Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોર દિન

મોહનગરી મુંબઈના રંગરાગભર્યા વાતાવરણમાં કિશોરોને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ પ્રેમનું ઘેલું લાગ્યું હતું. તા. ૧૪-૬-૨૦૦૯ના રોજ મુંબઈ કિશોર મંડળના કિશોરોએ 'કિશોર દિન'ની શાનદાર ઉજવણી કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. નીલકંઠ વણીના પ્રસંગોને કેન્દ્રમાં રાખી સમગ્ર દિનની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સ્વામીશ્રીના નિવાસસ્થાનથી યોગીસભાગૃહ સુધીના ગમનપથ પર નીલકંઠ વણીની સ્મૃતિ કરાવતા પ્રસંગોની આબેહૂબ પ્રસ્તુતિ કરી કિશોરોએ ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
પ્રાતઃપૂજા પૂર્વે સ્વામીશ્રી મંદિરમાં દર્શનાર્થે પધાર્યા ત્યારે પગથિયા પર બેઠેલા કિશોરોએ નીલકંઠ વણીએ હરિદ્વારમાં હર કી પૈડી પર સંધ્યા સમયે ઉતારેલી આરતીની સ્મૃતિ સાથે નીલકંઠ વણી તથા સ્વામીશ્રીની આરતી ઉતારી. વણી મંડપમ્‌માં રજૂ થયેલા જુદાં જુદાં ત્રણ સ્પોટ નીલકંઠ વણીના જીવનમાંથી પ્રેરણા આપી રહ્યા હતા. અહીં સ્વામીશ્રીના સાંનિધ્યમાં કિશોરોના કંઠે ગવાયેલા શાંતિપાઠથી સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. હનુમાનજી તથા ગણપતિજીની દેરી આગળ કમલેશ્વર મઠ તથા પુલ્હાશ્રમના પ્રસંગોની પ્રેરક પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આજે મંદિરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિએ પણ નીલકંઠવણીનું સ્વરૂપ ધારણ કર્યું હતું. સ્વામીશ્રી જ્યારે અહીં દર્શને પધાર્યા ત્યારે હિમાલયના બરફમાં વિહરતા નીલકંઠ વણીનાં દર્શન કરી વિશેષ પ્રસન્ન થયા હતા. મંદિરથી યોગી સભાગૃહ સુધીના માર્ગમાં કિશોરોએ પીબૈક, સેવકરામ તથા ગોપાલયોગીનાં દૃશ્યોની અદ્‌ભુત પ્રસ્તુતિ કરી હતી. ત્યારબાદ જગન્નાથપુરીની રથયાત્રાની સ્મૃતિ સાથે આરંભાયેલી નગરયાત્રામાં સૌને દર્શનદાન દેતા સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે યોગી સભાગૃહમાં પધાર્યા.
અહીં મંચની પાર્શ્વભૂમાં દાદાખાચરનો દરબાર તથા નીલકંઠ વણીએ લખેલી પત્રીના શણગાર શોભી રહ્યા હતા. સ્વામીશ્રીના પૂજાના આસન ફરતે દોરેલા પગલાં સૌ નીલકંઠ વણીના માર્ગે એક ડગલું ભરવા કટિબદ્ધ છે એવો સંદેશો વ્યક્ત કરી રહ્યા હતાં. પ્રાતઃપૂજા દરમ્યાન કિશોરો-યુવકોએ કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજની સંધ્યા સત્સંગસભા કિશોર દિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. બપોરે ૨-૩૦ વાગ્યાથી જ સભામંડપમાં પ્રવેશ મેળવવા માટે હજારો હરિભક્તો શિસ્તબદ્ધ રીતે કતારમાં ઊભા હતા. યોગી સભાગૃહ, યોગી મંડપ, પ્રમુખસદન અને અક્ષરભુવનના સભામંડપો હરિભક્તોથી છલકાતા હતા. મંચ પરથી રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ સ્વામીશ્રીનાં દર્શનનો લાભ પ્રાપ્ત થાય એ માટે મંદિરમાં ઠેર-ઠેર સી.સી. ટી.વી.ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી આજની સભાનો આરંભ થયો. ત્યારબાદ પરેશ હિંગુ લિખિત 'એક ડગલું આગળ વધવું છે...' સંવાદની અદ્‌ભુત પ્રસ્તુતિ કિશોરોએ કરી. સ્વામીશ્રીના આગમન સાથે 'વધવું છે વધવું છે એક ડગલું આગળ વધવું છે...' ગીતના આધારે નૃત્ય કરી કિશોરોએ સ્વામીશ્રીને સત્કાર્યા. ત્યારબાદ સમગ્ર મુંબઈ મંડળના કિશોર-કિશોરીઓએ પોતાને મનગમતી પ્રાર્થનાઓને વિશ્વની ૯૧ ભાષાઓમાં ગૂંથી તૈયાર કરેલું હૃદય અને ૨૦૦૦ ફૂટ લાંબો હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌ કિશોર-કિશોરીઓએ સ્વામીશ્રીના આશીર્વાદથી અંકિત 'યોગી-ગીતા'ની પુસ્તિકા પામીને કૃતાર્થતાની લાગણી અનુભવી હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : ''કિશોર મંડળની જય. કિશોર મંડળનો ઉત્સાહ, ઉમંગ અને એમણે જે અહીં રજૂઆત કરી એમાં શ્રદ્ધાએ સહિતનો પ્રયત્ન અને મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને રાજી કરવા માટેનું તાન છે. લોક રીઝવવા માટે કે લોકો રાજી થાય ને ઇન્દ્રિયોને આનંદ થાય એવા બહાર તો ઘણા કાર્યક્રમો થાય છે, પણ અંતરની શુદ્ધિ કે સંસ્કાર એમાંથી મળતા નથી. દુનિયાના જલસા માટે લોકો સમય કાઢે છે, પૈસા કાઢે છે પણ એમાં તેમને કંઈ મળતું નથી, છતાં એનો આનંદ આવે છે. એને સાચી વસ્તુ જડી નથી એટલા માટે ફાંફાં મારે છે. પણ જ્યારે સત્સંગ થાય, સત્સંગની દૃઢતા થાય, એનો મહિમા સમજાય ત્યારે થાય કે ભગવાન ને સંતને અર્થે શું ન થાય ? આજે કિશોરમંડળે આપણી સમક્ષ જે કાર્યક્રમ રજૂ કર્યો એમાં ભગવાન અને સંત રાજી થાય એવી ભાવના છે.
આજે વાત થઈ કે એક ડગલું ભરવું છે. આપણને થાય એક ડગલું ભરવું એટલે શું ? પણ આ ડગલું છે એ કંઈક જુદી વાત છે. દુનિયામાં પચાસનાં સો ડગલાં ભરે તો એમાં કાંઈ મળવાનું નથી, ઊલટા વિચારોનું વમળ ચઢે છે ને ખોટે રસ્તે જઈને જિંદગી બરબાદ થાય છે. જગતના વિષય ભરવાથી ઊલટી અશાંતિ થાય. ગમે એટલી સમૃદ્ધિ હોય તો પણ જ્યાં સુધી માણસને જગતનો મોહ છે ત્યાં સુધી એને શાંતિ થતી નથી. પણ જગતની કોઈ સમૃદ્ધિ ન હોય અને એક સત્સંગ હોય તો આનંદ છે, શાંતિ છે.
ભક્તોને ભગવાનનો જ આનંદ હતો. મહારાષ્ટ્રમાં સંત તુકારામ થઈ ગયા. તેમની પાસે કાંઈ જ નહોતું, છતાં એને ભગવાનનો આનંદ હતો. કરોડો રૂપિયા કરતાં એમને વધારે આનંદ હતો. ભગવાન રૂપી સંપત્તિમાં કોઈ મુશ્કેલી છે નહીં. ડગલું ભર્યું છે તો પાછા ન હટીએ. ભગવાનની ભક્તિ કરવામાં ડગલું ભર્યું છે પણ એ ડગલું સાચવવું પણ એટલું જ અગત્યનું છે. આપણે લૌકિક લાભ માટે ડગલું ભર્યું નથી. આ ડગલું તો અક્ષરધામને પામવા માટે છે. મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની સેવા માટે છે.
સૌએ નિયમ-ધર્મ દૃઢ રાખવા. વ્યસન-દૂષણ, ચોરી, માંસાહાર પણ નહીં એ આપણા જીવનમાં દૃઢ હોવું જોઈએ અને બીજાનું સારું થાય એવું આપણું જીવન હોવું જોઈએ. આપણને ભગવાનમાં પ્રેમ છે એમ બધાને ભગવાનમાં પ્રેમ થાય એવું આપણું જીવન, વર્તન દૃઢ રાખવાનું છે. જ્યાં સુધી દેહ રહે ત્યાં સુધી આ વિચાર રાખવાનો છે. પરદેશમાં પણ આપણાં મંદિરો છે તો મંદિરનો લાભ લેવો ને વિષયોથી દૂર રહેવું. બીજાને આ વસ્તુ બરોબર દૃઢ કરાવવી એ મોટામાં મોટી સેવા છે.
તો મહારાજ, સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, જોગી મહારાજને પ્રાર્થના છે કે યુવકોએ જે રજૂઆત કરી છે તો એમને એવું બળ મળે, અને બીજા હજારોને આવો સત્_સગ કરાવે. એમનાં માબાપ અને વાલીઓને પણ ખાસ સંદેશ મળ્યો છે કે સંતાનોને સત્સંગમાં લાવવાં. પોતે તો આવવાનું જ છે પણ સંતાનોનું પણ ધ્યાન રાખવાનું છે. સંતાનોને આ સત્સંગનો પાશ લાગશે તો વાંધો નહીં આવે.''

૮-૧૦ વાગે આશીર્વાદની સમાપ્તિ પછી આદર્શજીવન સ્વામીએ કાર્યકરો માટે તૈયાર થયેલા 'સત્સંગ સૌરભ ભાગ–૮'નું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. સભા બાદ સૌએ વિશિષ્ટ પ્રસાદ લઈ વિદાય લીધી.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |