Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગણેશ ચતુર્થી

તા. ૨૩-૮-૨૦૦૯ના રોજ અમદાવાદ ખાતે સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં સામશ્રાવણી, ગણેશચતુર્થી તથા રવિ સત્સંગસભાની ઉત્સવ ત્રિવેણી રચાઈ હતી. વહેલી સવારથી જ અમદાવાદ તથા આજુબાજુનાં ગામોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તો આ ઉત્સવ ત્રિવેણીનો લાભ લેવા ઊમટ્યા હતા. સ્વામીશ્રી નિત્યક્રમ મુજબ મંદિરે દર્શને પધાર્યા ત્યારે લોનમાં બેઠેલા બી.એ.પી.એસ. વિદ્યામંદિર, રાયસણનાં બાળકો  વૈદિક ૠચાઓ, મંત્રો અને શ્લોકોનું ગાન કરી રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ભક્તિનાં દિવ્ય આંદોલનો પ્રસરી ગયાં હતાં.
આજે ગણેશચતુર્થી નિમિત્તે મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ ગણપતિજીની મૂર્તિનું વેદોક્ત-વિધિપૂર્વક પૂજન અને પ્રતિષ્ઠા કરવામાં આવ્યાં હતાં. સ્વામીશ્રીએ ગણપતિજીની મૂર્તિનું પૂજન કરી, પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વળી, સામશ્રાવણીના પવિત્ર પર્વે જનોઈ પરિવર્તન કરેલા સૌ સંતોને પણ સ્વામીશ્રીના આશિષ પ્રાપ્ત થયા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં સંતોએ ગણપતિજીના મહિમાનું ગાન કરી માંગલિક દેવતાને ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. પ્રાતઃપૂજા બાદ ભક્તિનંદન સ્વામી તથા શ્રીજીસ્વરૂપ સ્વામીએ અક્ષરપુરુષોત્તમ મહારાજની ફાઇબરમાંથી બનાવવામાં આવેલી મૂર્તિઓનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રી પાસે કરાવ્યું હતું.
સાંજે ૪-૦૦ વાગ્યાથી જ સ્વામીશ્રીના સાંનિધ્યમાં રવિ સત્સંગસભાનો લાભ લેવા માટે યજ્ઞપુરુષ સભામંડપ તથા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ૧૪,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોથી હકડેઠઠ ભરાઈ ગયાં હતાં. નિયત સમયે સભાનો આરંભ ધૂન-પ્રાર્થનાથી થયો. વિવેકસાગર સ્વામીએ હરિલીલાકલ્પતરુ પર મનનીય પારાયણનો લાભ આપી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રસંગોનું પાન સૌને કરાવ્યું હતું. ત્યારબાદ મહિલા મંડળે  ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક પુષ્પહાર તથા બેરખાની ચાદર વડીલ સંતોએ સૌ વતી સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યાં હતાં. વિવિધ વેશભૂષામાં સજ્જ બાળકોએ 'વહાલો વધાવું મારો, વહાલો વધાવું...' કીર્તનના આધારે ભક્તિ નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા હતા.
મધુરવદન સ્વામીના કંઠે ગવાયેલા કીર્તનગાન બાદ સ્વામીશ્રીએ અમૃતવચનો વહાવતાં જણાવ્યું : 'નિષ્કુળાનંદ સ્વામી વૈરાગ્યની મૂર્તિ હતા. તેમને મહારાજને વિષે હેત થઈ ગયું તો આવા કીર્તન ગાયાં છે. આવાં પદો ક્યારે લખાય ? જ્યારે મહિમા સમજાય ત્યારે. મહિમા સમજાય ત્યારે અનંત જન્મોની ઉપાધિઓ ટળી જાય છે અને ભગવાનના અક્ષરધામનું સુખ મળે છે. પણ જ્યાં સુધી મહિમા નથી ત્યાં સુધી રાંકપણું જતું નથી. આપણને ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો એટલે રાંકપણું ગયું છે. દુનિયા દુઃખદાયી છે, એટલે એમાં દુઃખ અને સુખ આવવાના જ છે. પણ જો મહિમા સમજાય તો સ્થિરમતિ રહે, અને ઉપાધિ ન લાગે.
'સુખદુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સહુ સ્થિર મતિ;
જાળવીશ મારા જનને, કરીને જતન અતિ.'
જગતની સંપત્તિ સ્થિર નથી. જગતનું સુખ નાશવંત છે. સુખ-દુઃખ ભેગું આવે છે, માટે ચિંતા ન કરવી. ભગવાનનું સ્મરણ કર્યા જ કરવું. શ્રીજીમહારાજના વખતમાં પણ દાદા ખાચર, પર્વતભાઈને દુઃખ આવ્યાં છે. શાસ્ત્રીજી મહારાજના વખતમાં પણ આશાભાઈ, ઈશ્વરભાઈ મોટા ભક્તો હતા એમને પણ દુઃખ આવ્યું હતું. પાંડવોને ભગવાન ભેગા હોવા છતાં દુઃખ આવ્યાં. નરસિંહ મહેતા, મીરાંબાઈને પણ દુઃખ આવ્યાં છે. ભગવાનના ભક્તને દુઃખ આવે છે એ આખ્યાન આપણે સાંભળીએ તો અત્યારે જે કાંઈ થોડું-ઘણું દુઃખ આવે તેમાં સ્થિરતા રહે.
ભગવાન જે કરશે એ સારું કરશે, કર્તા-હર્તા ભગવાન છે એવી સમજણ દૃઢ રાખવી. સુખ એ આપે છે અને જતું રહે છે તો પણ એમની ઇચ્છાથી. જેને નિષ્ઠા અને સમજણ પાકી હોય તેને જગતનાં સુખ-દુઃખમાં વાંધો આવે નહીં. નિષ્કુળાનંદ સ્વામીને પણ દુઃખ આવ્યાં, પણ ભગવાન મળ્યા એનો અખંડ તેમને કેફ રહેતો. મૂંઝવણ ઊભી થાય ત્યારે એક જ વિચાર કરવો કે 'હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું' જો આત્મનિષ્ઠા દૃઢ થઈ જાય, તો કાંઈ ઉપાધિ રહે નહીં. આત્માને સુખ નથી, દુઃખ નથી. એને તો એક ભગવાનનો આનંદ, આનંદ ને આનંદ છે. આવું જ્ઞાન અને સમજણ જ્યાં સુધી દૃઢ ન થાય ત્યાં સુધી આ જગતના માયા-મમતા-મોહના વિચારોને લઈને દુઃખી થવાય છે. માટે ભગવાનને પ્રાર્થના કરીએ કે જ્ઞાન-સમજણની દૃઢતા થાય ને ભગવાનનું અખંડ સુખ આવે, જગતની મુશ્કેલી દૂર થાય ને સુખિયા થવાય એ આશીર્વાદ છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |