Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

મુંબઈમાં શાનદાર ઊજવાયો પ્રમુખવરણી દિન...

સ્વામીશ્રીના મુંબઈ ખાતેના રોકાણ દરમ્યાન મુંબઈવાસીઓને વિવિધ ઉત્સવોમાં સહભાગી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. તા. ૨૩-૫-૨૦૦૯થી શરૂ થયેલું પંચ દિવસીય 'પ્રમુખ પર્વ' વિવિધ ભક્તિસભર કાર્યક્રમોથી વિશેષ દિવ્યતા પાથરી ગયું હતું.
આ 'પ્રમુખ પર્વ' અંતર્ગત તા. ૨૪-૫-૨૦૦૯ના રોજ હજારો હરિભક્તો-ભાવિકોની ઉપસ્થિતિમાં પ્રતીક પ્રમુખવરણી દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
માનવમાત્રના ઉત્કર્ષ માટે અહોરાત્ર વિચરતા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે બી.એ.પી.એસ. સંસ્થાને વિશ્વફલક પર વિસ્તારી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો ઉદ્‌ઘોષ કર્યો છે. જેમનું સમગ્ર જીવન પરમાર્થ કાજે છે એવા આ યુગવિભૂતિના ૬૦મા પ્રમુખવરણી દિનની ભવ્યતાપૂર્વક ઉજવણી કરી મુંબઈ સત્સંગમંડળે કૃતાર્થતાની લાગણી અનુભવી હતી.
વહેલી સવારથી સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોથી યોગી સભાગૃહ છલકાતો હતો. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં ત્રણ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ભગવાન સ્વામિનારાયણ તથા સ્વામીશ્રીની દિવ્ય પ્રતિભા દર્શાવતાં દૃશ્યો નિહાળી સૌ રોમાંચિત થઈ ઊઠ્યા હતા. આજની પ્રાતઃપૂજામાં વિશિષ્ટ કીર્તનભક્તિ રજૂ થઈ હતી. સૌપ્રથમ સ્વામીશ્રીના કંઠે ગવાયેલા કીર્તનની પંક્તિ રજૂ થતી અને ત્યારબાદ ગાયક સંતો તે કીર્તન પૂર્ણ કરતા હતા. પ્રાતઃપૂજા બાદ મુંબઈનાં વિવિધ પરાંઓમાંથી આવેલા પદયાત્રીઓને સ્વામીશ્રીના આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
સાંજે ધૂન-કીર્તનના ગાનથી પ્રમુખવરણી દિનના મુખ્ય સમારોહનો આરંભ થયો. સંસ્થાના પ્રમુખ તરીકેની સાધુતાસભર કાર્યદક્ષતાના મુખ્ય વિચાર સાથે સંતોએ સ્વામીશ્રીના વિશિષ્ટ પ્રસંગોનું પાન સૌને કરાવ્યું. સભા દરમ્યાન સ્વામીશ્રીની દિવ્ય પ્રતિભાને દર્શાવતાં વિવિધ દૃશ્યો વિશાળ સ્ક્રીન પર રજૂ થઈ રહ્યાં હતાં. સ્વામીશ્રીની સ્થિતપ્રજ્ઞતા દર્શાવતા વીડિયો શોની પ્રભાવક પ્રસ્તુતિ નિહાળી સૌ ગદ્‌ગદિત થઈ ઊઠ્યા. ત્યારબાદ વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રીની સાધુતા દ્વારા બી.એ.પી.એસ. સંસ્થાએ કરેલા વિકાસ અંગે મનનીય પ્રવચન કર્યું હતું. મુંબઈ સત્સંગમંડળનાં બાળકો, કિશોરો અને યુવકોએ પ્રિયદર્શન સ્વામી લિખિત 'કૈસે કરે હમ આપકી..' ગીતના આધારે નૃત્ય રજૂ કરી ગુરુહરિની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. નૃત્ય બાદ આદર્શજીવન સ્વામી લિખિત સંવાદ રજૂ થયો. સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કેઃ 'આજે આપણે અહીં બધા સાથે કાર્ય કરી રહ્યા છીએ. તો કાર્યકર્તાઓ, સંતો-હરિભક્તોને ખૂબ ધન્યવાદ છે, બધાને હું વંદન કરું છું. 'ભગવાન ને સંતને રાજી કરવા માટે શું ન થાય?' એભાવ આપ સર્વમાં જોવા મળ્યો છે. અહીંં યોગીજી મહારાજે વારંવાર પધારીને ખૂબ સુખઆપ્યું છે, કથાવાર્તાકરી છે, જ્ઞાન આપ્યું છે, દરેકને લાડ પણ લડાવ્યા છે.
એમણે સંતોનો પણ સંકલ્પ કરેલો. એમાં તે વખતે મોટા સંતો - મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, કોઠારી સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી ને એકાવન સંતોને દીક્ષા આપી અહીં રાખ્યા. એમને પણ હેત કરીને યોગીજી મહારાજે ખૂબ વાતો કરી છે અને એના ફળસ્વરૂપે આજે આ સંતો પણ એટલું અદ્‌ભુત કાર્ય કરી રહ્યા છે કે એમનો સંકલ્પ હતો કે સત્સંગ વધે અને ખરેખર સત્સંગ વધ્યો છે.
એટલે જે કાંઈ આ કાર્ય અત્યારે થઈ રહ્યું છે અને થાય છે એ બધું એમના સંકલ્પથી છે, શાસ્ત્રીજી મહારાજના પ્રતાપે છે, કારણ કે મહારાજે કહ્યું કે મારી મરજી સિવાય સૂકું પાંદડું પણ હાલવા સમર્થ નથી. ઝાડનું સૂકું પાંદડું હોય એને આપણે આમ હલાવી શકીએ નહીં. આપણે જાણીએ કે આમ ફૂંક મારીએ ને ઊડી જશે, પણ અહીંથી આમ કરવાની પણ આપણી શક્તિ નથી. આ બોલવા માટેની પણ શક્તિ આપણી નથી, ચાલવાની પણ શક્તિ આપણી નથી, હાથ-પગની જે ક્રિયાઓ છે એ કરવા આપણે સમર્થ નથી. એ ભગવાનની ઇચ્છાથી થાય છે, એ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના પ્રતાપથી આ બધું થયું છે, થાય છે ને થશે, કારણ કે એ મહાન સંકલ્પ લઈને અક્ષરધામમાંથી પધાર્યા છે.
શ્રીજીમહારાજે કહ્યું કે હું અનંત જીવનો ઉદ્ધાર કરવા માટે અક્ષરધામમાંથી આવ્યો છું. એ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજે કાર્ય કર્યું ને શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જે ખરું જ્ઞાન હતું એને મૂર્તિમાન કર્યું. જોગી મહારાજે એનો વિસ્તાર કર્યો, મંડળો સ્થાપ્યાં. જોગી મહારાજના એવા જબરજસ્ત સંકલ્પો હતા કે દેશ-પરદેશમાં સત્સંગ વધે, સાધુ ઘણા થાય અને અત્યારે તે જોવા મળે છે. એમનું કાર્ય અદ્‌ભુત હતું. બહુ જ વિચારીને નિષ્ઠાપૂર્વક આ સત્સંગ વધે ને થાય એવું જ એમનું કાર્ય ને આયોજન હતું અને એ પ્રમાણે કર્યું છે.
શાસ્ત્રીજી મહારાજે મુંબઈમાં જે પાયા નાખ્યા છે, જે ઊંડો સત્સંગ કરાવ્યો છે એ દિવસે દિવસે વધતો જાય છે. સંતોમાં પણ એમણે એવું બળ આપ્યું છે કે દેશ-પરદેશમાં સત્સંગ વધ્યો છે. એટલે એમના સંકલ્પો એવા જબરજસ્ત હતા.
ભગવાન ને મોટાપુરુષ સંકલ્પ કરે તો પછી એમાં ખામી રહે નહીં. એમના શબ્દો એ વેદવાક્ય. સારું થાય કે નરસું થાય, સુખ આવે કે દુઃખ આવે પણ 'ભગવાન જ કર્તા છે' એટલું જીવનમાં દૃઢ કરવાનુંછે. નિર્માનીપણે, દાસના દાસ થવું.
દાસના દાસ મનાવું બહુ કઠણ છે. પણ જોગી મહારાજ એ રીતે વર્ત્યા છે. એમની દૃષ્ટિમાં દિવ્યતા હતી - નાનો હોય કે મોટો હોય, ગરીબ હોય કે તવંગર હોય ને ગમે તેવો હોય તો ય બધા બહુ સારા છે એવી એમની ભાવના હતી! તેમને દરેકમાં ભગવાન જોવાની દૃષ્ટિ હતી. આ દૃષ્ટિ હતી એટલે એમને કોઈ દિવસ અવગુણ નથી આવ્યો, કોઈનો અભાવ આવ્યો નથી, કોઈને વિષે દ્વેષભાવ પણ થયો નથી.
તો એવા શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ આપણને મળ્યા છે. એમનું આ બધું કાર્ય થયું છે ને આપ બધા જોડાયા છો તો આપને પણ ભગવાન અનંતગણું બળ આપે, આવી ને આવી ભક્તિ ને સેવા કરવાનું પણ બળ આપે. આપણાં ભાગ્ય છે કે આપણને સારી સેવા મળી છે. કોઈ પણ જાતના અહં કે માન રાખ્યા વિના દાસના દાસ થઈ આપણે પણ સેવા કરી ભગવાનને રાજી કરીએ એ આશીર્વાદ છે.'
આશીર્વચનની સમાપ્તિ બાદ ભગવાન સ્વામિનારાયણ અને બ્રહ્મસ્વરૂપ ગુરુવર્યોના મુંબઈ ખાતેના દિવ્ય પ્રસંગોની દુર્લભ છબિઓ દ્વારા મુંબઈના ઇતિહાસની વિરલ ક્ષણોને નજર સમક્ષ તાદૃશ્ય કરાવતા 'સ્મૃતિ' નામના ગ્રંથનું આદર્શજીવન સ્વામીએ સ્વામીશ્રી પાસે ઉદ્‌ઘાટન કરાવ્યું હતું. ત્યારબાદ આજના પ્રસંગે વિવિધ મંડળોમાંથી હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર તથા ચાદર વડીલ સંતોએ સૌ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
તા. ૨૭-૫-૨૦૦૯ને જેઠ સુદ ચોથનો પવિત્ર દિન એટલે પ્રમુખવરણી દિન. આ પવિત્ર દિને સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં દરમ્યાન સ્વામીશ્રીએ સંસ્થાના પ્રમુખ તરીકે લીધેલી પ્રતિજ્ઞાઓ આધારિત એક વીડિયો શો રજૂ થયો. વીડિયો-શોની પ્રભાવક પ્રસ્તુતિ બાદ સ્વામીશ્રીના મહિમાને વર્ણવતાં સંસ્કૃતમાં રચાયેલા શ્લોકો અને શ્રુતિઓનું વૈદિક ઢાળમાં ગાન કરી સંતોએ ભક્તિસભર અંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ પ્રિયદર્શન સ્વામી લિખિત 'એક ઐસા સમંદર હૈ...' ભક્તિપદનું ગાન કરી જયદીપ સ્વાદિયા અને સાથીઓએ સ્વામીશ્રીના મહિમાનું પાન સૌને કરાવ્યું હતું. કીર્તન ગાન દરમ્યાન મંચની પાર્શ્વભૂમાં આવેલા સ્ક્રીન પર શબ્દોને અનુરૂપ રજૂ થતાં દૃશ્યો સૌના હૈયાને સ્પર્શી ગયાં. ત્યારબાદ વિવિધ મંડળોએ તૈયાર કરેલા પુષ્પહાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
આમ, પાંચ દિવસના 'પ્રમુખ પર્વ'ની ભક્તિસભર ઉજવણી કરી મુંબઈ સત્સંગમંડળે ગુરુભક્તિ અદા કરી હતી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |