ્ઞાન થશે, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થશે એટલી જ આપણને સુખશાંતિ થશે. ગુણાતીતાનંદ સ્વામીએકહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે ? અક્ષરરૂપ થવા ને પુરુષોત્તમમાં જોડાવા માટે આ દેહ મળ્યો છે. એટલે તેમ કરતાં કરતાં ધીરે ધીરે અક્ષર થઈ જવાય.
અક્ષરરૂપ થવા માટે આ કથાવાર્તા, કીર્તન-ભજન, ધ્યાન છે. મહારાજે પણ કહ્યું છે કે અમને કથાવાર્તા-કીર્તન-ધ્યાનમાંથી તૃપ્તિ થતી નથી. દુનિયામાં વધારે પૈસા કમાવવાની- વધારે પ્રતિષ્ઠા મેળવવાની ઇચ્છા રહે છે, તેમ અધ્યાત્મ માર્ગમાં પણ ભગવાન વધારે રાજી કેમ થાય? આપણા જીવની અંદર સત્સંગ વધારે દૃઢ કેમ થાય? આપણે સારું કાર્ય કઈ રીતે કરી શકીએ એવા વિચારો આવે તો શ્રદ્ધા થાય. વચનામૃત, ભાગવત, ગીતા, ઉપનિષદમાં વાત લખી છે એ ખોટી નથી, બધી જ વાતો સાચી છે, પણ જીવનમાં વર્તાય નહીં એટલે થાય કે આ તો થાય એવું નથી. પણ શ્રદ્ધા સહિત કર્યા કરીએ તો એમાં આપણું કામ થાય છે.
કાંકરે કાંકરે પાળ બંધાય, ટીપે ટીપે સરોવર ભરાય. એમ અધ્યાત્મ માર્ગમાં પણ તમે થોડું થોડું કરો તો કામ થઈજાય. અને એ કામ થાય તો  દુનિયામાં આવ્યા એ સાર્થક બની જાય. એટલે દરરોજ ઘરસભા કરો તો ધીરે ધીરે અંદર જ્ઞાનનાં રજકણો આવી જાય છે, ભગવાનની ભક્તિના રજકણો આવી જાય છે અને એનાથી સર્વત્ર શાંતિ થઈ જાય છે. આત્મા-પરમાત્માનું જ્ઞાન છે એ આપણી સાથે આવશે અને અંતે એ આપણને સહાય કરશે અને ભગવાનના ધામને પમાડશે.'
ભગવાન ભજીને આત્માનું કલ્યાણ કરવું એ મોટામાં મોટી કમાણી છે. વહેવાર-સંસારનાં કામ કરવાં, પણ સત્સંગ પ્રધાન રાખવો. સત્સંગનું ભાથું અંતે કામ લાગશે.'
આશીર્વચન પછી સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કરી સંતોએ સ્વામીશ્રીને વધાવ્યા. ત્યારપછી મંચની બરાબર સામે એક જ સ્થાન પર ઊભા રહી નૃત્ય કરી રહેલાં બાળકોને જોઈ સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા. આમ સૌને અધ્યાત્મના રંગે રંગી સ્વામીશ્રીએ મંચ પરથી વિદાય લીધી.
આજરોજ ભાવનગરથી સારંગપુર જવા વિદાય લેતા પૂર્વે સ્વામીશ્રીએ નીલકંઠવણીની મૂર્તિ પર અભિષેક કરી મૂર્તિની પુનઃપ્રતિષ્ઠા કરી હતી.      

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |