Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૮-૮-૨૦૦૯ થી ગુજરાતના મહાનગર અમદાવાદમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે હરિભક્તોને સત્સંગનું દિવ્ય સુખ આપ્યું હતું. દસ મહિનાના લાંબા વિયોગ બાદ અમદાવાદ પધારેલા સ્વામીશ્રીનાં દર્શનનું સૌને ઘેલું લાગ્યું હતું. દરરોજ હજારોની સંખ્યામાં ઊમટતા હરિભક્તોથી શાહીબાગના બી.એ.પી.એસ. મંદિરનું વિશાળ પરિસર પણ નાનું લાગતું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે યજ્ઞપુરુષ સભાગૃહમાં વિવેકસાગર સ્વામી તથા શ્રીહરિ સ્વામીએ કથાવાર્તા દ્વારા સૌને સત્સંગનો મહિમા દૃઢાવ્યો હતો. પ્રાતઃપૂજામાં સંતો-યુવકોના સુમધુર કંઠે ગવાતાં કીર્તનોથી વાતાવરણ વિશેષ ભક્તિસભર બન્યું હતું. અમદાવાદનાં વિવિધ પરાંઓ તથા આજુબાજુનાં ગામોમાંથી ઊમટતા પદયાત્રીઓ તથા વિશિષ્ટ વ્રત-તપ કરનાર હરિભક્તોને સ્વામીશ્રીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. વિશાળ સભામંડપમાં દૂર દૂર બેઠેલા હરિભક્તોના હૈયે મંચ પરના વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર હરિકૃષ્ણ મહારાજ તથા સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શનની સ્મૃતિઓ સદાયને માટે કંડારાઈ ગઈ હતી. વળી, સંસ્થાની વેબસાઇટ પરથી નિત્ય રજૂ થતી સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દર્શનની વીડિયો તથા વિવિધ ફોટોગ્રાફ્સ નિહાળી દેશ-વિદેશના લાખો હરિભક્તોને સ્વામીશ્રીનાં પ્રત્યક્ષ દર્શનનું સુખ પ્રાપ્ત થયું હતું. દર રવિવારે યોજાતી સત્સંગસભામાં ઉત્સવનો માહોલ રચાતો હતો. મંદિરની સામે આવેલા વિશાળ મેદાનમાં યોજાતી રવિ સત્સંગસભામાં હજારો હરિભક્તોને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા સ્વામીશ્રીનાં આશીર્વચનનો બેવડો લાભ પ્રાપ્ત થતો હતો. ગણેશચતુર્થી, જળઝીલણી એકાદશી તથા શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ પર્વ જેવા ઉત્સવોમાં સહભાગી થવાનું સૌભાગ્ય પણ કર્ણાવતીવાસીઓને પ્રાપ્ત થયું હતું. વળી, નવરંગપુરા, હિંમતનગર તથા વસ્ત્રાલમાં રચાયેલાં નૂતન સંસ્કારધામોની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી સ્વામીશ્રીએ સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. અહીં અમદાવાદમાં સ્વામીશ્રીએ આપેલા સત્સંગના દિવ્યલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૧૮-૮-૨૦૦૯ના રોજ વડોદરાના હરિભક્તોની ભાવભીની વિદાય લઈ સ્વામીશ્રી અમદાવાદ પધાર્યાર્. પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે શાહીબાગ બી.એ.પી.એસ. મંદિરનું પ્રાંગણ હજારો હરિભક્તોથી છલકાતું હતું.  ગુરુહરિને ઉમળકાભેર વધાવવાનો ઉમંગ દરેકના હૈયે સમાતો ન હતો. બરાબર ૧૧-૧૫ વાગ્યે સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે સમગ્ર વાતાવરણ જયનાદોથી ગુંજી ઊઠ્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. સ્વામીશ્રીને વધાવવા માટે હરિભક્તોએ મંદિરની પ્રદક્ષિણામાં રંગબેરંગી પુષ્પોની બિછાત રચી હતી. મંદિર પર કોઠારી સત્સંગિજીવન સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
તા. ૧૯-૮-૦૯ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા અમદાવાદવાસીઓ માટે સ્વામીશ્રીની સ્વાગત સભા બની રહી. સ્વામીશ્રીને સત્કારવા માટે યજ્ઞપુરુષ સભાગૃહ હકડેઠઠ ભરાયેલું હતું. સભાગૃહના વિશાળ મંચની પાર્શ્વભૂમાં શ્વેત મયૂર શોભી રહ્યા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ 'સ્વાગત'નાં પદોનું ગાન કરી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. પ્રાતઃપૂજા બાદ ઈશ્વરચરણ સ્વામી તથા કોઠારી સત્સંગિજીવન સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને વધાવ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |