Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રવિ સત્સંગસભા

સારંગપુર ખાતે પરમ પૂñજ્ય પ્રમુખસ્વામી મહારાજના નિવાસ દરમ્યાન દર રવિવારે ઉત્સવનો માહોલ રચાતો હતો. વહેલી સવારથી જ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો અમૃતલાભ પ્રાપ્ત કરવા માટે દૂર-સુદૂરથી આવેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પરિસર છલકાતું હતું. નિત્યક્રમ મુજબ વિશાળ મંદિરના પરિસરનાં વિવિધ સ્થાનોએ દર્શને પધારતા સ્વામીશ્રીની સ્મૃતિઓ સૌ કોઈના હૈયે સદાયને માટે કંડારાઈ જતી. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી જ રવિ સત્સંગ-સભાનો આરંભ થતો. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતોના સુમધુર કંઠે ગવાતાં ભક્તિપદોથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ જતી.
પ્રાતઃપૂજાના અંતે સ્વામીશ્રીની અમૃત-વાણીનો લાભ પ્રાપ્ત કરી આબાલવૃદ્ધ સૌ કોઈ ધન્યતા અનુભવતા. તા. ૨૧-૩-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે રવિ સત્સંગ-સભામાં આશીર્વાદ આપતાં જણાવ્યું હતું : 'ભગવાનની કથાનું શ્રવણ કરવાથી અંતરે શાંતિ થાય છે. કુટુંબમાંથી કોઈ ધામમાં જાય તો લૌકિક રીતે રોકકળ થાય છે, પણ ભગવાનના ભક્તને તો એવી સમજણ હોય છે કે કુટુંબમાંથી જેનું મૃત્યુ થયું છે એ ભગવાનના ધામમાં જ ગયા છે. દેહ ગમે એ રીતે પડે, પણ ભગવાનના ભક્તને બીજી ગતિ હોતી નથી. અકસ્માતથી, કોઈ જાતના મંદવાડથી કે કોઈ બીજાં કારણોસર મૃત્યુ થાય, પણ ભગવાનના ભક્તની અવગતિ થતી નથી, એ ભગવાનના ધામને જ પામે છે. લૌકિક રીતે દુઃખ થાય, વિચારો આવે કે આટલી ભક્તિ કરી, સત્સંગ કર્યો, આટલી સેવા કરી તો પણ આવું દુઃખ કેમ આવ્યું ? પણ ભગવાન સર્વકર્તા છે એવી સમજણ જો હોય તો આવા વિચારો ન આવે. ભગવાન જે કરે છે એ સારા માટે જ છે. ભગવાનનો દૃઢ આશરો હોય અને ભગવાનની આજ્ઞા મુજબનું જીવન હોય તો એ જીવ ભગવાનના ધામને જ પામે છે. આવી નિષ્ઠા-સમજણ સહિતની દૃઢતા હોય તો જીવનમાં લૌકિક રીતે દુઃખ ન લાગે.
જ્ઞાન થાય પછી કોઈ જાતનું દુઃખ રહેતું નથી. આત્મા-પરમાત્માનું જ્ઞાન થયા પછી બીજા જ્ઞાનની પણ જરૂર નથી. જ્ઞાને કરીને સુખિયા રહેવાય છે. આ સંસાર સ્વપ્નવત્‌ છે. સ્વપ્નમાં ઘણી સમૃદ્ધિ દેખાય, પણ જ્યારે જાગીને જુએ ત્યારે કશું જ ન હોય. જન્મ્યા ત્યારે કશું જ લઈને આવ્યા ન હતા, પણ ભણ્યા-ગણ્યા ને ખેતીવાડી અને સમૃદ્ધિ થઈ પણ આંખ મીંચાયા પછી કશું નથી. માટે જીવનમાં જે કંઈ સત્કર્મ કર્યાં હશે, નિયમધર્મ પાળ્યા હશે, દેશ ને સમાજ માટે કાર્ય કર્યું હશે તો ભગવાન અને સંત પ્રસન્ન થશે. ભગવાનની ભક્તિથી, ભજનથી આત્માનું કલ્યાણ થાય છે, ભગવાન ને સંતની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.
ભગવાન અને સંતનું કાર્ય તો દરેકનું સારું થાય, રૂડું થાય, કલ્યાણ થાય એ રીતનું હોય છે. આદિ-અનાદિથી ભક્તે સહિત ભગવાનની ઉપાસના છે એ શાસ્ત્રીજી મહારાજે મંદિરો કરી પધરાવી છે. હવે ભગવાન અર્થે જેટલું આપણાથી થાય એટલું કરવાનું છે. મહારાજ સર્વનું કલ્યાણ કરે, સર્વ સુખી થાય એ પ્રાર્થના.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |