Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

કિશોર દિન

તા. ૭-૨-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં ગાંધીનગર કિશોર મંડળના કિશોરોએ 'કિશોર દિન'ની ઉજવણી દ્વારા વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી. વહેલી સવારથી જ મંદિરના પરિસરમાં કિશોરોનું સામ્રાજ્ય છવાયું હતું. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ આજના આ વિશિષ્ટ દિનની ઉજવણીનો આરંભ થયો. પ્રાતઃપૂજામાં કિશોરોએ સવાદ્ય કીર્તન ભક્તિ રજૂ કરી. વળી, આજના દિવસે અનેક કિશોર-કિશોરીઓએ જુદાં જુદાં વ્રત-ઉપવાસની સાંકળ રચી સ્વામીશ્રીની વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
સંધ્યા સમયે યોજાયેલી રવિ સત્સંગસભા 'કિશોર દિન' નિમિત્તેની વિશિષ્ટ સભા બની રહી. બપોરના ૪.૩૦ વાગ્યાથી જ સમગ્ર સભામંડપ હકડેઠઠ ભરાઈ ચૂક્યો હતો. નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી આ વિશિષ્ટ સભાનો આરંભ થયો. સ્વામીશ્રીના આગમન સમયે ગાંધીનગર કિશોરમંડળના કિશોરોએ બ્રહ્મપ્રકાશ સ્વામી લિખિત 'ડૉક્ટર' સંવાદની પ્રેરક પ્રસ્તુતિ કરી. ત્યારબાદ અક્ષરધામ કિશોર મંડળે 'આનંદનો અવસરિયો' કીર્તનના આધારે ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણોમાં ભાવાંજલિ અર્પણ કરી.
સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજની સભાની પણ જય. આજે બાળકો-યુવકોએ જે સંવાદ રજૂ કર્યો છે એ સૌને ધન્યવાદ છે. આજે યુવાધનની બહુ જ મોટી કિંમત છે અને એ યુવાધન ખોઈ નાખીએ તો પછી કંઈ મેળવવાનું રહે જ નહીં. બાળપણથી સંસ્કાર મળે અને યુવાવસ્થામાં અભ્યાસ સારો થાય, સત્સંગનો યોગ થાય તો પછી એની મજા જ જુદી છે.
સંવાદમાં જોયું કે જગતના મંદવાડ થાય છે, પણ એ થવાનું કારણ માનવતા નથી એ છે. જો વ્યક્તિ અનેક જાતનાં વ્યસનોથી ભરપૂર હોય, નાચગાન જોતી હોય તો અંદર વિકાર થવાના જ છે. જેવું ખાય એવો ઓડકાર આવે. એટલે જ્યાં ભગવાન છે, સંત છે ત્યાં સુખ, સમૃદ્ધિ ને આનંદ છે. ભક્તોને જગતની ઉપાધિ આવી હોય, પણ એને ગણકારે નહીં. 'જે દુઃખ થાય તે થાજો રે, રૂડા સ્વામીને ભજતાં...' સંસાર છે એટલે દુઃખ તો આવશે, પણ સત્સંગ થયો છે, આવું જ્ઞાન થયું છે એ સુખદાયક જ છે. એ જ રોગને નાશ કરનારું છે. સાચા વૈદ્ય અને ડૉક્ટર ભગવાન અને સંત છે. એમની પાસે જઈએ તો બધા રોગ ટળી જાય. સત્ય, દયા, અહિંસા, બ્રહ્મચર્ય, માનવતા સૌનું સારું થાય એવા ગુણો જ શાંતિ ને સુખ આપનાર છે.
'હું ટળે હરિ ઢુંકડા, તે ટળાય દાસે રે.' જે ભગવાનના દાસ-સેવક બને છે એમાંથી 'હું'ભાવ જતો રહે છે. સમાજમાં અશાંતિ થાય છે એનું મુખ્ય કારણ શું છે ? - 'હું' અને 'મારું.' જો 'હું' નથી, 'મારું' નથી એ સમજાય તો શાંતિ થાય. શાસ્ત્રમાત્રનો આ સિદ્ધાંત છે.
'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય;
મોહ ગયે બિન હોવત ન, રામપદ અનુરાગ.'
ભગવાનમાં જો પ્રીતિ કરવી હોય તો અહંભાવ ટાળવો પડે. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું - આ સિદ્ધાંત જેને મનાશે એ સુખિયા થશે. આ બધું ભગવાનનું છે ને ભગવાને આપેલું છે. ભગવાન કર્તા છે અને જે કરે છે એ સારા માટે છે, એ દૃષ્ટિ જો જીવનમાં હોય તો સુખી થવાય. મીરાંએ ગાયું : 'મેરે તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઈ...' એમને ભગવાનનો આશરો ને બળ હતું તો કાંઈ જ દુઃખ ન થયું.
તો આ આત્મા ને પરમાત્માનું જ્ઞાન સૌએ દૃઢ કરવાનું છે. અક્ષરરૂપ થઈ ને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. ભગવાન સર્વકર્તા છે, એ દૃઢતા સૌએ રાખવાની છે. ભગવાનની ઇચ્છાથી જ બધું સુખ આવે છે અને એમની ઇચ્છાથી દુઃખ આવે તો દુઃખ સહન કરી લેવું. પણ સુખમાં-આનંદમાં ભગવાન ભૂલવાના નહીં. 'સુખદુઃખ આવે સર્વે ભેળું, તેમાં રાખજો સૌ સ્થિરમતિ; જાળવીશ મારા જનને, કરીને જતન અતિ.' ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, કોઈનું અહિત ન થાય, દરેકનું ભલું થાય એ રીતની માનવતા રાખી અને ભગવાન જ કર્તા છે એટલું જો સમજાય તો સર્વ પ્રકારે સુખિયા, સુખિયા ને સુખિયા.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |