Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૨૦-૪-૦૯થી મહારાષ્ટ્રની મહાનગરી મુંબઈમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગની દિવ્ય રસલહાણ વર્ષાવી હતી.
મુંબઈના દૂર-સુદૂરનાં વિવિધ ઉપનગરોમાંથી સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને આવતા હરિભક્તોથી 'યોગી સભાગૃહ' છલકાતો હતો. અહીંના વિવિધ સંગીતજ્ઞ કલાકારોએ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં ભક્તિપદોનું ગાન કરી પોતાની કલા પાવન કરી હતી. વળી, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી કૃતાર્થ થયા હતા. સમગ્ર વર્ષ દરમ્યાન સ્વામીશ્રીની પ્રસન્નતા અર્થે વિશિષ્ટ વ્રત-તપ અને ભક્તિ કરનાર હરિભક્તોને સ્વામીશ્રીના કૃપાશિષ પ્રાપ્ત થયા હતા. સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં યોજાતી રવિ સત્સંગસભામાં વિશાળ સંખ્યામાં ઊમટતા હરિભક્તો-ભાવિકો કથાવાર્તા તથા સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્ય બન્યા હતા.
મુંબઈમાં સત્સંગની અભિવૃદ્ધિના ફળસ્વરૂપે તાજેતરમાં ઘાટકોપર અને ભાયંદરમાં નૂતન સંસ્કારધામોનું નિર્માણ થયું છે. સ્વામીશ્રીએ આ સંસ્કારધામોની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી આરતી ઉતારી હતી. મુંબઈ મંદિરના સુવર્ણરસિત નૂતન સિંહાસનોની વેદોક્તવિધિપૂર્વક પૂજનવિધિ તેમજ નીલકંઠ-વણી અને ગુરુપરંપરાની મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા કરી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિઆપી હતી. અત્રે મુંબઈમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની કેટલીક સ્મૃતિઓ પ્રસ્તુત છે.
આગમન-સ્વાગતસભા
સારંગપુરમાં સતત ૪૬ દિવસ સુધી સત્સંગનો દિવ્ય લાભ આપી તા. ૨૦-૪-૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ હવાઈમાર્ગે મુંબઈ પધાર્યા. હવાઈ મથક પર અભયસ્વરૂપ સ્વામી તથા વડીલ સંતોએ પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. મુંબઈના દાદર ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. ત્યારે સ્વામીશ્રીના આગમનને વધાવવા માટે મુંબઈના દૂર-સુદૂરનાં ઉપનગરોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો-ભાવિકો ઊમટ્યા હતા. પ્રત્યેકના હૈયે ગુરુહરિનાં દર્શનની ઝાંખીનો તલસાટ જોવા મળતો હતો. યોગી સભાગૃહ અને પ્રમુખસદનની વચ્ચેના માર્ગમાં કેસરી સાફા અને મરાઠી પરિવેશમાં સજ્જ યુવાનોનાં હૈયાં સ્વામીશ્રીના આગમનને વધાવવા થનગની રહ્યાં હતાં. 'નાસિક ડૂલ'ના રણકાર સાથે આ યુવાનોએ સ્વાગત નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીના આગમનને વિશિષ્ટ રીતે વધાવ્યું હતું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિરમાં સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. આમ, લાંબા સમય બાદ મુંબઈ પધારેલા પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શનથી મુંબઈવાસીઓ ધન્ય બન્યા હતા.
તા. ૨૬-૪-૦૯ના રોજ સ્વામીશ્રીને સત્કારવા માટે ભવ્ય સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ૮૦૦૦થી પણ વધુ હરિભક્તો ભાવિકોને સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં સ્વાગત સભા તથા રવિ સત્સંગસભાનો બેવડો લાભ પ્રાપ્ત થયો હતો. સભાના નિયત સમય કરતાં ઘણા વહેલા યોગી સભાગૃહ, પ્રમુખસદન તેમજ જૂના અક્ષરભુવનનાં સભાગૃહો હરિભક્તોથી છલકાતાં હતાં. મુખ્ય મંચ પરથી રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વામીશ્રીના દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે માટે સી.સી. ટી.વી.ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
'ભક્તિભાવ', 'સેવાભાવ' અને 'સમર્પણભાવ'ના કેન્દ્રીય વિચાર સાથે આ સ્વાગતસભાનો આરંભ થયો. અક્ષરજીવન સ્વામી રચિત 'આનંદ કે ફંવારો સે...' ગીતના તાલે અદ્‌ભુત સ્વાગત નૃત્ય રજૂ કરી યુવકોએ સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. મરાઠી શૈલીમાં રજૂ થયેલા આ સ્વાગત નૃત્યના અંતે સ્વામીશ્રીએ ધ્વજ લહેરાવી સૌનું અભિવાદન ઝીલી વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
નૃત્ય બાદ સ્વાગતસભાના ત્રણ મધ્યવર્તી વિચારોમાંથી પ્રથમ મધ્યવર્તી વિચાર - 'ભક્તિભાવ'થી સ્વામીશ્રીને સત્કારવાના દોરનો આરંભ થયો. આદર્શજીવન સ્વામીએ સમગ્ર વર્ષ દરમ્યાન વિશિષ્ટ વ્રત-તપ અને ભક્તિ કરનાર હરિભક્તોની વિગતો રજૂ કરી તેમની ભક્તિભાવનાને બિરદાવી હતી. ત્યારબાદ અંતરમાં ભક્તિભાવનાને દૃઢાવતી પ્રાર્થનાની પંક્તિઓનું સમૂહગાન થયું ત્યારે વાતાવરણ વિશેષ ભક્તિસભર બની ગયું હતું. સમૂહ-ગાનના અંતે ભક્તિપ્રિય સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી ભક્તિભાવપૂર્વક સ્વામીશ્રીને સત્કાર્યા  હતા.
સ્વાગતસભાનો દ્વિતીય મધ્યવર્તી વિચાર હતો - 'સેવાભાવના.' આ મધ્યવર્તી વિચાર અંતર્ગત જ્ઞાનવત્સલ સ્વામીએ વર્ષ દરમ્યાન વિપરીત સંજોગોમાં પણ સેવામાં રત રહેનાર સ્વયંસેવકોએ કરેલી વિવિધ સેવાઓની ઝાંખી પ્રસ્તુત કરી હતી. ત્યારબાદ સેવાભાવનાને દૃઢાવતા કીર્તનની પંક્તિઓનું ઉપસ્થિત સૌએ સમૂહમાં ગાન કર્યું હતું. સમૂહગાનને અંતે ત્યાગવલ્લભ સ્વામી તથા વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કરી સત્કાર્યા.
સ્વાગત સભાનો તૃતીય અને અંતિમ મધ્યવર્તી વિચાર હતો - 'સમર્પણભાવ.' આ વિચાર અંતર્ગત મંદિરનાં નૂતન સુવર્ણ રસિત સિંહાસનો માટે મુંબઈના હરિભક્તોએ વહાવેલાં સમર્પણભાવના દૃશ્યોની પ્રસ્તુતિ વીડિયો શો દ્વારા કરવામાં આવી હતી. તન-મન-ધનથી સમર્પણ કરનારા હરિભક્તોની ગાથા નિહાળી ઉપસ્થિત સૌ કોઈનું હૈયું ગદ્‌ગદિત થઈ ઊઠ્યું હતું. આ પ્રભાવક પ્રસ્તુતિ બાદ સમર્પણ ભાવનાને દૃઢાવતા ભક્તિપદનું સૌએ સમૂહમાં ગાન કર્યું હતું. ત્યારબાદ મુંબઈ મંદિરના તમામ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર મુંબઈ મંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું હતું. સભાના અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું 'સૌ સંતમંડળની પણ જય અને મુંબઈનાં તમામ મંડળની પણ જય. મુંબઈનો ભક્તિભાવ અને સેવા-સમર્પણની વાતો સાંભળીને ખૂબ આનંદ થયો છે. દરેકને ધન્યવાદ છે. ભગવાન સ્વામિનારાયણે લોયાના વચનામૃતમાં વાત કરી છે કે ભગવાન અને સંતને અર્થે શું ન થાય? એ વખતના ભક્તોનું સમર્પણ આપણે સાંભળીએ છીએ, પણ એ સમર્પણની ભાવના આજે મુંબઈના નાનામોટા બધા સંતો અને હરિભક્તોના જીવનમાં જોવા મળે છે.
દરેકના જીવનમાં ભક્તિભાવ હતો તો પોતાના ઘરે જાણે લગ્ન હોય તેના કરતાં પણ અધિક ધામધૂમથી ભગવાન ને સંતને પધરાવ્યા. ભક્તિભાવથી ભગવાનને માટે સુવર્ણ અર્પણ કર્યું છે. થોડા સમયની અંદર પણ ભગવાનને કેટલી બધી વાનગીઓ ધરાવી! કેવા ઉત્સવો કર્યા! વરઘોડા કાઢ્યા! આ બધું સામાન્ય રીતે થઈ શકે નહીં, પણ જીવમાં અતિભાવ, અતિશ્રદ્ધા, અતિ-મહિમા હોય તો જ થઈ શકે. 'ભગવાન અને સંત માટે શું ન થાય?' એ બધાએ કરી બતાવ્યું છે તો ભગવાન અને સંતનો અપાર રાજીપો સૌ ઉપર છે અને વિશેષ રાજીપો થશે.
છેલ્લા વર્ષ-દહાડાથી બધાએ મહિમા સહિત ખૂબ ભક્તિ કરી છે. બધાએ પોતાના ગજા ઉપરાંતની સેવાઓ કરી છે. સંતો ના પાડે - તોપણ કહે કે અમારે તો સેવા કરવી જ છે. આ ક્યારે બને ? જ્યારે અતિ મહિમા હોય ત્યારે બને. જગત માટે, દીકરા-દીકરીનાં લગ્ન માટે બહુ જ કરીએ છીએ, પાર્ટીઓમાં મોટા જલસા કરીએ છીએ. આ તો દુનિયાનો એક દેખાવ છે અને વહેવારિક રીતે કરવું પડે છે, પણ અહીં તો 'ભગવાનને માટે શું ન થાય ?' એ બધી વાતો જાણીને ખૂબ આનંદ થયો છે.
આપણી ભક્તિ 'આવી ફસ્યા' જેવી નથી. આપણે 'કરવું પડ્યું' એવું નથી, પણ ઉત્સાહ-ઉમંગથી સૌએ સેવા કરી છે.  આવી ભક્તિ બધાએ કરી છે એ ખૂબ અદ્‌ભુત વાત છે. 
આ એક દિવસની વાત નથી, પણ કાયમની વાત છે. આપણે જ્યાં સુધી રહીએ ત્યાં સુધી મહારાજની ભક્તિ થાય અને આવા ઉત્સવો થાય એવી ભાવના આપણને હોવી જોઈએ. મહારાજ ગઢડામાં વિરાજ્યા ને દાદા ખાચરને ત્યાં ઉત્સવો કર્યા છે. મહારાજને ઉત્સવો બહુ પ્રિય હતા. વડતાલ-ગઢડા-જૂનાગઢ બધે ઉત્સવો કર્યા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે પણ ઉત્સવો કર્યા છે. અત્યારે પણ દરેક જગ્યાએ ઉત્સવો થાય છે. એમાં આપ બહુ જ તન, મન, ધનથી સેવા કરો છો. સંતો પણ કેટલાં_ સુંદર આયોજન કરે છે!
નાનાંમોટાં બાઈભાઈ દરેકના જીવનમાં આવો ઉત્સાહ છે એ વિશેષ રહે અને ભક્તિ કરી શકે એવું બળ મહારાજ સૌને આપે અને તન, મન, ધનથી ભગવાન સૌને સુખિયા કરે એ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |