Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બાળદિન

તા. ૧૪-૨-૨૦૧૦ને રવિવારના રોજ ગાંધીનગર ક્ષેત્રનાં બાળકોએ 'બાળદિન'ની ઉજવણી કરી દિવ્યાનંદ રેલાવ્યો હતો. વહેલી સવારથી જ મંદિરમાં બાળદિનનો માહોલ અનુભવાતો હતો. મંદિરના પ્રાંગણમાં ઊભેલા બાળસેવક સભાના બાળકોએ મર્મસભર વિવિધ રજૂઆતો કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન બાળકોએ વૈદિક ઢાળમાં શ્લોકગાન કર્યું ત્યારે સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું. સ્વામીશ્રીએ આ સૌ બાળકોને આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા.
સંધ્યા સમયે યોજાયેલી 'બાળદિન' નિમિત્તેની વિશિષ્ટ સભામાં  ઉપસ્થિત હરિભક્તો-ભાવિકોથી મંદિરનો સભામંડપ છલકાતો હતો. નિયત સમયે આરંભાયેલી આ સભામાં સ્વામીશ્રી પધાર્યા ત્યારે આત્મસ્વરૂપ સ્વામી પ્રાસંગિક પ્રવચન કરી રહ્યા હતા. સ્વામીશ્રીના આગમનને સૌએ જયનાદોથી વધાવ્યું. ત્યારબાદ વિવિધ ઉત્સવ ગીતોના સંયોજનના તાલે બાળકોએ અદ્‌ભુત ભક્તિનૃત્ય રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી. નૃત્યબાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આજની આ વિશિષ્ટ સભામાં શ્રી સ્વામિનારાયણ વિદ્યામંદિર રાયસણના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું. 'બાળગીતમાળા' MP3 સીડીના ઉદ્‌ઘાટન પછી જસવંતભાઈ દવે તથા બાળકાર્યકરો લિખિત 'કૃતાર્થ' સંવાદની બાળકોએ પ્રભાવક પ્રસ્તુતિ કરી.
સભાના અંતે સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'બાળકોએ બહુ સારો સંવાદ રજૂ કર્યો. ભગવાનની વાત જીવના કલ્યાણ માટે છે અને એ કરવા માટે જ મનુષ્યદેહ મળ્યો છે. અક્ષરરૂપ થવું ને પુરુષોત્તમની ભક્તિ કરવી એ વાતનું ચિંતન, મનન જીવમાં થવું જોઈએ કે જેથી અનેક મનુષ્યોને ભગવાનની ઉપાસના સમજાય, મહિમા સમજાય અને એમનું કલ્યાણ થાય. આ મોટામાં મોટું કાર્ય છે.
ભગવાનની દયાથી જ આ મનુષ્યદેહ મળ્યો છે. એની સાર્થકતા શેમાં છે ? ખાવા-પીવા, મોજશોખ ને મઝા કરવામાં એની સાર્થકતા નથી. આ બધામાં મથ્યા રહો તો મનુષ્યદેહ એળે જાય. દુર્લભ મનુષ્યદેહે કરીને આત્મા-પરમાત્માનું જ્ઞાન મેળવવાનું છે. આ જ્ઞાન એ જ આપણી મૂડી છે, એનાથી જ સુખ અને શાંતિ છે. આ જ્ઞાન સાચું છે, ઉપાસના પણ સાચી છે. સત્સંગ મળ્યો છે એ સાચો છે. જે માર્ગે ચાલ્યા છીએ એ પણ સાચો છે. એટલી દૃઢતા, વિશ્વાસ રાખીને આ વાત બીજાને પણ કરતા રહેવાનું છે. વેપાર-ધંધાની વાત સમજાવવા માટે કેટલો દાખડો કરીએ છીએ ? એમ અક્ષર અને પુરુષોત્તમની વાત એટલી જ કીમતી છે, તો એ વાત પોતે તો દૃઢ કરવી જ ને બીજાને પણ દૃઢ કરાવવી. હરતાં, ફરતાં, ખાતાં, પીતાં ભગવાનનું સ્મરણ કરીને ક્રિયા કરીએ તો એ ક્રિયા નિર્ગુણ થાય, એ ક્રિયાનું બંધન ન થાય ને મુક્તિ થાય, એવું બળ-શક્તિ સર્વને મળે એ જ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |