Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દિવ્ય ભવ્ય રંગોત્સવ

તા. ૧-૩-૨૦૧૦ના રોજ પુષ્પ-દોલોત્સવનો પવિત્ર અવસર. નૈમિષારણ્ય તુલ્ય સારંગપુર તીર્થમાં દેશ-વિદેશથી હરિભક્તો પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે રંગાવા માટે ઊમટ્યા હતા. બપોરથી હરિભક્તોનો પ્રવાહ એકધારો સારંગપુર તરફ વહી રહ્યો હતો. હજારો હરિભક્તો-ભાવિકોથી નાનકડું સારંગપુર ગામ ઊભરાતું હતું. ત્રિશિખરબદ્ધ ભવ્ય બી.એ.પી.એસ. મંદિરના પ્રત્યેક ખંડમાં ઠાકોરજી ઉત્સવને અનુરૂપ શણગારોથી શોભી રહ્યા હતા.
બી.એ.પી.એસ. વિદ્યામંદિરના વિશાળ પ્રાંગણમાં આ રંગોત્સવ આયોજિત થયો. વિશાળ મેદાનમાં ઉત્સવને અનુરૂપ ભવ્ય મંચ તૈયાર કરવામાં આવ્યો હતો. ગિરનારની પ્રતિકૃતિ સમા શોભી રહેલા પહાડોની વચ્ચેથી વહેતા રંગબેરંગી ધોધથી મંચ શોભી રહ્યો હતો. અક્ષરપુરુષોત્તમ મહારાજનાં ચરણકમળમાંથી ઉદ્‌ભવતા અને સ્વામીશ્રીના આસન નીચે થઈને વહેતા રંગધોધ ઉપાસના-રંગના પ્રતીકસમા હતા. સભા સ્થળે બે વિશાળ એલ.ઈ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હજારો હરિભક્તોની સેવામાં સ્વયંસેવકો ખડે પગે તૈયાર હતા.
સાંજના ૪:૩૦ વાગ્યે ધૂન-પ્રાર્થનાથી સભા કાર્યક્રમના પ્રારંભમાં ગુરુમંગલ સ્વામી રચિત 'આઈ હોલી રંગ ભરી' કીર્તનનું ગાન સંતોએ કયુંý ત્યારે સમગ્ર વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ ગઈ.
અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો સંકલ્પ હતો કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન કરાવવું છે - આ ધ્યેયને સાર્થક કરતી આજની રંગોત્સવ સભામાં પૂજ્ય વડીલ સંતોએ વિવિધ વિષયો પર પોતાનાં મનનીય વક્તવ્ય આપ્યાં હતાં. વિવેકસાગર સ્વામીએ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી તથા પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણે ઉપાસનાના રંગે સૌને કેવી રીતે રંગ્યા હતા તેની તવારીખ સાથે અદ્‌ભુત છણાવટ કરી.
આજે નવખંડ ધરામાં ઊડી રહેલો અક્ષરપુરુષોત્તમ ઉપાસનાનો રંગ શ્રીજી-મહારાજે સારંગપુરમાં ઘોળ્યો હતો ને  ઢોળ્યો હતો. વળી, કબીરજીએ વર્ણવેલાં સદ્‌ગુરુ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે તેની ઓળખાણ પણ શ્રીહરિએ સૌને કરાવી હતી. એ જ અક્ષરબ્રહ્મ આજે પણ પ્રગટ છે - પ્રમુખસ્વામી મહારાજરૂપે. એવા પ્રગટ અક્ષરબ્રહ્મ પ્રમુખસ્વામી મહારાજ વિષયક મનનીય વક્તવ્ય ઈશ્વરચરણ સ્વામીએ આપ્યું ને અસંખ્ય પ્રસંગો દ્વારા સ્વામીશ્રીની રહેણી ને કહેણી, પ્રભાવ ને સમભાવ, વાત્સલ્ય ને કૌશલ્યનું સુપેરે ગાન કર્યું.
ડૉક્ટર સ્વામીએ ઉપાસનાના રંગે આપણે કેવી રીતે રંગાવું ને બીજાને કેવી રીતે રંગવા તે વિષયક પ્રેરણાવચન કહ્યાં. પૂજ્ય મહંત સ્વામીએ 'ઉપાસના પ્રવર્તનનું ફળ' વિષયક અદ્‌ભુત માર્ગદર્શન આપ્યું.
ત્યારબાદ સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત નૂતન પ્રકાશનોનું ઉદ્‌ઘાટન સ્વામીશ્રીના વરદ હસ્તે જુદા જુદા સંતોએ કરાવ્યું. જેમાં (૧) બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની અમૃત-વાણી 'યોગીવાણી' ગ્રંથનું ઈશ્વરચરણ સ્વામીએ, (૨) યોગીજી મહારાજે લખેલાં 'સુનૃત' પર મહંત સ્વામીએ કરેલા અદ્‌ભુત નિરૂપણની આૅડિયો સીડીનું નારાયણમુનિ સ્વામીએ, (૩) 'કરીએ રાજી ઘનશ્યામ' (વચનામૃતના આદેશોને લક્ષ્યમાં લઈ શ્રીહરિને રાજી કરવાના ઉપાયો) પુસ્તકનું આદર્શજીવન સ્વામીએ, (૪) ડિલક્સ પૉકેટ સાઈઝ (બે ભાગમાં) તૈયાર થયેલ 'વચનામૃત'નું અક્ષરજીવન સ્વામીએ, (૫) બી.એ.પી.એસ. બાળપ્રવૃત્તિ દ્વારા આયોજિત વાલી અભિયાન અન્વયે વાલીઓને જાગ્રત કરતું પ્રકાશન 'વાલીની ડાયરી' વિશ્વસ્વરૂપ સ્વામીએ, (૬) વિદેશ-સ્થિત અંગ્રેજીભાષી બાળકોને માતૃભાષા ગુજરાતીનું જ્ઞાન થાય તે અન્વયે વિવિધ પ્રકાશનો બહાર પડે છે તે પૈકી 'ગેઈમ' દ્વારા ગુજરાતી જ્ઞાન પ્રાપ્ત થાય તે માટેનું પ્રકાશન મનોહરમૂર્તિ સ્વામીએ, (૭) બાળકોને સંસ્કાર આપતી 'સંસ્કાર સુવાસ' સચિત્ર પુસ્તિકાનું અમૃતસ્વરૂપ સ્વામીએ, (૮) કર્ણાટકની કન્નડ ભાષામાં તૈયાર કરેલ 'શિક્ષાપત્રીનાં આજ્ઞાવચન' તથા (૯) 'બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ' (સત્સંગ શિક્ષણ પરીક્ષા પુસ્તક)નું સરલજીવન સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. (૧૦) સને ૨૦૦૯ના સ્વામીશ્રીના વિચરણમાંથી પ્રસંગોને જુદા તારવીને તૈયાર કરેલ 'પ્રસંગમ્‌' ગ્રંથનું વિમોચન પ્રિયદર્શન સ્વામીએ મહંત સ્વામીના હસ્તે કરાવ્યું.
ઉદ્‌ઘાટનવિધિ બાદ વડીલ સંતોએ વિવિધ કલાત્મક પુષ્પહાર સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આજે ખાસ ઉપસ્થિત રહેલા ભારતના વિખ્યાત વિજ્ઞાની તેમજ સુપર કૉમ્પયુટરના જનક ડૉ. વિજય ભટકરે પણ સ્વામીશ્રીના આશિષ મેળવ્યા. ત્યારબાદ અક્ષરેશ સ્વામી અને કૃષ્ણપ્રિય સ્વામીએ 'વરતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ' કીર્તનનું ગાન કર્યું. કીર્તન દરમ્યાન સ્વામીશ્રીએ પ્રત્યેક પંક્તિએ વિવિધ કરમુદ્રાઓ કરી ઉપસ્થિત સૌને વિશેષ સ્મૃતિ આપી હતી.
સભાના અંતે સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે દેશ-પરદેશથી હરિભક્તો આવ્યા છે, એ બધાની પણ જય. આ પવિત્ર સારંગપુર ધામમાં મહારાજે અનેક વખત ઉત્સવો કર્યા છે, ખૂબ સુખ આપ્યું છે. ગામ તો નાનું, પણ ભગવાનને નાનું-મોટું છે નહીં. જ્યાં ભક્તોનો ભાવ હોય ત્યાં પધારે. ભગવાન અને સંત પૃથ્વી પર જીવોનું કલ્યાણ થાય એ માટે આવે છે. કેટલી બધી ઉદારતા !
મોટા ખર્ચા કરીને લોકોમાં આબરૂ-પ્રતિષ્ઠા વધે એના માટે આ સમૈયા નથી, પણ જે લોકો આવ્યા છે એને આ સમૈયાની સ્મૃતિ રહેશે તો એ જીવનું અંતકાળે અતિ રૂડું થશે. અંતકાળે માણસને બહુ વિચાર હોય — પાછળ શું થશે ? પણ ભગવાનના ભક્તને બીજો વિચાર હોય જ નહીં. તડકો-છાંયડો, સુખ-દુઃખ બધું થયા જ કરે છે. જો જ્ઞાન-સમજણ હોય તો વાંધો ન આવે, સુખિયા રહેવાય. આ સમજણ હોય તો આનંદ, આનંદ ને આનંદ. અંતકાળે ભગવાનની સ્મૃતિ થાય તો અનંત જન્મનાં પાપ બળી જાય છે ને સુખી થવાય છે. આ સમૈયાની સ્મૃતિ જીવનમાં રહે અને એ સ્મૃતિ કરતાં કરતાં શાંતિ-સુખ મળે એ માટે પ્રાર્થના છે. તમે બધા રંગાવા માટે આવ્યા છો અને અમારે પણ તમને રંગવા છે.' એમ કહી સ્વામીશ્રીએ સૌને રંગાવાની ધીરજ રાખવા માટે 'ધીરજનાં ફળ મીઠાં' કહીને આશીર્વાદની સમાપ્તિ કરી.
હવે ઉત્સવની ચરમસીમાની ક્ષણ આવી પહોંચી હતી. સ્વામીશ્રી અને વડીલ સંતોએ હરિકૃષ્ણ મહારાજની આરતી ઉતારી ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું. આરતી બાદ સૌપ્રથમ સ્વામીશ્રીએ પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજનું વેદોક્ત-વિધિપૂર્વક પૂજન કરી, સુંદર મીનાકારી નકશીદાર પિચકારી વડે હરિકૃષ્ણ મહારાજને અભિષિક્ત કર્યા.
પ્રતિવર્ષ સારંગપુરમાં ઊજવાતો પુષ્પ-દોલોત્સવ આ વર્ષે ઘણી રીતે નવીન હતો. સંતોએ સુંદર આયોજન કર્યું હતું. સ્વામીશ્રીના હાથમાં રહેલા રિમોટ કંટ્રોલ દ્વારા સંચાલિત પિચકારીઓની સતત રંગવર્ષા હજારો ભક્તો પર થઈ શકે, એ માટે હરિકૃષ્ણ મહારાજ તથા સ્વામીશ્રીના સિંહાસન સહિત મધ્યમંચ ૪૦ ફૂટ આગળ ખસીને સભાસદોની વચ્ચે લવાયો હતો. જેથી બન્ને પાંખમાં વહેતો ભક્તપ્રવાહ સમાનરૂપથી સ્વામીશ્રી સાથે દૃષ્ટિ મિલાવી શકતો હતો. સ્વામીશ્રી પણ સર્વે હરિભક્તોને દૃષ્ટિથી મળતા હતા ને રંગવર્ષા કરી અલભ્ય લાભ આપતા હતા. દોઢસો જેટલા સંતો તથા એક હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે  રહીને વ્યવસ્થા જાળવતા હતા.
આ ઉત્સવમાં ૭૫,૦૦૦ જેટલા ભક્તો ઊમટ્યા હતા. સૌને માટે સ્વામીશ્રીની આજ્ઞાથી ખીચડી ને વઘારેલી છાસનું ભોજન સભાસ્થળે જ આપવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકના કન્ટેઇનરમાં ગરમ ગરમ સ્વામિનારાયણ ખીચડી, ચમચી, છાસનો પ્યાલો, ફગવાનો પ્રસાદ, પેય જલનું પાઉચ તથા પ્રાસાદિક રંગની બોટલ અપાતાં હતાં. સાથે સાથે બૂટ-ચંપલ માટે પ્લાસ્ટિકની મોટી થેલી પણ પ્રવેશ વખતે અપાતી હતી.
સારંગપુરથી પૂર્વ તથા પશ્ચિમ દિશામાં પ્રવેશ કરતાં જ મોટા ગ્રાઉન્ડ પાર્કિંગ માટે સજ્જ કરાયાં હતાં. ઉતારા વિભાગમાં કૉમ્પ્યુટરોની મદદથી ચુનંદા સ્વયંસેવકો-સંતોએ સુંદર આયોજન કર્યું હતું.
સતત બે કલાક સુધી સ્વામીશ્રીએ રંગવર્ષા કરીને સૌને તરબતર કરી દીધાં હતાં. રંગ-સંગ્રહ માટે વિરાટકાય ટેન્કરો સભામંડપની પાછળ ગોઠવવામાં આવ્યાં હતાં. સ્વામીશ્રીના હાથે રંગાવા વિશ્વના ૨૨ જેટલા દેશોના હરિભક્તો ખાસ ઊમટ્યા હતા. બરાબર ૮:૩૦ વાગે રંગોત્સવ વિરમ્યો. સ્વામીશ્રીએ રંગની ઝડી વરસાવી સૌને કૃત કૃત્ય કરી દીધા. અંતે સ્વામીશ્રીએ વડીલ સંતો તેમજ સર્વે સંતોને કેસરિયા રંગથી ખૂબ રંગ્યા. આમ, સ્વામીશ્રીના સાંનિધ્યમાં ઊજવાયેલ આ દિવ્ય-ભવ્ય પુષ્પ-દોલોત્સવની અણમોલ સ્મૃતિઓ સૌના હૃદય પર સદાયને માટે અંકિત થઈ ગઈ.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |