Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દેવદિવાળી - કાર્તિકી પૂર્ણિમા

તા. ૨-૧૧-૨૦૦૯ ને કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે સ્વામીશ્રીના સાનિધ્યમાં હજારો હરિભક્તોએ દેવદિવાળી પર્વનો આનંદ માણ્યો હતો. વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ જામ્યો હતો. મંદિરના ચોકમાં દીપાવલીના મર્મને રજૂ કરતી રંગોળી શોભી રહી હતી. નાપાડ બાળમંડળના બાળકો 'હૈયાનાં નોતરાં સ્વીકારો પ્રમુખસ્વામી...' ભક્તિ-ગીતના તાલે નૃત્ય કરી રહ્યા હતા. ૨૫,૦૦૦થી પણ વધુ હરિભક્તોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર પર્વે મંદિરમાં ઠાકોરજી સમક્ષ ભવ્ય અન્નકૂટ રચવામાં આવ્યો હતો. સ્વામીશ્રીએ મંદિરમાં પધારી અન્નકૂટોત્સવની આરતી ઉતારી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
અક્ષરપુરુષોત્તમ સ્કૂલના વિશાળ પટાંગણમાં ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારો હરિભક્તોથી સભામંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો. ગુણાતીત દીક્ષાના મધ્યવર્તી વિચાર સાથે ઉત્સવસભાનો આરંભ થયો. સત્યપ્રકાશ સ્વામી, આનંદસ્વરૂપ સ્વામી તથા ત્યાગ-વલ્લભ સ્વામીએ પ્રેરક પ્રવચનો રજૂ કરી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીને ભાવાંજલિ અર્પી. 'સ્વામિનારાયણ આવ્યા છે મૂળ અક્ષર લાવ્યા છે...' ભક્તિગીતના તાલે બાળકો-યુવાનો નૃત્ય કરી સ્વામીશ્રીને વધાવ્યા. સભામાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટથી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું હતું. કોઠારી ભક્તિપ્રિય સ્વામી અને વિવેકસાગર સ્વામીનાં પ્રેરક પ્રવચન બાદ મોગરી મંડળના બાળકો તથા કિશોરોએ 'અક્ષરપુરુષોત્તમના ડંકા..' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજની આ વિશિષ્ટ સભામાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી. ત્યારબાદ વિવિધ ક્ષેત્રોના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આ પ્રસંગે વિવિધ વિસ્તારોમાંથી પદયાત્રા તેમજ સાયકલયાત્રા કરીને આવેલા હરિભક્તોને સ્વામીશ્રીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થયા હતા.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજના દિવસને હિંદુ શાસ્ત્રોમાં પવિત્ર માનવામાં આવ્યો છે. દેવદિવાળીના દિવસે ભગવાન પાતાળમાંથી પૃથ્વી ઉપર પધાર્યા અને દરેકને એમનાં દર્શન થયાં. એના આનંદમાં આપણે દીવા પ્રગટાવીએ છીએ, ફટાકડા ફોડીએ છીએ. ભગવાન રાજી થાય, દુર્ગુણો દૂર થાય અને ભગવાનને વિશે ભક્તિ વધે, એટલા માટે આવા ઉત્સવો આપણે ઊજવીએ છીએ.
કૌટુંબિક અને સામાજિક કાર્યોની સાથે સાથે આત્માના કલ્યાણનું કાર્ય પણ આપણે કરવાનું છે. આત્માના કલ્યાણ માટે સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી પ્રગટ થયા. આપણાં હિંદુ શાસ્ત્રોમાં પણ આત્મા-પરમાત્માની વાતો છે. સાચા સ્વરૂપનું જ્ઞાન આપવા માટે જ ભગવાન અને સંતોના અવતારો થયા છે. આત્મારૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવા માટે આ દેહ મળ્યો છે. શ્રીજીમહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે કે આત્મા અજર, અમર, સુખરૂપ, સત્તારૂપ છે. આત્માને કોઈ દોષ નથી, મારું-તારું, છળ-કપટ-પ્રપંચ નથી. વેદ-ઉપનિષદમાં પણ આ જ વાત છે.
માણસને થાય કે બ્રહ્મરૂપ ક્યારે થવાય ? કેવી રીતે થવાય ? તો સત્સંગ કરતાં કરતાં આ થાય છે. સત્સંગ એટલે બ્રાહ્મીસ્થિતિને પામેલા પુરુષનો સમાગમ. તેમનો જેમ સમાગમ કરીએ તેમ સ્વભાવ-દોષો ટળે, બ્રહ્મભાવના થાય અને અંતરમાં આનંદ-આનંદ રહે.
'રામ મિલન કે કારણે, જો તુ ભયો ઉદાસ,
તુલસી શોધી લે સંગત સંતકી, રામ જિન્હો કે પાસ.'
ભગવાનનો સાક્ષાત્કાર કરવા ભગવાનના એકાંતિક સંતનો સમાગમ કરવો, એમનાં દર્શન કરવાં. એમની આજ્ઞા પ્રમાણે વર્તીએ તો ભગવાન સદાય પાસે જ છે. જેની દૃષ્ટિ ભગવાનમય થઈ ગઈ છે એમની પાસે જવાથી ભગવાનનો સાક્ષાત્કાર થાય. ભગવાનના આવા સંત પાસે જઈએ તો જીવનપરિવર્તન જરૂર થાય છે. આવા મહાન પુરુષોની દૃષ્ટિ વિશાળ છે, જ્યારે સામાન્ય માણસની દૃષ્ટિ સંકુચિત છે. આવા સંતને માટે આ જગત બધું પરમાત્મારૂપ છેõ, એટલે એમને કોઈ રાગ-દ્વેષ નથી. આવા પુરુષ મળે ત્યારે અજ્ઞાન ટળે. એમની દૃષ્ટિ જ્યારે થાય ત્યારે જીવન પવિત્ર બને, ભગવાનનું સુખ આવે અને મુક્તિ થાય. આવા પુરુષની દૃષ્ટિ થાય તો સુખી થવાય. એવું બળ ભગવાન સર્વને આપે એજ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |