Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જળઝીલણી એકાદશી

તા. ૩૧-૮-૦૯ના રોજ સ્વામીશ્રીના દિવ્ય સાંનિધ્યમાં જળઝીલણી એકાદશીના ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. સૌનો ઉત્સાહ અનન્ય હતો. આ ઉત્સવમાં સહભાગી થવા ઊમટેલા હરિભક્તો-ભાવિકો ભક્તિમાં ગુલતાન બન્યા હતા. મંદિરના મધ્યખંડમાં 'ભવજલતારિકા' નામક નૌકામાં ધામ-ધામી-મુક્ત વિહાર કરતા હોય એવું સુંદર દૃશ્ય રચવામાં આવ્યું હતું. ઓચ્છવિયા મંડળ પરંપરાગત શૈલીમાં કીર્તનોનું ગાન કરી રહ્યું હતું. મંદિરના મધ્યખંડમાં તૈયાર કરવામાં આવેલા જળકુંડમાં ઠાકોરજીને જળવિહાર કરાવી સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
આ પવિત્ર પર્વે સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનાં બંને સભાગૃહો છલકાતાં હતાં. સ્વામીશ્રી જ્યારે પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા ત્યારે સૌએ તાળીઓના ગડગડાટથી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. વિશાળ મંચ પર ઉત્સવને અનુરૂપ શણગાર રચવામાં આવ્યા હતા. મંચની પાર્શ્વભૂમાં લાકડાના કોતરણીયુક્ત સિંહાસનમાં અક્ષર-પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ સૌને દર્શનદાન આપી રહી હતી. સ્વામીશ્રીના આસનની બરાબર સામે એક વિશાળ જળકુંડની રચના કરવામાં આવી હતી તો ડાબી બાજુ પર વટવૃક્ષ હેઠળ ગણપતિજી શોભી રહ્યા હતા.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ  ઉત્સવની મુખ્ય સભાનો આરંભ થયો. સંતોના સુમધુર કંઠે ભગવાન સ્વામિનારાયણની જળલીલાનાં પદોના ગાનથી સમગ્ર વાતાવરણ ભક્તિસભર બન્યું હતું. આ સાથે જળકુંડમાં વિહાર કરી રહેલા હરિકૃષ્ણ મહારાજના  વિશાળ પડદા પર દર્શન કરી સૌ ધન્ય બન્યા હતા.  ઉત્સવમાં ઉપસ્થિત સૌને પાંચ આરતીનો પણ વિશિષ્ટ લાભ પ્રાપ્ત થયો હતો. પ્રત્યેક કીર્તનના અંતે બાળકો, કિશોરો, નિર્દેશકો-સહનિર્દેશકો તથા અગ્રણી હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી હતી. દરેક આરતી બાદ હરિકૃષ્ણ મહારાજને થાળ ધરાવવામાં આવતો હતો. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રી તથા વડીલ સંતોએ ઉત્સવની પાંચમી અને અંતિમ આરતી ઉતારી ત્યારે વાતાવરણ વિશેષ દિવ્ય બન્યું હતું. આરતી બાદ હરિકૃષ્ણ મહારાજને જળમાં વિહાર કરાવતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ સૌના હૃદયમાં સદાયને માટે અંકિત થઈ ગઈ હતી.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજનો જલઝીલણી ઉત્સવ બધાના પ્રેમ-ભક્તિભાવને લઈને સર્વોપરિ ઊજવાઈ ગયો. જળવિહાર કરતા ઠાકોરજી અને આરતીનાં દર્શન પણ થયાં અને કીર્તનો દ્વારા ભગવાનની સ્મૃતિ પણ થઈ.
મહારાજે ઉત્સવો કર્યા એમાં મુખ્ય વાત તો એ છે કે એ ઉત્સવની કાયમ સ્મૃતિ રહે. ભગવાન આવી લીલા ભક્તોના સુખને માટે કરે છે. ઉત્સવો માન-મોટપ-કીર્તિ માટે નથી. પણ આ ઉત્સવમાં જે કોઈ આવે અને એને તેની સ્મૃતિ થાય તો કલ્યાણ થાય. ભગવાન સંબંધી ક્રિયા, ભગવાન સંબંધી પ્રસંગો કલ્યાણકારી છે. સમૈયામાં સંતો-ભક્તોનાં દર્શન કર્યાં હોય અને અંતકાળે એની સ્મૃતિ થાય તો જીવનું અતિ રૂડું થાય છે. ભગવાનની મૂર્તિ નિર્ગુણ છે. તો સર્વ પ્રકારનું માન મૂકીને ભગવાન રાજી થાય એ આપણે કરવાનું છે. એક રાજી તો અનેક રાજી. એટલે ભગવાનની મહત્તા સમજીને દરેક ક્રિયા કરવાની છે, તો ભગવાન રાજી થશે. શ્રીજીમહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે આવા ઉત્સવો કર્યા છે એ ઉત્સવો આપણી સ્મૃતિ માટે છે.
ભગવાનનાં ચરિત્રો સંભાળીએ તો સુખ-શાંતિ થાય. અને એ ચરિત્રોને જ ભજન-કીર્તન, કથાવાર્તામાં ગાવાનાં છે. ભગવાનનાં ચરિત્રો, ભગવાનનું જ્ઞાન સૌના જીવમાં દૃઢ થાય એ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ અમદાવાદ કિશોરી મંડળે બનાવેલો કાગળની નૌકામાં વિરાજિત હરિકૃષ્ણ મહારાજનાં જુદાં જુદાં સ્વરૂપોનો હાર સમગ્ર સત્સંગ મંડળ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો. સભાના અંતમાં 'ગણપતિ બાપા મોરિયા'ના નારા વચ્ચે ગણપતિજીની ચલમૂર્તિનું વિસર્જન સત્સંગિજીવન સ્વામીએ જળકુંડમાં કર્યું  હતું.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |