Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રક્ષાબંધન

શ્રાવણ સુદ પૂનમનો દિન એટલે રક્ષાબંધનનો પરમ પવિત્ર દિન. તા. ૫-૮-૨૦૦૯ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં અટલાદરા ખાતે આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. 'ભગવાનનું અનન્ય શરણ જ ભક્તની સુરક્ષાનું સાચું કવચ'નો સંદેશો આપતા આ પર્વનો લાભ લેવા હજારો હરિભક્તો ઊમટ્યા હતા. વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ છવાયો  હતો. રંગબેરંગી રાખડીઓના વાઘાથી શોભતા ઘનશ્યામ મહારાજની મૂર્તિ વિશેષ રમણીય અને દર્શનીય લાગી રહી હતી. સંતો-હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક રચેલો રાખડીનો કલાત્મક હિંડોળો તથા તેમાં બિરાજમાન ઠાકોરજીનાં દર્શન કરી  સ્વામીશ્રી સવિશેષ પ્રસન્ન થયા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં મંદિરની પ્રદક્ષિણામાં બેઠેલા ભૂદેવોએ વિધિપૂર્વક જનોઈ બદલી ધન્યતા અનુભવી. આજના આ પરમ પવિત્ર દિને સ્વામીશ્રીએ નીલકંઠ વણીની મૂર્તિ પર અભિષેક કરી સૌની સર્વ પ્રકારે રક્ષા થાય તે માટે સવિશેષ પ્રાર્થના કરી હતી.
મંદિરની સામેના પરિસરમાં આવેલા સભામંડપમાં આજની ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ દિવ્ય ઉત્સવનો લાભ લેવા માટે ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી વિશાળ સભામંડપ પણ નાનો પડતો હતો. આજના પ્રસંગને અનુરૂપ મંચની પાર્શ્વભૂમાં રાખડીના હારના શણગાર શોભી રહ્યા હતા. સ્વામીશ્રીના આસનની જમણી  બાજુએ અક્ષરપુરુષોત્તમ મહારાજની મૂર્તિ સૌને દર્શનદાન આપી રહી હતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન જ આ ઉત્સવસભાનો આરંભ થયો. પ્રાતઃપૂજામાં સંતોએ પ્રાસંગિક કીર્તનોનું ગાન કરી વાતાવરણને વિશેષ ઉત્સવમય બનાવ્યું હતું. કીર્તનગાન બાદ રક્ષા-ઉત્સવનો આરંભ થયો. અનિર્દેશ સ્વામીએ રક્ષાબંધન નિમિત્તેની વિધિ અને સંકલ્પ  કરાવ્યો. રક્ષાબંધનના સંકલ્પની સાથે જ ઉત્સવની સોનેરી ક્ષણ આવી પહોંચી. ઠાકોરજી તેમજ સ્વામીશ્રીની પ્રસાદીભૂત રાખડીઓ સૌને આપવામાં આવી. સભામાં ઉપસ્થિત સૌએ આ પ્રસાદીભૂત રાખડીઓ એકબીજાને બાંધી કૃતાર્થતાની લાગણી અનુભવી હતી. પ્રાતઃપૂજા બાદ સંતોએ સૌ વતી રાખડીનો હાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ અદા કરી હતી. ત્યારબાદ નિર્ગુણ-જીવન સ્વામીએ 'સત્સંગ દર્શન ભાગ - ૧૦૦' ડી.વી.ડી.નું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું. આજના દિવસે વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી ૧૦૦ કલાકના નિર્જળ ઉપવાસ તથા પદયાત્રા કરીને આવેલા હરિભક્તોને સ્વામીશ્રીએ  વિશેષ આશીર્વાદ પાઠવ્યા હતા.
સભાના અંતમાં સૌને પ્રેરણાવચનો આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે રક્ષાબંધને આપ સર્વે એકત્રિત થયા છો તો ભગવાન આપ સર્વની રક્ષા કરે, સર્વ પ્રકારે સુખિયા કરે એ પ્રાર્થના. ભગવાન પાસે સ્વાભાવિક રીતે આપણે આ લોકની જ બધી વસ્તુની માગણી કરતા હોઈએ છીએ. પણ એ દેહના સુખ માટે છે. હમણાં કીર્તનમાં વાત આવી અને ગુણાતીતાનંદ સ્વામીએ પણ વાત કરી છે કે પ્રહ્‌લાદને માગતાં આવડ્યું, પણ ધ્રુવને માગતાં આવડ્યું નહીં. એ આખ્યાનો આપણે જાણીએ છીએ.
જે ભક્ત થાય છે તેને તો સર્વત્ર ભગવાન દેખાય છે. 'જ્યાં જુઓ ત્યાં રામજી, દૂસરો ન ભાસે રે.' દરેકમાં ભગવાન દેખાય તો કોઈનો અવગુણ આવે નહીં, અભાવ આવે નહીં, કોઈના પ્રત્યે રાગદ્વેષ પણ ન થાય. પ્રહ્‌લાદને થાંભલામાંય ભગવાન દેખાયા. નૃસિંહ સ્વરૂપે ભગવાને પ્રગટ થઈ હિરણ્ય-કશિપુને માર્યો, અસુરનું મોત થયું. દુનિયાના સારા વૈભવ ભોગવે, પણ જો ભગવાનમાં શ્રદ્ધા-વિશ્વાસ ન હોય તો એનું મૃત્યુ જ છે. ભગવાન, સંત ને શાસ્ત્રોની અંદર જેટલો વિશ્વાસ હોય એટલો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય છે.
પ્રહ્‌લાદે ભગવાન પાસે ઇંદ્રિયોના ગણ થકી રક્ષા માગી. દેહની રક્ષા એ રક્ષા નથી. દેહ તો દરેકનો પડી જ જવાનો છે તો દેહની રક્ષામાં વળી એની રક્ષા શું થઈ ? આજે રક્ષાબંધનના દિવસે આપણે ભગવાન પાસે એ જ માગવાનું છે કે હે ભગવાન ! અમારામાંથી દુષ્ટ ભાવો, આસુરી ભાવો નીકળી જાય ને અમે આપની જ ભક્તિ કરીએ ને આપનું સુખ ભોગવીએ. અંતઃશત્રુ થકી, ઇંદ્રિયોના ગણ થકી અમારી રક્ષા કરજો. અમારી બુદ્ધિશક્તિ આપના કાર્ય માટે વપરાય, ભજન કરતાં કરતાં આપના ધામને પામી જઈએ, ભગવાનમય જીવન બને, શુદ્ધ ને પવિત્ર જીવન અમારું થાય એવુ આજના દિવસે આપણે ભગવાન પાસે માગવાનું છે.
રોજ સાંજે કલાક-અડધો કલાક ભગવાનની વાત કરો તો ભગવાન તને - મને - ધને રક્ષા કરશે. આત્મા ને પરમાત્માનું જ્ઞાન થાય એટલે બધી રીતની  રક્ષા થઈ જાય છે. તો આ જ્ઞાન દરેકને થાય એ જ ભગવાનને પ્રાર્થના છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |