Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુર ખાતે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના હસ્તે દેશ-પરદેશના ૪૨ શિક્ષિત યુવાનોએ દીક્ષા લીધી

સમગ્ર વિશ્વ જ્યારે સાંસારિક ભોગવિલાસ તરફ વધુ ને વધુ દોટ મૂકી રહ્યું છે ત્યારે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તા. ૧૦-૩-૨૦૧૦ના રોજ સારંગપુર ખાતે ૪૨ શિક્ષિત યુવાનોને દીક્ષા આપીને ફરી એક વાર વિશ્વફલકે ત્યાગાશ્રમને પ્રતિષ્ઠિત કર્યો છે. પ્રાચીન ભારતીય સંસ્કૃતિને પુનર્જીવિત કરતું સ્વામીશ્રીનું આ એક મહાન ઐતિહાસિક કાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે - આ યુવાનોમાં પાંચ યુવાનો અમેરિકાની નાગરિકતા ધરાવે છે. આજે અનેક ભારતીય યુવાનો અમેરિકા જવાનાં સપનાં સેવે છે ત્યારે આ યુવાનો અધ્યાત્મની શોધમાં ભારતમાં આવ્યા છે.
આજે આનંદનો ઉત્સવ હતો. સંસાર છોડીને સાધુ થવા આવેલા દેશ-વિદેશના વીસ વીસ વર્ષના તરવરિયા યુવાનો પોતાનાં શમણાંઓ અને કારકિર્દી ઉપર પગ મૂકીને વામનથી વિરાટ તરફ ડગ માંડવા થનગની રહ્યા હતા. આ આનંદના સૂત્રધાર હતા સ્વામીશ્રી કે જેઓ સૌને સ્વીકારીને કેટલાકને પાર્ષદી તો કેટલાકને ભાગવતી દીક્ષા આપવાના હતા. આ યુગના જીવતા જાગતા ચમત્કારસમા આ નવયુવાનોની દીક્ષાવિધિની પૂર્વવિધિ સવારે મંગળા આરતી પછી તરત જ પ્રારંભાઈ ચૂકી હતી અને આ દીક્ષાર્થી નવયુવાનોનાં માબાપ અને તેઓના સગાઓ જાણે કે લગ્નના માંડવે આવ્યા હોય એ રીતે સજીધજીને સભામંડપમાં બેઠાં હતાં. કેટલાંકનાં માબાપોને તો ભાગવતી દીક્ષા ગ્રહણ કરી રહેલા પોતાના સુપુત્રને મળવાનું પણ ન હતું, છતાં છેક અમેરિકાથી માંડીને આદિવાસી ક્ષેત્રોમાંથી આ દર્શનનો લાભ લેવા ઊમટ્યા હતા. કેટલાક એવા પણ હતા કે જેઓએ આજના આ શુભ પ્રસંગને લગ્ન કરતાં પણ અધિક ગણાવ્યો હતો અને પોતાના વહાલસોયા પુત્રને પોતાની સેનામાં સ્વીકારનાર સ્વામીશ્રી પ્રત્યે પત્ર લખીને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
વહેલી સવારે સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન દીક્ષાની આવશ્યક પૂર્વવિધિ શ્વેતવૈકુંઠ સ્વામીએ કરાવી. પ્રાતઃપૂજા પછી દીક્ષાવિધિનો પ્રારંભ થયો. સૌથી પહેલા ભાગવતી દીક્ષા આપવામાં આવી. આજે સ્વામીશ્રીના હસ્તે ૨૧ પાર્ષદોએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. કોઠારી સ્વામી સૌને કંઠી પહેરાવતા હતા, ડૉક્ટર સ્વામી ગાતરિયું ઓઢાડતા હતા, મહંત સ્વામી પાઘ પહેરાવતા હતા, સ્વામીશ્રી સૌને દીક્ષામંત્ર આપી રહ્યા હતા. પ્રત્યેક પાર્ષદ અથવા સાધકને સ્વામીશ્રી કંઈક ને કંઈક પ્રેરણા આપી રહ્યા હતા.
દીક્ષા લઈને પસાર થતાં સૌનું નામ જાહેર થઈ રહ્યું હતું. નારાયણમુðનિ સ્વામી સૌના નામની જાહેરાત કરતા હતા. ત્યાગવલ્લભ સ્વામી પૂજન કરતા હતા. વિવેકસાગર સ્વામી આશીર્વાદપત્ર આપતા હતા. ઘનશ્યામચરણ સ્વામી પ્રસાદ આપતા હતા અને સિદ્ધેશ્વર સ્વામી સૌને પુષ્પ આપતા હતા. ૨૧ ભાગવતી દીક્ષાર્થી અને ૨૧ પાર્ષદી દીક્ષાર્થીઓને સ્વામીશ્રીના અંતરથી આશીર્વાદ પ્રાપ્ત થયા હતા. આ વિધિ પૂરો થયા પછી કૃષ્ણપ્રિય સ્વામીએ 'હાલો જુવાનડા હરિવર વરવા હેલો ચડ્યો' એ સિન્ધુડો ગાયો અને પાર્ષદો અને સાધકો મન મૂકીને મંચ ઉપર નાચીને પોતાનો આનંદ વ્યક્ત કરતા રહ્યા. અંતે સૌ ઉપર ધન્યવાદ અને આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું, 'દીક્ષા એટલે ભગવાનને સમર્પણ થવાનું. પોતાનું ઘરબાર, કુટુંબ, પરિવાર મૂકીને આ યુવકો ભગવાનને શરણે થયા છે. બધા ભણેલાગણેલા છે, ડિગ્રીઓ મેળવેલી છે. નોકરી-ધંધો કરે તો ઘણો સારો પગાર મળે, છતાં પણ એમનાં માબાપે બહુ જ પ્રેમથી આનંદથી સમર્પણ કર્યા છે. યુવકોને પણ એટલો જ ઉમંગ છે કે ભગવાનના શરણે જઈને આ સેવા કરવી છે. તૈયાર થયેલા દીકરા આપવા એ સામાન્ય વાત નથી. કેટલાકે તો એકના એક દીકરા આપી દીધા છે. એમને એવી નિષ્ઠા-સમજણ કે દીકરો ભગવાનને ત્યાં જશે તો ભગવાન આપણું સાચવશે જ. સત્સંગ પ્રધાન થયો હોય, ભગવાન પ્રધાન થયા હોય એને આવું મૂકતાં વાર લાગે નહીં.
સત્સંગનો આવો મહિમા સમજીને તન, મન, ધન ભગવાનને અર્પણ કર્યું છે. સાધુ થઈને પણ ગામોગામ જઈને કથાવાર્તા, કીર્તન, ભજન કરશે. આત્માના કલ્યાણની વાત છે. સાચું સુખ મનાયું છે તો આ કામ થાય છે. આ સંતો એકાંતિક ધર્મ સિદ્ધ કરે. જોગી મહારાજના સંકલ્પ પ્રમાણે ફરે, સત્સંગ કરે-કરાવે. ભગવાન સર્વ પર રાજી થાય. એ જ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |