Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રાપ્તિ દિન

તા. ૨-૮-૨૦૦૯નો રવિવારનો દિવસ 'પ્રાપ્તિ દિન' તરીકે ઊજવી અટલાદરા સત્સંગમંડળે પ્રગટની પ્રાપ્તિનો અનેરો કેફ સૌમાં ઘૂંટાવ્યો. આજના દિવસે સંતો-યુવકોએ વિશિષ્ટ રીતે સ્વામીશ્રી પ્રત્યે ગુરુભક્તિ અદા કરી હતી. મંદિરના અગ્ર મંડપમ્‌માં યુવકોએ રચેલો બાર દ્વારનો હિંડોળો તથા ઘુંમટની નીચે બી.એ.પી.એસ. છાત્રાલયના યુવકોએ રચેલો લંડનના બ્રિજની ડિઝાઇનવાળો  હિંડોળો તેનું પ્રતીક હતા. સ્વામીશ્રીએ આ હિંડોળામાં બિરાજમાન ઠાકોરજીને ઝુલાવી સૌની ભક્તિને બિરદાવી હતી. પ્રાતઃપૂજામાં સંતોએ પ્રાપ્તિનાં પદોનું ગાન કરી વાતાવરણને વધુ અર્થસભર બનાવ્યું હતું.
સાંજની રવિ સભા પ્રાપ્તિ દિન નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. વડોદરા સત્સંગમંડળનાં બાળકો તથા યુવકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પ્રાપ્તિનો મહિમા ગુંજતો કર્યો હતો. વિવેકસાગર સ્વામીના કથામૃત બાદ પાદરા તથા દરાપુરાનાં બાળકો અને યુવકોએ 'આવ્યા, સ્વામી આવ્યા રે આવ્યા...' ગીતના આધારે સ્વાગત નૃત્ય રજૂ કરી ભક્તિ અદા કરી હતી. નૃત્ય બાદ વડોદરાના વિવિધ વિસ્તારોના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા પુષ્પહાર સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. ત્યારબાદ યુવકોએ યોગેન્દ્ર સ્વામી લિખિત 'પ્રાપ્તિ' વિષયક સંવાદની પ્રેરક પ્રસ્તુતિ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'જો ભગવાનની પ્રાપ્તિનો વિચાર હોય ને એમાં જ સુખ મનાયું હોય, તો પછી સંસારનાં સુખ તો ક્ષણિક અને તુચ્છ લાગે છે. સાચું સુખ ભગવાનના ભજનમાં છે. સંત-સમાગમમાં સુખ છે એવું બીજે ક્યાંય નથી. એ સુખ આપણે મેળવવાનું છે.
મીરાંની પાસે મહેલ ને સમૃદ્ધિ હતી છતાં એમાં એમને આનંદ ન આવ્યો અને ભગવાનના ભજનમાં આનંદ આવ્યો. એમને ભગવાનમાં શ્રદ્ધા હતી તો ભગવાન માટે ઘેલા થયાં અને એનાં જ કીર્તન ગાયાં. નરસિંહ મહેતાએ પણ ભગવાનના ગુણ ગાયા ને ભગવાનને રાજી કર્યા. ભગવાન શ્રી સ્વામિનારાયણના વખતમાં પર્વત-ભાઈ, ગોરધનભાઈ જેવા ભક્તો થઈ ગયા, સંતો થઈ ગયા - એ બધાને પ્રાપ્તિમાં જે આનંદ હતો એવો પૈસામાં કે દુનિયાના મોજશોખમાં નહોતો. જેટલા ભગવાનને આગળ રાખશો એટલું લૌકિક સમૃદ્ધિનું સુખ આવશે. દુનિયાની પ્રાપ્તિ સમજાઈ છે, પણ એ બધું ધૂળનું ધૂળમાં છે. ભગવાનની પ્રાપ્તિનો કેફ નથી ત્યાં સુધી દુનિયાનાં સુખ પાછળ સૌ ગાંડા થાય છે. ભગવાન નથી ભજતા એ બધા ગાંડા છે, પણ ભગવાન ભજે છે એ સુખિયા છે. ભક્ત થાય એને જગતમાં કોઈ આસક્તિ નથી. ભગવાનની ઇચ્છાથી મળે તો સારું, ન મળે તો એનું દુઃખ નહીં, પણ કરોડપતિ થવાના વિચારોનો ચકરાવો ચઢી જાય તો એનાથી દુઃખ, દુઃખ ને દુઃખ.
'સુખદુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ.' સુખ ને દુઃખનું ચક્ર અનાદિથી ચાલતું આવ્યું છે. એ રાજાને પણ આવ્યું છે ને ગરીબને પણ આવ્યું છે. બધાને દુઃખ તો આવવાનું છે. ભગવાન આપે છે અને ભગવાન લઈ પણ લે છે, કારણ કે આપણને ચોખ્ખા કરવા છે. ભગવાન જે કરે છે એ સારું જ કરે છે, એ આપણા જીવમાં દૃઢ હોવું જોઈએ. જે ભગવાનને માનતા હો, પણ એની અંદર દૃઢ શ્રદ્ધા રાખો. પૂર્વે શ્રીજીમહારાજના સમયમાં ભક્તોને દુઃખ પડ્યાં છે, પણ એ દુઃખને સહન કર્યાં છે અને ભગવાને એમની રક્ષા કરી છે. જે ભક્તો-સંતોએ પોતાનું જીવન ભગવાન-પરાયણ કર્યું છે, સમાજ માટે કાર્ય કર્યું છે તો શાસ્ત્રમાં એમનાં નામ લખાઈ ગયાં છે. જે ભગવાનના સાચા ભક્તો બન્યા છે તેમને આ સુખની પ્રાપ્તિ થઈ છે. એ પ્રાપ્તિનો તેમને આનંદ ને કેફ હતા. ભગવાનનો સંબંધ સાચો છે. એ સંબંધ કરીશું તો ભગવાન રાજી થશે ને આપણને આ લોકનુંય સુખ મળશે ને પરલોકનુંય મળશે.
સત્સંગીને નિયમધર્મ, આજ્ઞા-ઉપાસના હશે તો જીવનમાંથી દૂષણ નીકળી જશે ને સદ્‌ગુણ આવશે. ભગવાન સહજાનંદ સ્વામી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતાના અક્ષરધામ અને મુક્તોને લઈને આવ્યા તો બુદ્ધિથી વિચાર કરવો. આપણને આ પ્રાપ્તિ થઈ છે તેનો કેફ હોવો જોઈએ. જગતના સુખની અંદર રચ્યા-પચ્યા ન રહેવું. એમાં જિંદગી હોમી દેવાની ન હોય. ભગવાનને અર્થે, સંતને અર્થે કે સારા કાર્યને અર્થે જિંદગી હોમી દેવી. તો આપણને અને સમાજને શાંતિ થાય. સત્સંગ હોય તો પોતાની ભૂલ સમજાય. આપણે સુધરશું તો આખી દુનિયા સુધરી જશે. ભગવાન રાજી તો અનંતકોટિ બ્રહ્માંડ રાજી. એક રાજી તો બધા રાજી છે.
આ જે જ્ઞાન ને સમજણ છે એ બરાબર સમજીને વર્તીશું તો જરાય દુઃખ નથી, જરાય અશાંતિ નથી. પૈસા હોય તોય શાંતિ, ન હોય તોય શાંતિ. ભગવાને રોટલા આપ્યા છે, રહેવા ઝૂંપડું આપ્યું છે. કારણ કે રોટલાથી વધારે ખવાતું નથી તો એટલું તો ભગવાન આપે જ છે. મહેનત કરીશું તો ભગવાન આપશે. ખોટું કરીને કશું જ ન કરો. મહેનત કરીને જે મળ્યું છે એનો બીજાના માટે ઉપયોગ કરો. કાંટા-કાંકરાના માર્ગે ચાલશો તો વાગવાના જ છે, પણ ફર્સ્ટ ક્લાસ રોડ છે એના પર ચાલો તો સુખિયા રહેવાય. ભગવાનનો માર્ગ ચોખ્ખો છે. એ માર્ગે જે ચાલ્યા છે એ સુખિયા થયા છે અને બધાને શાંતિ મળી છે. આવો સત્સંગ મળ્યો છે તો એ સત્સંગે કરીને આપણા જીવને શાંતિ-સુખ મળશે.

યોગીજી મહારાજની આજ્ઞા છે - દર રવિવારે સભા કરો. ઘરમાં હો તો ઘરમાં કે સગેવહાલે ગયા હોય તો ત્યાં સત્સંગ કરો. બધા ભેગા થઈને બેસશો-ઊઠશો તો એકબીજાના વિચાર મળશે. એટલા માટે જ ઘરસભા છે, જેથી આપણને જ્ઞાનની દૃઢતા થાય અને જોગી મહારાજ જેવા દિવ્ય પુરુષના આશીર્વાદ મળે. ઘરસભા કરવાથી અને ઘરમાં ભેગાં બેસવાથી એકબીજાની ભૂલો હોય તો સુધરે, મન પણ સુધરે. તો એવું બળ મહારાજ સર્વને આપે એ જ પ્રાર્થના.'
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |