Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રથયાત્રા ઉત્સવ

રથયાત્રાનો ઉત્સવ સમગ્ર ભારત-વર્ષમાં ભગવાન જગન્નાથજીની સ્મૃતિમાં પ્રતિવર્ષ ધામધૂમપૂર્વક ઉજવાય છે. તા. ૨૧-૬-૨૦૦૯ના રોજ મુંબઈ સત્સંગ મંડળે સ્વામીશ્રીના સાનિધ્યમાં પ્રતીક રથયાત્રા ઉત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરી ભક્તિનો આનંદ માણ્યો હતો.
સંધ્યા સત્સંગસભાના આરંભમાં મેઘરાજાએ અમીછાંટણા કરી ભગવાનને આવકાર્યા હતા. યોગી સભાગૃહમાં ઉપસ્થિત હજારો હરિભક્તોને વિવેક-સાગર સ્વામીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા રથ-ઉત્સવનો આધ્યાત્મિક મર્મ સમજાવ્યો હતો. આજના પ્રસંગે હરિકૃષ્ણ મહારાજ અને જબરેશ્વર મહારાજ તથા દક્ષિણેશ્વર મહારાજ માટે બે કલાત્મક યંત્રસંચાલિત રથ તૈયાર કરવામાં આવ્યા હતા. સ્વામીશ્રીએ યંત્રસંચાલન દ્વારા બંને રથને મંચ પર વિહાર કરાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સભામાં ઉપસ્થિત સૌ-કોઈ રથયાત્રા તેમજ રથમાં બિરાજિત ઠાકોરજીનાં દર્શનમાં નિમગ્ન સ્વામીશ્રીનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. રથવિહાર દરમ્યાન અક્ષરકીર્તન સ્વામી તથા જયદીપ સ્વાદિયાએ ગાયેલાં ઉત્સવપદો વાતાવરણમાં વિશેષ દિવ્યતા પાથરી ગયાં.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'રથયાત્રા ઉત્સવની પણ જય. આજે રવિવારનો દિવસ એટલે આપણે બે દિવસ અગાઉ રથયાત્રા ઉત્સવની ઉજવણી કરી છે. તે દિવસે આપણે રથ શહેરમાં ફેરવવાનો છે. આ તો ફળિયામાં ઘોડો ફેરવી દીધો છે તો દરેકને નિરાંતે બેઠાં બેઠાં મહારાજનાં દર્શન થયાં છે.
આજે રથયાત્રા ઉત્સવ નિમિત્તે વિવેકસાગર સ્વામીએ રામાયણ-મહાભારત-ભાગવત આ ગ્રંથોના પ્રસંગો બહુ સુંદર રીતે કહ્યા. આરંભથી અંત સુધીમાં આપણને એકચિત્ત કરી દીધા. ભગવાનનો આશરો એ બહુ મોટી વાત છે. પાંડવોને ભગવાનનો આશરો હતો તો વિજય થયો.
આ ગ્રંથોમાંથી સાંભળીને, વિચારીને આપણે જીવનમાં ભગવાનને પ્રધાન રાખવા. ભગવાને આપેલા આદેશો, ધર્મ-નિયમ, આજ્ઞા-ઉપાસના એ જો પાળીએ તો શાંતિ રહે. ભગવાન ને સંતનો આશરો દૃઢ હોય તો કોઈ વાંધો આવે નહીં, પણ વિશ્વાસ જોઈએ. વિશ્વાસે વહાણ ચાલે. આ દુનિયામાં આપણે આપણા આત્માના કલ્યાણ માટે આવ્યા છીએ. સાચા સંત મળે તો તે આપણને સાચો માર્ગ બતાવે છે. એ માર્ગે ચાલીએ તો સર્વ પ્રકારે સુખ, સુખ ને સુખ, શાંતિ, શાંતિ ને શાંતિ છે. પણ માણસને જ્યાં સુધી વિશ્વાસ ન આવે ત્યાં સુધી અશાંતિ રહે છે. ભગવાનમાં શ્રદ્ધા રાખીને એમનાં વચનો સારધાર પાળીએ તો બધું સારું થઈ જાય.
ભગવાનનો સંબંધ આવે તો જાણવું કે એમાં દિવ્યતા છે. મહારાજ, શાસ્ત્રીજી મહારાજે આ ઉત્સવ ઊજવેલા છે તો એનાથી લોકોને ભક્તિભાવ વધે ને આ માર્ગે આગળ વધે છે. તો આપણે પણ આપણા જીવનમાં ભગવાનનો આશરો દૃઢ રાખવો. યોગીજી મહારાજ જેવા સાચા ગુરુને આપણી લગામ આપી છે તો આપણને અક્ષરધામમાં પહોંચાડીને સર્વ પ્રકારે સુખિયા કરશે એ જ પ્રાર્થના.'
આશીર્વચનની સમાપ્તિ બાદ ભક્તિ-પ્રિય સ્વામીએ પુષ્પહાર પહેરાવી  સ્વામીશ્રીનું સન્માન કર્યું. ત્યારબાદ અભ્યાસ ક્ષેત્રે જ્વલંત સફળતા મેળવનાર મુંબઈ સત્સંગ મંડળના તારલાઓની વિશિષ્ટ સિદ્ધિને ભક્તિપ્રિય સ્વામીએ સ્મૃતિભેટ આપી બિરદાવી હતી. 
તા. ૨૪-૬-૨૦૦૯ને, અષાઢ સુદ બીજનો દિન એટલે રથયાત્રાનો પરમ પવિત્ર દિન. આજનો દિન મુંબઈવાસીઓ માટે સવિશેષ યાદગાર બની રહ્યો હતો. સ્વામીશ્રીના દિવ્ય સાનિધ્યમાં મુંબઈ મહાનગરના માર્ગો પરથી નીકળેલી ભવ્ય રથયાત્રાની સ્મૃતિઓ સૌના હૃદયમાં સદાયને માટે અંકિત થઈ ગઈ. સંધ્યા સમયે દાદર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનું પ્રાંગણ આ ઉત્સવમાં સહભાગી થવા ઊમટેલા સફેદ વસ્ત્રોથી સજ્જ હજારો હરિભક્તોથી છલકાતું હતું. રથયાત્રામાં ઠાકોરજી માટે સુંદર શણગારોથી અલંકૃત બે પાલખીઓ તૈયાર કરવામાં આવી હતી. એક પાલખીમાં હરિકૃષ્ણ મહારાજ અને જબરેશ્વર મહારાજ તથા બીજી પાલખીમાં  બિરાજિત દક્ષિણેશ્વર મહારાજ સૌને દર્શનદાન આપી રહ્યા હતા. યોગી સભાગૃહ આગળ મહિલામંડળે ભક્તિ-ભાવપૂર્વક ફૂલ અને પાંદડાંમાંથી વિશાળ રંગોળી રચી હતી.
સ્વામીશ્રીના આગમન સાથે જ સૌમાં ભક્તિની હેલી ઊમટી હતી. સ્વામીશ્રીએ રથયાત્રાની આરતી ઉતારી, હરિકૃષ્ણ મહારાજનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા દાદર વિસ્તારના ધારાસભ્ય શ્રી મધુભાઈ ચૌહાણે શ્રીફળ વધેરી રથયાત્રાને લીલી ઝંડી આપી હતી.
બૅન્ડવાઝાના ભજનની સૂરાવલિઓ, સંતોની કીર્તનની રમઝટ, ભારતના વિવિધ પ્રદેશના પરિવેશમાં સજ્જ નૃત્ય કરતા બાળકો, બળદગાડાં, ઘોડાગાડી, શણગારેલા ટ્રક, બગીઓ, સાફાધારી મોટરસાઈકલ સવારો તથા પદયાત્રામાં જોડાયેલા હજારો હરિભક્તો સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. એકાદ કિલોમીટર લાંબી આ રથયાત્રા જે જે વિસ્તારોમાંથી પસાર થતી હતી ત્યાં હજારો મુમુક્ષુઓ ફૂટપાથ, દુકાનો, મકાનોની બહાર આવી રથયાત્રાનાં દર્શન કરી ધન્ય બન્યા હતા. સ્થાનિક વેપારીઓએ પાલખીમાં બિરાજમાન ઠાકોરજીનું સ્વાગત કર્યું હતું તો દક્ષિણ ભારતીય મંદિરના પૂજારીઓએ ઠાકોરજીનું પૂજન કરી રથયાત્રાને વધાવી હતી.

આમ, માટુંગા, કીંગ સર્કલ અને પ્રીતમ હોટલ થઈ ચાર કિલોમીટરનું અંતર કાપી સાંજે સાત વાગ્યે આ ભવ્ય રથયાત્રા દાદર સ્થિત બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે વિરામ પામી હતી.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |