Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં રંગોત્સવની દબદબાભેર ઉજવણી

ભગવાન સ્વામિનારાયણના મહાપ્રાસાદિક સ્થાન સારંગપુરમાં તા. ૧૧-૩-૨૦૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં હજારો હરિભક્તોને બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તના ૧૮૦મા જન્મોત્સવની તથા પુષ્પદોલોત્સવની ઉજવણીનો બેવડો લાભ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રીના રંગે રંગાવાના કોડ સાથે દેશ-વિદેશના હરિભક્તોથી ઊભરાતું સૌરાષ્ટ્રનું આ નાનકડું ગામ જાણે કે આજે વિશ્વગ્રામ બન્યું હતું. દૂર-સુદૂર થી મહોત્સવનો લાભ લેવા આવતા હરિભક્તો માટે સ્વયંસેવકો ખડે પગે સેવામાં તૈયાર હતા. બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોએ ભક્તિભાવપૂર્વક સારંગપુર નામને સાર્થક કરતો વિશાળ મયૂરાકારનો ભવ્ય મંચ તૈયાર કર્યો હતો. હરિભક્તોને દૂર બેઠાં બેઠાં પણ મંચ પર થતા કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થાય તે માટે સભાસ્થળે ઠેર ઠેર વિશાળ સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. સભામાં પ્રવેશતી વેળાએ પ્રત્યેક હરિભક્તને  ફગવાનો પ્રસાદ તથા ફૂડપેકેટ પ્રાપ્ત થાય એવું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સાંજના બરાબર ૫.૦૦ વાગે ધૂન-પ્રાર્થના દ્વારા આ ઉત્સવસભાનો પ્રારંભથયો. 'સ્વામી! અમારે અંગ તમ રંગ ઢોળી દો...' એ કીર્તન પંક્તિની થીમ પર વિવિધ દૃષ્ટિકોણથી જીવન અને આત્માને બ્રહ્મના રંગે રંગવાનાં, વડીલ સંતોએ પોતાના વિચારો રજૂ કર્યા. વિવેકસાગર સ્વામીએ પ્રવચન દ્વારા ઉત્સવના મર્મને સમજાવ્યો હતો. ઈશ્વરચરણ સ્વામીએ બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્તના દિવ્ય પ્રસંગોનું પાન કરાવી ભગતજી મહારાજને ભાવાંજલિ અર્પી. ડૉક્ટર સ્વામી તથા મહંત સ્વામીના મનનીય પ્રવચન બાદ સંતોએ 'સ્વામી અમારે અંગ તમ રંગ ઢોળી દો...' કીર્તનનું ગાન કર્યું. સ્વામીશ્રીએ કીર્તનની પ્રત્યેક પંક્તિએ વિવિધ કરમુદ્રાઓ કરી ઉપસ્થિત સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.
આજના પ્રસંગે સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત થયેલાં વિવિધ પ્રકાશનોનું ઉદ્‌ઘાટન સંતોએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. વિદ્યાર્થીઓને નૈતિક જીવનનો પાઠ મળે એ હેતુથી લખવામાં આવેલી સુચરિતમ્‌ પુસ્તિકાના પાંચ ભાગોનું ઉદ્‌ઘાટન  પ્રિયદર્શન સ્વામી, આદર્શજીવન સ્વામી તથા આત્મતૃપ્ત સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. તેલુગુ ભાષામાં લખાયેલી શિક્ષાપત્રી-સૂક્તિરત્ન, ભગવાન સ્વામિનારાયણ સચિત્ર, આદર્શ બાળક તથા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પુસ્તિકાઓનું ઉદ્‌ઘાટન યજ્ઞેશ્વર સ્વામી તથા વિશ્વયોગી સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. આ ચારેય પુસ્તિકાના પ્રકાશનમાં રમેશભાઈ પરીખે સહયોગ આપ્યો હતો. આ પુસ્તિકાઓનું ભાષાંતર મલ્લાડી કૃષ્ણમૂર્તિ અને શ્રી વેંકટેશ્વરાલુએ કર્યું હતું. એ જ રીતે કન્નડ ભાષામાં ગિરિજાશાસ્ત્રીએ કરેલા ભાષાંતરની પુસ્તિકા યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજનું ઉદ્‌ઘાટન સરલજીવન સ્વામીએ કરાવ્યું, એ જ રીતે તામિલ ભાષામાં ભાષાંતરિત થયેલા કિશોર સત્સંગ પ્રારંભ, ૧૦૮ પ્રસંગમાલાનું ભાષાંતર કરનાર એસ.રાજગોપાલન્‌ વતી આનંદસાગર સ્વામીએ પુસ્તિકાઓ તથા તમિળ ભાષામાં ધૂન, પ્રાર્થના, આરતી, અષ્ટક અને ભજનની આડિયો સીડીનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. નીલકંઠ વણીની ફાઇબર રેઝíનમાંથી બનેલી સુંદર મૂર્તિનું પ્રથમ ઉદ્‌ઘાટન ભક્તિનંદન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. સ્વામીશ્રીની અમૃતવાણી ભાગ ૧૩નું ઉદ્‌ઘાટન આદર્શજીવન સ્વામી તથા હરિનયન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવીને આશીર્વાદ મેળવ્યા.
ઉદ્‌ઘાટનવિધિ બાદ સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે, ''આજની સભાની પણ જય. આજનો સમૈયો આપણે અહીં ઊજવીએ છીએ. મહારાજના સમયથી અહીંયાં ઊજવાય છે, શાસ્ત્રીજી મહારાજ પછી યોગીજી મહારાજ પણ અહીંયાં ઉત્સવ ઊજવતા. આજે પણ આપણે ઊજવીએ છીએ.
હમણાં નારાયણમુનિએ કહ્યું કે સ્વામી ભીડો વેઠીને અહીં આવ્યા, પણ મારા કરતાં તમારો ભીડો ઘણો મોટો છે - કેટલા દૂરથી બધા આવ્યા છો ! પોતાનું કામકાજ, ધંધો-વ્યવસાય જે કંઈ છે એ બધું મૂકીને અહીં આવ્યા છો એટલે તમારો ભીડો પણ ઘણો છે. સંતોનો ભીડો પણ ખૂબ છે - આ ઉત્સવ સારો થાય, દરેકને સારો લાભ મળે એવી રીતનું આયોજન સંતોએ કર્યું છે. મહારાજ-સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે ભીડો વેઠેલો છે. યોગીજી મહારાજ કહેતા ભીડા ભક્તિ. અહીં આવ્યા છો એમાં કેટલાકને વ્યવસ્થા મળી - ન મળી, અનુકૂળ થયું - ન થયું, છતાં દરેકના જીવમાં અક્ષર અને પુરુષોત્તમનો મહિમા છે, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજને વિષે દિવ્યભાવ છે, એમના કાર્યને વિષે આપણને પ્રેમ છે તો આવો ભીડો વેઠીને પણ આપ અહીં પધાર્યા છો. આપણે તો અનંત જન્મથી ભીડો વેઠતા આવ્યા છીએ. લખચોરાસી જાતના દેહ આપણને પ્રાપ્ત થયા છે. એ બધામાં ભીડા વેઠેલા જ છે, પણ એ ભીડા આ લોકનાં સુખ-સંપત્તિ માટે, પણ આ ભીડો આત્મકલ્યાણ માટે છે. આપણા આત્માનું કલ્યાણ થાય એ માટે જ મનુષ્ય શરીર મળ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, 'આપણો દેહ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવા માટે છે. એટલે આપણા આત્યંતિક કલ્યાણ અને ભગવાનનું દિવ્ય સુખ પામીએ એના માટે આ બધો ભીડો વેઠીએ છીએ. આપણો છેલ્લો જન્મ છે ને પાછુ  આ લોકમાં આવવાનું પણનથી એવો આ ભીડો છે, એ મહિમા જ્યારે સમજાયો છે ત્યારે આપણે અહીં આવ્યા છીએ.
મહારાજના વખતમાં અહીંયાં આ ઉત્સવમાં વાત થયેલી છે કે 'મહાબળવંત માયા તમારી'. એ માયાથી આપણે ઘણી રીતે સુખદુ:ખને પામ્યા છીએ. જગતની આસક્તિ, મોહ-મમતા, આપણા સ્વભાવો એ બધા માયાના ભાવો છે. એ ન નડે એટલા માટે પ્રાર્થના કરવાની. માયાને તરવા માટે ભગવાનનો આશરો છે. સમુદ્ર તરવો હોય તો નાવમાં પાર ન પહોંચાય, કારણકે નાવડું કેટલું ચાલે, પણ મોટી સ્ટીમરમાં બેસી જાવ તો આખો દરિયો ફરી વળાય. એમ ભગવાનરૂપી મોટી સ્ટીમર છે. ગુણાતીતાનંદ સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા પુરુષ મળ્યા છે, એમાં આપણે બેસી જવાનું છે. બેસી જવાનું એટલે શું કે એમનો આદેશ આપણા જીવનમાં દૃઢ થાય અને એ આજ્ઞા જેટલી પળાશે એટલું અંતરે સુખ છે ને એ શાંતિ કાયમની છે. સંસારની આસક્તિ જેમ જેમ સત્સંગ થાય એમ ટળે છે. દવા કરીએ એમ રોગ મટે છે. શિક્ષણ લેવા માટે શિક્ષકો અને પ્રોફેસરો પાસે જવું પડે છે. એ આ લોકનું સુખ મળે એ માટે ભીડો વેઠીએ છીએ. એમાં આપણને કાંઈ દુઃખ થતું નથી તો આત્મકલ્યાણ કરવું છે એમાં કાંઈ દુઃખ આવે તોપણ આપણા મનમાં સુખ અને શાંતિ રહેવી જોઈએ.
'સુખદુઃખ આવે સર્વે ભેળું,
      તેમાં રાખજો સૌ સ્થિર મતિ.'
આ જગત છે એટલે સુખ ને દુઃખ બેય ભેગું જ છે. ક્યારેક સુખઆવે ક્યારેક દુઃખ આવે. એની અંદર સ્થિરતા રાખવાની છે કે ભગવાન જે કરે છે એસારું છે. ભગવાન કરતા હશે એટલે એ જે કરશે તે આપણા માટે સારું છે. આપણે એના થયા છીએ, એના માટે થયા છીએ એટલે એ સારું જ કરવાના છે. બાળક માતાપિતાનું થયું છે તો બાળકની ચિંતા માતાપિતા રાખે છે - એને દુઃખ થાય, રડવું આવે એવું કરે છે, પણ એના સારા માટે છે. જેમ ડૉક્ટર ઇન્જેક્શન મારે, આૅપરેશન કરે તો આપણને દુઃખ થાય, પણ આપણે માનીએ છીએ કે એનાથી રોગ મટશે, આપણને સારું થશે. એટલે જેમ શરીરના સુખ માટે સહન કરીએ છીએ તો આત્મકલ્યાણનું કામ એથી પણ મોટું છે. એને માટે કદાચ સંસારમાં આવાં વિઘ્નો આવે. અત્યારે જેમ મંદી આવી ગઈ. પહેલાં ધંધાપાણી રોજગાર સારા ચાલતા તો એમાં આનંદ હતો, પણ અત્યારે જરા મંદી આવી ગઈ તો બધાને ચિંતા થઈગઈ કે શું થશે? કેમ થશે ? પણ ભગવાન જે કરતા હશે તે સારા માટે છે. આપણે એટલું જ જો માનીએ તો આપણા મનમાં શાંતિ રહે, કારણકે ભગવાન કલ્યાણકર્તા છે. મોટા પુરુષ છે એ આપણું સારું થાય એના માટે જ આપણને વાતો કરતા હોય છે તો પછી એમાં મૂંઝવાની જરૂર ન રહે. પણ અજ્ઞાને કરીને દુઃખથાય કે મારું જતું રહ્યું, પણ આપણે કંઈ લાવ્યા નથી ને લઈ જવાના નથી. બધું અહીંનું અહીં રહેશે. આપણે જોઈએ છીએ, જાણીએ છીએ, સમજીએ છીએ તોપણ કેટલુંક દુઃખ થઈ જાય છે, પણ જેમ જેમ સત્સંગ કરીશું, આપણા ગ્રંથોનું વાંચન કરીશું - ભાગવત, ગીતા, સ્વામીની વાતો, વચનામૃત, ભક્તચિંતામણિ આ બધા આપણને શાંતિ કરનાર છે, કારણ કે ભગવાનનાં ચરિત્રોનું ગુણગાન ગાવું એ શાંતિ માટે છે.
શ્રીજીમહારાજ સાક્ષાત્‌ પૂર્ણ પુરુષોત્તમ છે. એમને રહેવાનું ધામ ગુણાતીત છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ આપણા મોક્ષદાતા છે. આ જ્ઞાન-સમજણ બરોબર દૃઢ થવાં જોઈએ. ભગતજી મહારાજે કેટલું સહન કર્યું છે અને આજ્ઞા પાળવામાં કોઈ સંશય નહીં. જેમ શૂરવીરને જીત કરવી એ જ વિચાર હોય છે એમ આ જગતમાં સુખ-દુઃખ આવે, માન-અપમાન થાય એની અંદર પણ આ જ્ઞાન કરીએ તો કોઈ વાંધો આવે નહીં. બધા ભક્તોને દુઃખ આવ્યાં છે પણ એ પાછા પડ્યા નહીં, મક્કમ રહ્યા, જે થવાનું હોય તે થાય તો શાસ્ત્રોમાં નામ લખાઈ ગયાં છે, કારણ કે ભગવાન માટે સમર્પિત હતા એટલે જ્ઞાને કરીને સુખિયા થવાય છે. એ જ્ઞાન એટલે અક્ષર અને પુરુષોત્તમનું જ્ઞાન. એ જ્ઞાન જેટલું દૃઢ થશે એટલું સુખ અને શાંતિ.
આ જ્ઞાન આપ બધાને સમજાય છે તો દેશ-પરદેશથી દૂરદૂરથી ને બધેથી આવ્યા છે. સંતો પણ પરદેશથી અને દરેક મંદિરમાંથી આવ્યા છે. યોગીજી મહારાજની આજ્ઞાથી સાધુ થયા તો આજે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી અને બધાને સાંભળીએ છીએ તો એમને કેટલો કેફ  છે! એમને કેટલો આનંદ છે! તો આવું જ્ઞાન, આવી સમજણ આપ સર્વની અંદર થાય. બધા સુખિયા થાવ. જે કાંઈ દેશકાળ છે એ સારા થાય. મંદીનું કારણદૂર થઈ જાય ને દરેકનાં ધંધાપાણી સારાં ચાલે ને સુખિયા થાય એ આજના દિવસે પ્રાર્થના.''
આશીર્વાદ પછી વિવિધ સત્સંગમંડળોએ તૈયાર કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી. ત્યારબાદ સ્વામીશ્રી અને વડીલ સંતોએ હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું. આરતી બાદ હરિભક્તો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એ ક્ષણ આવી પહોંચી. રંગોત્સવનો આરંભ થયો. સૌપ્રથમ સ્વામીશ્રીએ વૈદિક મંત્રોના ગાન વચ્ચે પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજને પિચકારી દ્વારા અભિષિક્ત કર્યા. આજે સૌને સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા રંગાવાનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થવાનો હતો. પુષ્પદોલોત્સવ માટે જ વિશિષ્ટ રીતે તૈયાર કરવામાં આવેલા રથમાં બિરાજીને સ્વામીશ્રી હરિભક્તો વચ્ચે પધાર્યા. બન્ને હાથમાં એક એક પિચકારી લઈ પચાસ-પચાસ ફૂટ દૂર સુધી રંગવર્ષા કરતા સ્વામીશ્રીએ સૌને કેસરિયા રંગના ફુવારાથી તરબતર કરી દીધા. વિશાળ ખુલ્લા સભાખંડમાં બેઠેલા હજારો હરિભક્તોને પોત-પોતાના સ્થાને રથમાં આવીને સ્વામીશ્રીએ રંગ્યા. અદ્‌ભુત આયોજન કર્યું હોઈ ઉપસ્થિત સૌને ગુરુહરિનાં સમીપ દર્શન તથા રંગોત્સવનો વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો. સતત એક કલાક સુધી રંગવર્ષા કરી સ્વામીશ્રીએ સૌને બ્રહ્મરસમાં તરબોળ કરી દીધા. સમગ્ર રંગોત્સવ દરમિયાન હરિભક્તોએ અદ્‌ભુત શિસ્ત દાખવી હતી.

આમ, સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઉજવાયેલ આ ભવ્ય પુષ્પદોલોત્સવની અણમોલ સ્મૃતિઓ સૌના હૃદય પર સદાયને માટે અંકિત થઈ ગઈ.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |