Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શ્રીહરિ પર્વ

તા. ૨-૬-૨૦૦૯ને, જેઠ સુદ દશમના રોજ શ્રીજી મહારાજની અંતર્ધાન તિથિ નિમિત્તેના શ્રીહરિ પર્વનું આયોજન તા. ૩૧-૫-૨૦૦૯ના રોજ રવિ સત્સંગસભામાં કરી મુંબઈ સત્સંગ મંડળે ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રસંગોની સ્મૃતિ કરી હતી. યોગી સભાગૃહના વિશાળ મંચ  પર સ્વામીશ્રીના આસનની ડાબી બાજુ  પર માણકી પર અસવાર શ્રીજી મહારાજની મૂર્તિનું અદ્‌ભુત દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. 'શ્રીજી પ્રગટ છે સદા સત્સંગમાં...'ના મધ્યવર્તી વિચાર સાથે સંતોએ ભગવાન સ્વામિનારાયણ અને સ્વામીશ્રીની વચનામૃત કથિત સાહજિક પ્રકૃતિનું સામ્ય પ્રવચન દ્વારા રજૂ કર્યું હતું. સ્વામીશ્રીના આગમન બાદ 'પૂર્વનાં પુણ્ય ફળ્યાં..' કીર્તનના આધારે વીડિયો શોની પ્રસ્તુતિ થઈ. ત્યારબાદ વિવેકસાગર સ્વામીએ 'ઐસે સંતને શ્યામ હજૂર...' વિષય પર મનનીય પ્રવચન રજૂ કર્યું.
પ્રવચન બાદ 'સંત તે સ્વયં હરિ...' કીર્તનના શબ્દો આધારિત વીડિયો શો રજૂ થયો. ત્યારબાદ વડીલ સંતોએ સ્વામીશ્રીને પુષ્પહાર અર્પણ કરી સત્કાર્યા. આજે સ્વામિનારાયણ અક્ષરપીઠ તરફથી પ્રકાશિત થયેલી નીલકંઠ વણીની ફરતી ક્રિસ્ટલ મૂર્તિનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીએ કર્યું.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું, ''ભગવાનનાં ૠણ જેટલાં માનીએ એટલાં ઓછાં છે. દુર્લભમાં દુર્લભ મનુષ્યદેહ ભગવાને આપણને દયા કરીને આપ્યો છે. એમાં મોક્ષનું કામ થઈશકે છે.
વળી, આ દેહ તો મળ્યો છે, પણ જ્યારે શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા ગુણાતીત સંતનાં દર્શન થાય, સમાગમ થાય અને એમનું વચન જીવમાં ઊતરે તો એનાથી જીવનું કલ્યાણ થાય છે અને ઇંદ્રિયોની ક્રિયા શુદ્ધ બને છે. આજે ન જોવાનું - નાટારંગ, નાચગાન એ બધું જ જોવાય છે. ટી.વી.જોવાથી ઇંદ્રિયો વિકળ થાય ને ઘણી જાતના સંકલ્પો-વિકલ્પો થાય છે. એટલે એક્રિયાથી કલ્યાણ ન થાય માટે આંખે કરીને ભગવાન-સંતનાં દર્શન કરવાં. એ કરીએ તો એમાંથી સારા વિચાર આવે. એમાંથી સારી પ્રેરણા મળે છે. દર્શનથી જ શાંતિ પણ થાય છે!
દુર્લભ મનુષ્યદેહનો ઉપયોગ સારો થાય એના માટે સંત-સમાગમ છે. જોગી મહારાજ જેવા સંત વાતો કરતા હોય તો કેટલો આનંદ થઈ જાય! ભગવાનનો સંબંધ હોય એટલે એમાં આનંદ આવે છે. સંત પણ મનુષ્ય જેવા છે, પણ એની પાસે બેસીએ તો વાત તો ભગવાનની જ નીકળે, ભગવાનનો જ મહિમા સમજાવે. વિષયી માણસોની વાતો સાંભળીએ તો ઊલટો કચરો પેસે.
આમ, ઇંદ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખવા. આ પ્રમાણે કરીએ તો ભગવાન-સંતની સેવા થઈ ને એવું ન કરી શકીએ તો ભગવાન-સંતની સેવા થઈ નહીં. એટલે ભગવાન-સંતને વિષે ભક્તિભાવ થાય, એમણે બતાવેલા આદર્શ માર્ગે ચાલીએ તો કલ્યાણ થાય. ભગવાનની આજ્ઞા પાળીએ, ભગવાન માટે જેટલું કાર્ય કરીએ એટલી સાર્થકતા કહેવાય. ભગવાન સત્ય છે. એને અર્થે જેટલું કરીએ એટલું સાચું. કેટલાકને થાય કે ભગવાનનાં મંદિરોથી શું થાય ? શાસ્ત્રો વાંચવાથી શું થાય? પણ એમાં શ્રદ્ધા જોઈએ. જેમ વેપાર, ધંધો, ભણતર એ દેહના સુખ માટે છે, પણ આત્માના સુખ માટે શાસ્ત્રો વાંચીએ તો એમાંથી જ સુખ આવે છે.
મનુષ્યદેહે કોઈ ક્રિયા ખોટી ન થાય, ભગવાન સંબંધી જ બધી ક્રિયા થાય તો પછી મનુષ્યદેહની સાર્થકતા થાય. મનુષ્યદેહે જે કાર્યો થાય છે એ બીજા કોઈ પણ દેહથી થતું નથી. આ વાત કોઈને સમજાઈ જાય તો એના જીવનું અતિ રૂડું થાય. ભગવાન ને સંત રાજી થાય.''

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |