Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જન્મજ્યંતી મહોત્સવ

તા. ૨૫-૧૧-૨૦૦૯ ને માગશર સુદ આઠમના રોજ બોચાસણ ખાતેના બી.એ.પી.એસ. મંદિરમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ૮૯મા જન્મજ્યંતી મહોત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્વામીએ જન્મોત્સવની ભવ્ય ઉજવણી ન જ થાય તેવો ખૂબ આગ્રહ રાખ્યો હતો. આથી ખૂબ સાદગીસભર છતાં ભક્તિભાવથી મહેકતો આજનો દિન સૌ માટે અવિસ્મરણીય બની રહ્યો હતો. વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં ઉત્સવનું માંગલિક વાતાવરણ રચાયું હતું. સમગ્ર પરિસર રોશની તથા શણાગરથી શોભી રહ્યું હતું. મંદિરની પ્રદક્ષિણામાં ભગતજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજના ખંડમાં આજના પ્રસંગને અનુરૂપ સુવાક્યો લખવામાં આવ્યા હતાં. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના ઓરડામાં પણ વિધવિધ શણગારો સજાવવામાં આવ્યા હતા.
સ્વામીશ્રી નિજ નિવાસેથી મંદિરે દર્શનાર્થે પધાર્યા ત્યારે દરેકના હૈયે પ્રાણપ્યારા ગુરુહરિનાં દર્શનનો અનેરો તલસાટ જોવા મળતો હતો. ચોકમાં વિશિષ્ટ વેશભૂષામાં સજ્જ બાળકોએ સ્વામીશ્રીના આગમનની સાથે ખિસકોલી નૃત્ય રજૂ કરી ભક્તિ અદા કરી હતી. સ્વામીશ્રીએ ચોકમાં મંદિરનાં પગથિયાં આગળ પધારી રંગબેરંગી ફુગ્ગાઓના ઝુમખાને આકાશમાં તરતું મૂક્યું અને સમગ્ર વાતાવરણ જન્મજયંતી મહોત્સવના જયનાદોથી ગૂંજી ઊઠ્યું હતું.
નીલકંઠવણીની મૂર્તિ પર અભિષેક કરી સ્વામીશ્રી મંદિર પર પધાર્યા. આ પરમ પવિત્ર દિને ઠાકોરજી સમક્ષ અન્નકૂટ રચવામાં આવ્યો હતો. ઠાકોરજીનાં દર્શન કરી, ત્રણે ખંડમાં આરતી ઉતારી. આરતી દરમ્યાન ભારતના જાણીતા ડ્રમવાદક અને સ્વામીશ્રી પ્રત્યે આદરભાવથી છલકાતા શિવમણિજીએ નગારાની શૈલીમાં ડ્રમ વગાડી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજના દિવસે સ્વામીશ્રીના જીવન અને કાર્યને તાદૃશ્ય કરતા વિવિધ પ્રસંગોને લગતા ૧૭ વિવિધ સ્મૃતિવિરામો રચી બોચાસણ ક્ષેત્રના બાળકોએ ગુરુભક્તિ અદા કરી હતી. વિવિધ સ્પોટ પર બાળકો દ્વારા રજૂ થતા પ્રસંગોનું નિદર્શન નિહાળી, સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે મંચ પર પધાર્યા. સભામાં ઉપસ્થિત ૨૫,૦૦૦થી વધુ હરિભક્તો-ભાવિકોએ જન્મજયંતી મહોત્સવના જયનાદોથી સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. મંચની પાર્શ્વભૂમાં સરભાણ ગામમાં રચાયેલ નૂતન મંદિરનું સુવર્ણરસિત સિંહાસન શોભી રહ્યું હતું. સ્વામીશ્રીના આસનની બંને બાજુએ ગોઠવવામાં આવેલ કલાત્મક પુષ્પ-ગુચ્છોમાંથી મઘમઘતા પુષ્પોની સુવાસ વાતાવરણમાં પ્રસરી ચૂકી હતી. મંચની બંને બાજુએ વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીન પર ગુરુહરિનાં સમીપ દર્શનનો લાભ સૌને પ્રાપ્ત થઈ રહ્યો હતો. પ્રાતઃપૂજા દરમ્યાન સંતોના સુમધુર કંઠે ગવાતા કીર્તનગાન તથા શિવમણિજીના ડ્રમવાદનના સાથથી વાતાવરણમાં ભક્તિની હેલી ઊમટી હતી. કીર્તનના શબ્દો મુજબ એલ.ઈ.ડી. સ્ક્રીન પર રજૂ થતાં દૃશ્યો અને સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શનનું અદ્‌ભુત સંયોજન નિહાળી ઉપસ્થિત સૌ કોઈ રોમાંચિત થઈ ઊઠ્યા હતા.  
પ્રાતઃપૂજાના અંતિમ તબક્કામાં શિવમણિજીએ આંગળીઓની કરામતથી ડ્રમ પર 'હેપી બર્થ ડે ટુ યુ...'ની તર્જ વગાડી ત્યારે સૌ કોઈના મનમસ્તિષ્ક પર ગુરુહરિના જન્મદિનના ઉજવણીનો અનેરો આનંદ છલકાઈ ઊઠ્યો હતો. સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
આજની આ વિશિષ્ટ સભામાં ઓરિસ્સાના ડી.આઈ.જી. અને સંન્નિષ્ઠ સત્સંગીબંધુ શ્રી યશવંત જેઠવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ પામી તેઓ કૃતાર્થ થયા. આજના પ્રસંગે અનેકવિધ સત્સંગમંડળોએ ભક્તિ-ભાવપૂર્વક તૈયાર કરેલા પુષ્પહાર, ચાદર તેમજ બુકે વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કરી ભક્તિ-અર્ઘ્ય અર્પણ કર્યું હતું. વળી, આ પરમ પવિત્ર પર્વે વ્રત-તપ તથા પદયાત્રા કરનાર સંતો-હરિભક્તોને તથા પીએચડી.નો મહાનિબંધ ગુરુહરિના ચરણે અર્પણ કરનાર આદર્શજીવન સ્વામીને સ્વામીશ્રીએ અંતરના આશિષ પાઠવ્યા હતા.
જન્મજયંતી નિમિત્તેની આ વિશિષ્ટ સભામાં કેટલાંક વિશિષ્ટ પ્રકાશનોનું ઉદ્‌ઘાટન પણ કરવામાં આવ્યું હતું. જેમાં 'સાંવરી સૂરત' ભક્તિસંગીત સી.ડી., નૂતન વર્ષનું કેલેન્ડર, 'સારંગસ્તુતિ' ગ્રંથ વગેરે સ્વામીશ્રીનાં કરકમળો દ્વારા ઉદ્‌ઘાટિત થયાં. નૂતન પ્રકાશનોના ઉદ્‌ઘાટનવિધિ બાદ અમદાવાદ યુવક-મંડળના સભ્યોએ નાનકડી સ્કીટ રજૂ કરી સમગ્ર સભાને હાસ્યરસમાં તરબોળ કરી દીધી હતી.
અંતમાં સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'આજના ઉત્સવમાં દેશ-પરદેશથી હરિભક્તો આવ્યા છે અને બધાનો ઉત્સાહ ને પ્રેમ જોવા મળે છે.
શ્રીજીમહારાજે કહ્યું છે કે 'ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન ને સંતની સેવાને વિષે રાખવી.' ઇન્દ્રિયોની ક્રિયા શું કહેવાય ? આંખની ક્રિયા જોવું એ. કાનની ક્રિયા સાંભળવાની છે. જીભની બોલવાની ક્રિયા છે. દશેય ઇન્દ્રિયોની ક્રિયા જો શુદ્ધ કરીએ તો અંતઃકરણમાં શાંતિ અને સુખ રહે.
ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનની સેવાને વિષે રાખવી એટલે શું ? આંખે કરીને ભગવાન ને સંતનાં દર્શન કરવાં તો આંખ શુદ્ધ થાય, કાનને શુદ્ધ કરવા માટે ભગવાનની કથાવાર્તા, કીર્તન, ભજન સાંભળીએ તો કેટલો આનંદ થાય ! એટલે કાનથી કથા સાંભળીએ તો કાનની શુદ્ધિ થાય. નાસિકાની ક્રિયા સૂંઘવાની છે. ભગવાનને ચડ્યાં એવાં પુષ્પો સૂંઘીએ તો નાકની ક્રિયા શુદ્ધ થાય છે. જીભથી ભગવાનનાં ગુણગાન ગાવાં. હાથથી ભગવાનની સેવા કરીએ તો હાથની ક્રિયા શુદ્ધ થાય છે. પગ ભગવાનના મંદિરમાં જાય, સંતનાં દર્શને જાય, કથાવાર્તામાં જાય તો પગ શુદ્ધ થાય છે. મનને શુદ્ધ કરવું હોય તો ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું, ભજન કરવું. આમ, ભગવાનની સેવાભક્તિમાં નિરંતર પોતાનું જીવન જોડી દેવું તો અંતઃકરણ શુદ્ધ થાય છે. એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે ભગવાન ને સંતની સેવામાં આવે તો આ બધું શુદ્ધ થાય છે.
ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે આ દેહ શા માટે મળ્યો છે ? ભગવાન અને સંતનાં દર્શન-સમાગમ થાય એના માટે આ દેહ છે. આ દેહ એલ-ફેલ જોવા માટે, નાટારંગ કરવા માટે, વિષય ભોગવવા માટે નથી જ મળ્યો. આ દેહ અક્ષરરૂપ થઈ પુરુષોત્તમમાં જોડાવા માટે મળ્યો છે. આ સિદ્ધાંત શ્રીજીમહારાજે આપ્યો છે અને શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવ્યો છે. અને જોગી મહારાજના દિવ્ય સંકલ્પો છે તો આ બધું કાર્ય થાય છે. ભગવાનના સંકલ્પ છે અને ભગવાનની ઇચ્છા છે એટલે થાય છે.
ભગવાન કર્તા છે. 'હું કરું છું, મારાથી થયું છે.' એવું માનશું તો તે અજ્ઞાન છે. અને એનાથી દુઃખ આવશે. કર્તા ભગવાન છે. જે થાય છે એ ભગવાનની ઇચ્છાથી. સારું થાય છે તો પણ ભગવાનની ઇચ્છાથી અને નથી થતું તો પણ ભગવાનની ઇચ્છાથી. ભગવાન કોઈનું ખરાબ કરવા આવ્યા નથી. કર્મોને લઈને થોડું દુઃખ આવે પણ છતાં એમના આશીર્વાદ છે તો સારું થશે.'
૯:૨૫ વાગે આશીર્વાદની સમાપ્તિ સાથે જન્મજયંતીનો સમૈયો પૂરો થયો. સૌ માટે આજે વિશિષ્ટ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જન્મજયંતી મહોત્સવનું સુખ અવર્ણનીય હતું એવું સૌનાં અંતર કબૂલી રહ્યાં હતાં.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |