Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળદિન

તા. ૯ ઓગષ્ટ ૨૦૦૯ને રવિવારના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં વડોદરા શહેરનાં ત્રણ હજારથી વધુ બાળ-બાલિકાઓએ બાળદિનની ઉજવણી કરીને સૌ કોઈના હૈયે સંસ્કારોની અમીટ સુવાસ પ્રસરાવી દીધી હતી. બાળસનેહી સ્વામીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી બાળકોએ ગુરુભક્તિ અદા કરી હતી.
સવારથી જ મંદિરના પ્રાંગણમાં ઘૂમતાં નાનાં નાનાં ભૂલકાંઓનાં હૈયે સ્વામીશ્રીને પ્રસન્ન કરવાનો અનેરો થનગનાટ જોવા મળતો હતો. મંદિરથી સભાગૃહ સુધીના ગમનપથ પર સ્વામીશ્રીના રથની આગળ બી.એ.પી.-એસ.ના ધ્વજ સાથે કૂચ કરી રહેલાં બાળકો અને રથમાં બિરાજમાન સ્વામીશ્રી સૌનાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સ્વામીશ્રી અને બાળકોની આ ભવ્ય નગરયાત્રા સભામંડપ પાસે વિરામ પામી. પ્રાતઃપૂજામાં બાળકોએ કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સાંજે નિયત સમયે આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. વડોદરા ક્ષેત્રનાં બાળ-બાલિકાઓ, બાળકાર્યકરો તેમજ હજારો હરિભક્તોથી સભામંડપ હકડેઠઠ ભરાયેલો હતો. સ્વામીશ્રીના આગમન બાદ સભાના મુખ્ય કાર્યક્રમોનો આરંભ થયો. શ્રાવણ માસ દરમ્યાન વડોદરામાં ઠેર ઠેર થયેલી બાળપારાયણના શ્રેષ્ઠતમ કાર્યક્રમોની પ્રસ્તુતિ નિહાળી સભાજનો દંગ રહી ગયા. ત્યારબાદ 'સ્વામિનારાયણ આવ્યા છે...' ગીતના આધારે નૃત્ય રજૂ કરી બાળકોએ આનંદોર્મિઓ વ્યક્ત કરી. નૃત્ય બાદ સમગ્ર વડોદરા ક્ષેત્રનાં બાળ-બાલિકાઓએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા વિવિધ કલાત્મક હાર સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આ પ્રસંગે વડોદરા ક્ષેત્રના બાળ-બાલિકાઓ તથા બાળ-બાલિકા કાર્યકરોએ વિશિષ્ટ રીતે ગુરુભક્તિ અદા કરી હતી. ૧૦૦ કલાકના નિર્જળ ઉપવાસ, વિશેષ માળા-પ્રદક્ષિણા, જનમંગલના પાઠ તથા પંચાંગ પ્રણામ જેવા નિયમોનું પાલન કરી સૌએ સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીએ પણ આ તમામ બાળકો અને કાર્યકરોને અંતરના આશિષ પાઠવ્યા હતા. 
મંચ પર સ્વામીશ્રીના આસનની બંને બાજુએ વ્યાસપીઠ ગોઠવવામાં આવી હતી. આ વ્યાસપીઠ પર બેઠેલાં બાળકોએ વિદ્વાન પંડિતની જેમ પારાયણ કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પારાયણના નિરૂપણમાં 'આપણે તો અક્ષરધામમાં જાવું છે...' ગીતના આધારે નૃત્ય કરી રહેલા શિશુઓને નિહાળી સ્વામીશ્રી વિશેષ પ્રસન્ન થયા હતા.
સભાના અંતમાં આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનારા શિશુ તથા બાળકો મંચ ઉપર બેઠા હતા. સ્વામીશ્રીએ સૌની સાથે બાળમંડળની સભાનું સંચાલન કરતા હોય એવી સરળ અને વાતચીતની શૈલીમાં પ્રેરક આશીર્વાદ આપતાં જણાવ્યું હતું 'સૌ બાળમંડળની જય. આજે બાળકોએ જે કાંઈ રજૂઆત કરી એ ખૂબ મનનીય અને ગ્રહણ કરવા યોગ્ય છે. બાળકોમાં ખૂબ સારા સંસ્કાર પડે એવી યોગીજી મહારાજની ખૂબ ઇચ્છા હતી. એમની આજ્ઞાથી આ માટે બધા સંતોએ અને કાર્યકરોએ ખૂબ દાખડો કર્યો છે. યોગીજી મહારાજની પ્રેરણાથી બાળમંડળ, યુવક-મંડળ, કિશોરમંડળ, મહિલામંડળ આ બધાં મંડળોની સ્થાપના થઈ છે.
બાળવયથી જ જો સારા સંસ્કાર મળે તો ભવિષ્યમાં સંસ્કારી નાગરિકો થાય. બાળકોને જો ટ્રેનિંગ આપવામાં આવે તો એ દરેક કાર્ય સારી રીતે કરી શકે. આ ટ્રેનિંગ દુનિયાદારીની નહીં, પણ આધ્યાત્મિક ટ્રેનિંગ હોવી જોઈએ કે જેમાં ભગવાનનો સંબંધ, ધર્મનો સંબંધ છે. પૂર્વેના ૠષિમુનિઓના સંવાદથી પણ બાળકોમાં 'જીવન શુદ્ધ ને પવિત્ર બનાવવું છે' એવી જાગૃતિ આવે છે.'
એમ કહીને બાળકોને સંબોધતાં સ્વામીશ્રીએ કહ્યું : 'ટી.વી. જોવાથી તમારો અભ્યાસ, તમારી જિંદગી બગડશે. જૂઠું બોલવું નહીં. ચોરી કરવી નહીં. આપણાથી ચોરી થાય જ નહીં. ઘરમાં, બહાર કે પરીક્ષા વખતે પણ ચોરી ન થાય. આપણે બી.એ.પી.એસ.નાં બાળકો છીએ. દરેકે અભ્યાસ સારામાં સારો કરવો, સારી ડિગ્રીઓ મેળવવી ને સાથે સાથે સત્સંગ પણ દૃઢ કરવો. માબાપને દરરોજ પગે લાગવું, શિક્ષકને પણ પગે લાગવું. ભગવાન સ્વામિનારાયણ, રામ, કૃષ્ણ બધાની વાતો સાંભળવી. ધ્રુવ ને પ્રહ્‌લાદનાં આખ્યાનો સાંભળવા તો એમાંથી સંસ્કાર મળે.
દરરોજ પાંચ માળા કરવી અને મહારાજને પ્રાર્થના કરવી કે મારી બુદ્ધિ સારી થાય, મન સારું થાય. આ બધી પ્રાર્થનાઓ કરવાનું અત્યારથી શીખવવામાં આવે છે એનું કારણ એ છે કે મોટા થઈને સમાજની, દેશની સેવા થાય ને ભગવાનની ભક્તિ થાય. ભણવામાં પહેલો નંબર લાવવો. બરાબર વ્યવસ્થિત વાંચવું ને પેપર લખવા જાવ ત્યારે પ્રાર્થના કરીને જવું. ભગવાનની માળા ને પ્રાર્થના કરીને ગયા હોઈએ તો ભગવાનનું બળ મળે. ભણવામાં એકચિત્ત થવું, ભજનમાં, આવી વાતોમાં એકચિત્ત થવું.
અત્યારે જેટલો અભ્યાસ કરીશું, બાળમંડળમાં આવીશું એટલો લાભ થશે. પણ જો બાળપણથી જ જીવન બગડી ગયું તો પછી આગળ વધાય ખરું ? માટે અત્યારથી દૃઢતાથી સત્સંગ કરીએ તો ભગવાન રાજી થાય, માબાપ રાજી થાય, સમાજના માણસો પણ રાજી થાય.
સત્સંગના સંસ્કાર હશે તો સારું કાર્ય કરશે માટે બાળકોને સંસ્કારો મળતા રહે એવી ભાવના બધાએ રાખવી. આપણો આ સત્સંગરૂપી બગીચો કહેવાય. એનું પહેલેથી ધ્યાન રાખીએ તો બગીચો ખીલી જાય, જે આવે એનું અંતર ઠરી જાય. બાળકો સંસ્કારી બને અને અક્ષર-પુરુષોત્તમનું જ્ઞાન પ્રાપ્ત કરે. ભણીગણી દેશપરદેશ જાય, ત્યાં પણ સત્સંગની વાત કરે ને સુખિયા થાય એ આશીર્વાદ છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |