Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કાર્યકર સ્નેહ મિલન

તા. ૮-૧૧-૨૦૦૯ને રવિવારના રોજ બી.એ.પી.એસ. મંદિર ખાતે બોચાસણ ક્ષેત્રના કાર્યકરોના સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના સાંનિધ્યમાં યોજાયેલા સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ સ્નેહમિલન અને રવિ સત્સંગસભાનો આરંભ થઈ ચૂક્યો હતો. ૧૨૦૦ જેટલા કાર્યકરો ઉપરાંત હજારો હરિભક્તોથી ïïવિશાળ સભામંડપ પણ નાનો પડતો હતો. મંદિરના પરિસરમાં અને જૂના સભામંડપમાં સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રાતઃપૂજા બાદ આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે રવિવારની સભાનો દિવસ છે, ઉત્સવનો દિવસ છે. આપ સૌને ભગવાન અને સંતને રાજી કરવાનો ઉત્સાહ-ઉમંગ છે. તેમને રાજી કરી આત્માનો મોક્ષ થાય, પરલોકની પ્રાપ્તિ થાય અને સુખિયા થવાય એવો સૌનો આશય છે.
શ્રીજીમહારાજના વખતમાં મોટા મોટા ઉત્સવો થયા ત્યારપછી ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજના વખતમાં ઉત્સવો થયા છે ને અત્યારે પણ આ ઉત્સવો થાય છે. કેટલાકને એમ થાય છે કે આવા મોટા ઉત્સવોમાં ખર્ચાઓ થાય છે. ભગવાન અને સંતના વચનમાં વિશ્વાસ ન હોય એટલે એવી શંકાઓ થાય. પણ આવા ઉત્સવોની, સભાની સ્મૃતિ અંતકાળે થાય તો જીવનું અતિ રૂડું થાય. ભગવાન અને મોટાપુરુષનો સંબંધ થાય, એમનાં દર્શન થાય તો જીવનું કલ્યાણ થાય. લોકોનુ સારું થાય એ આશયથી સમાજ અને દેશમાં મોટાં મોટાં અધિવેશનો થાય છે. સમાજની સેવા, દેશની સેવા માટે તે થાય છે. એમ ભગવાન અને સંતનો આશય એ છે કે આ સમૈયાઓમાં આવનારને તેની જરાક સ્મૃતિ થાય તો જીવનું અતિ રૂડું થાય, મોક્ષ થઈ જાય.
વ્યાસ ભગવાને સત્તર પુરાણ કર્યાં પછી પણ તેમને અશાંતિ રહેવા  લાગી. નારદજીએ કહ્યું, 'તમે અત્યાર સુધી પ્રત્યક્ષનાં ગુણગાન કે પ્રત્યક્ષનાં ચરિત્રો કર્યાં નથી, એટલે તમને અશાંતિ છે.' ત્યારપછી વ્યાસજીએ ભાગવતની રચના કરી. એમાં ભક્તો અને ભગવાનનાં ચરિત્રો લખ્યાં છે. એમાંથી ભગવાનના સંબંધનું સુખ આવે છે. ભગવાનનાં ચરિત્રો કહેવાથી, સાંભળવાથી જીવનું કલ્યાણ થાય છે. ભગવાનનો સંબંધ એ કલ્યાણનું કારણ છે. 'પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત કહે સત્ય વાણી.'
મીઠાઈની વાત કરીએ તો એનો આનંદ આવે નહીં, પણ જ્યારે ખાઈએ ત્યારે સુખ આવે. સારાં કપડાં હોય તેને પહેરીએ ત્યારે સુખ આવે. એમ દરેક વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ કરીએ તો જ એનું સુખ અને આનંદ આવે. પણ વાત કર્યા કરીએ એમાં શું સુખ ? આકાશમાં ભડાકા કરીએ તો એમાં નિશાન પડે ? લૌકિક રીતે પણ પ્રત્યક્ષ વસ્તુ હોય તો એનો આનંદ આવે છે. કૉલેજમાં પ્રોફેસર ભણાવે તો ભણતર આગળ વધે, એમ દુનિયામાં કોઈપણ વેપાર ધંધામાં આગળ માર્ગદર્શક મળે તો કામ થાય. એમ મોક્ષ પરોક્ષથી થતો નથી, પણ પ્રગટથી જ થાય છે. ભગવાન અને સંતના ગુણ ગાવવા અને સાંભળવા એ જ નિશાન આપણું હોવું જોઈએ. પ્રગટ મળે ત્યારે જ અજ્ઞાન જાય.
શાસ્ત્રીજી મહારાજે અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન આપ્યું. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી. જ્યાં સુધી આ નહીં થાય ત્યાં સુધી અજ્ઞાન નહીં જાય. અક્ષરરૂપ થઈએ એટલે દેહભાવ ટળી જાય. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, એ જીવમાં દૃઢ થશે, મહારાજની ઉપાસના દૃઢ થશે તો કોઈ ખામી રહેશે નહીં અને ભગવાનના ધામની પ્રાપ્તિ થશે.'

આપણે બહું ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન અને સંત મળ્યા, એમના સ્વરૂપનું જ્ઞાન થયું, એ જ્ઞાનથી બધા સમૈયા-ઉત્સવોમાં આવો છો તો એનાથી ઘણી પ્રાપ્તિ થશે. આપણે તો પ્રગટના ઉપાસક છીએ માટે કલ્યાણ છે જ. આ જ્ઞાન જીવમાં દૃઢ થાય, એ પ્રમાણે બધા સુખીયા થાય એ જ પ્રાર્થના.'
અંતે વિવિધ ક્ષેત્રોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ તેમજ સ્થાનિક સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આમ, સૌને આધ્યાત્મના રંગે રંગી દર્શનદાન દેતાં દેતાં સ્વામીશ્રીએ મંચ પરથી વિદાય લીધી.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |