Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શ્રીહરિ પ્રાકટ્યોત્સવ

તા. ૨૪-૩-૨૦૧૦ના રોજ સારંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં પૂર્ણ-પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો ૨૩૦મો પ્રાકટ્યોત્સવ ધામધૂમપૂર્વ ઊજવાઈ ગયો. વહેલી સવારથી જ મંદિરમાં ઉત્સવનો માહોલ રચાયો હતો. સ્વામીશ્રીની દિવ્ય નિશ્રામાં આ ઉત્સવમાં સહભાગી થવા દેશ-વિદેશથી હજારો હરિભક્તો ઊમટ્યા હતા. મંદિરમાં ઉત્સવને અનુરૂપ શણગારોથી અલંકૃત ઠાકોરજી સૌને દર્શનદાન આપી રહ્યા હતા. મંદિર આગળની દેરીની લોનમાં બાળકો 'જય ઘનશ્યામ લાલકી'ના યશનાદ સાથે નૃત્ય કરી રહ્યા હતા.
અત્ર-તત્ર-સર્વત્ર આનંદનું વાતાવરણ સર્જાયું હતું. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતોએ ઉત્સવપદોનું ગાન કરી ભગવાન સ્વામિનારાયણના દિવ્ય કાર્યને ભાવાંજલિ અર્પી. સ્વામીશ્રીએ પણ હરિકૃષ્ણ મહારાજનું પૂજન-અર્ચન કરી સૌનાં કુશળ ક્ષેમની પ્રાર્થના કરી. 
સંધ્યા સમયે યજ્ઞપુરુષ મંડપમ્‌ અને મંદિરની વચ્ચેના વિશાળ ચોગાનમાં શ્રીહરિ પ્રાકટ્યોત્સવની વિશિષ્ટ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સભાસ્થળે ઉત્સવને અનુરૂપ વિશાળ મંચ ખડો કરવામાં આવ્યો હતો. મંચની પાર્શ્વભૂમાં કટઆઉટ અને પેઈન્ટિંગની મદદથી તૈયાર કરવામાં આવેલા ભગવાન સ્વામિનારાયણના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ પ્રવર્તનના પ્રસંગોને તાદૃશ્ય કરતા ત્રિપરિમાણીય દૃશ્યો શોભી રહ્યાં હતાં. મુખ્ય મંચની બંને બાજુએ બે નૃત્ય મંચ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. મુખ્ય મંદિર અને સ્મૃતિ મંદિર પણ રંગબેરંગી લાઈટોની સિરીઝથી ઉત્સવની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. મંચ પર રજૂ થતા કાર્યક્રમો અને સ્વામીશ્રીના સમીપ દર્શનનો લાભ પ્રાપ્ત થાય તે માટે સભા સ્થળે બે વિશાળ સ્ક્રીનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
બરાબર ૭-૩૦ વાગે એકાંતિક ધર્મના પ્રવર્તક ભગવાન શ્રી સ્વામિનારાયણના મધ્યવર્તી વિચાર સાથે આ ઉત્સવ સભાનો આરંભ થયો. બ્રહ્મદર્શન સ્વામીના મનનીય પ્રવચન બાદ ઘનશ્યામચરણ સ્વામીએ પ્રેરક વક્તવ્ય દ્વારા શ્રીહરિના મહિમાને દૃઢાવ્યો. સ્વામીશ્રીના આગમન બાદ બોટાદ સત્સંગમંડળના યુવકોએ લોધિકાના અભેસિંગની દૃઢતાના પ્રસંગની પ્રેરક પ્રસ્તુતિ કરી. સિદ્ધેશ્વર સ્વામીના પ્રવચન બાદ ખીમા સુથારની દૃઢતાને વર્ણવતો પ્રેરક સંવાદ રજૂ થયો. સંવાદ બાદ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત 'અંધકાર સે પ્રકાશ કી ઓર' તથા 'અધ્યાત્મવિભૂતિ યોગીજી મહારાજ' વિષયક પુસ્તિકાનું ઉદ્‌ઘાટન વિવેકપ્રિય સ્વામીએ તથા 'શાસ્ત્ર, મંદિર અને સંત-સંસ્કૃતિ કે આધારસ્તંભ' હિન્દી પુસ્તિકાનું ઉદ્‌ઘાટન વિવેકસાગર સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. ઉદ્‌ઘાટનવિધિ બાદ વડીલ સંતોએ પુષ્પહારથી સ્વામીશ્રીને સન્માન્યા. ત્યાર બાદ પ્રિયદર્શન સ્વામી રચિત 'આનંદ ઉત્સવ થાય છે રે ધર્મભક્તિને દ્વાર' એ કીર્તનનું ગાન અક્ષરેશ સ્વામી તથા સંતોએ કર્યું. કીર્તન દરમ્યાન બાળકો-કિશોરોએ ભક્તિનૃત્ય રજૂ કરી ગુરુહરિના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું.
સભાના અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'ભગવાન સ્વામિનારાયણે આ દુનિયામાં પધારી એકાંતિક ધર્મનું સ્થાપન કરી અલૌકિક કાર્ય કર્યું છે. ગીતામાં પણ કહ્યું છે 'યદા યદા હિ ધર્મસ્ય...' જ્યારે અધર્મ ખૂબ જ વૃદ્ધિ પામે છે ત્યારે ધર્મનું સ્થાપન કરવા માટે આ પૃથ્વી પર ભગવાનના અવતાર થાય છે. એ રીતે ભગવાન રામ, ભગવાન કૃષ્ણના અવતારો થયા. ભગવાન સ્વામિનારાયણ પણ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી અને અનેક મુક્તોને લઈને ઐશ્વર્ય, પ્રતાપ સાથે આ પૃથ્વી પર પધાર્યા. અનેક જીવો પર અત્યંત કૃપા કરી. દરેક જીવનું રૂડું થાય એવું શ્રીજીમહારાજનું કાર્ય હતું. ૪૯ વર્ષના અવતારકાર્યમાં તેઓએ વન-વિચરણ કર્યું, વિકટ પરિસ્થિતિમાં જંગલોમાં ફર્યા, યોગીઓને મળ્યા, એમનું કલ્યાણ કર્યું અને ફરતાં ફરતાં લોજમાં આવી મુક્તાનંદ સ્વામીને મળ્યા. એમનો પ્રભાવ જોઈને મુક્તાનંદ સ્વામી ને સંતો રાજી થયા.
એકાંતિક ધર્મનું સ્થાપન કરવું એ એમનું ધ્યેય હતું. એકાંતિક ધર્મનું સ્થાપન કરવા તેઓએ બે હજાર સાધુ કર્યા, લાખો સત્સંગી કર્યા. તેમની આજ્ઞાથી સંતોએ લોકોને દારૂ, માંસ, વ્યભિચાર જેવાં દૂષણો દૂર કરી પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપી વ્યસનમુક્ત કર્યા. નિયમ-ધર્મયુક્ત જીવન હોય તો જીવમાં પવિત્રતા આવે ને સમાસ થાય. એકાંતિક પુરુષ મળે તો એના થકી એકાંતિક ધર્મની દૃઢતા થાય. એકાંતિક સંતો તૈયાર થયા કે જેમણે ગામોગામ જઈ મહારાજનો મહિમા કહ્યો.
શ્રીજીમહારાજે ગીતા, રામાયણ, મહાભારત, વેદ, ઉપનિષદ બધાં શાસ્ત્રોનો સાર વચનામૃતમાં કહ્યો. જીવના કલ્યાણ માટે તેમણે વચનામૃતમાં વાત કરી કે એકાંતિક સંતનો આશરો થાય તો ભગવાનનો મહિમા સમજાય, ધર્મની દૃઢતા થાય ને એકાંતિક ધર્મ સિદ્ધ થાય. વચનામૃતમાં મહારાજે આત્યંતિક કલ્યાણના અદ્‌ભુત જ્ઞાનની વાતો કહી છે.
શાસ્ત્રીજી મહારાજે અનેક વિઘ્નો વચ્ચે પણ આ જ્ઞાન પ્રવર્તાવ્યું. એમણે મહારાજે આપેલું જ્ઞાન દરેકને સમજાય ને આત્માનું કલ્યાણ થાય એ દૃષ્ટિએ આ કાર્ય કર્યું. સાચા દેવળે ઘંટ વાગે. મહારાજે આપેલું જ્ઞાન સાચું હતું. તો લોકોને સાચી વાત સમજાય છે ને જીવમાં ઊતરે છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે એમનો અવતાર ને આપણો જન્મ તે એમનો સમાગમ થયો. એમણે આપેલી વાત જીવમાં બેસે ને સર્વનું કલ્યાણ થાય. આનંદની વાત એટલી છે કે હવે આ જન્મ છેલ્લો જન્મ છે. આ જ્ઞાન સમજાયું તો આ વાત બીજાને કરવી. તો આજે પ્રાર્થના કરીએ કે જેને આ જ્ઞાન થયું છે એને આ જ્ઞાનની દૃઢતા રહે અને આ જ્ઞાનનું પ્રસારણ થાય. આજ્ઞા-ઉપાસના પ્રમાણે સૌનું જીવન બને ને સર્વનું મહારાજ કલ્યાણ કરે એ આશીર્વાદ છે.'
બરાબર ૧૦-૧૦ વાગે આશીર્વાદની સમાપ્તિ થઈ. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂનો પડદો ઊઘડ્યો અને ચાંદીના પારણામાં બિરાજિત હરિકૃષ્ણ મહારાજનાં સૌને દર્શન થયા. સ્વામીશ્રીએ શ્રીહરિ પ્રાકટ્યોત્સવની આરતી ઉતારી. આરતી બાદ ઉત્સવની ચરમસીમારૂપ ક્ષણ આવી પહોંચી. સંતોએ 'ધર્મ ઘેર આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી...' ઉત્સવપદનું ગાન કર્યું ત્યારે સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને પારણે ઝુલાવ્યા. સ્વામીશ્રી પણ હર્ષપુલકિત થઈ કીર્તનના નાદને ઝિલાવતા હતા. ઢોલ, નગારાં, મંજીરાં સાથે સંતોએ 'આજ ધર્મભક્તિને દ્વાર... આજ યજ્ઞપુરુષને દ્વાર' ઉત્સવપદોની રમઝટ બોલાવી. સૌ કોઈ શ્રીહરિના પ્રાકટ્યોત્સવની ઉજવણીમાં ગુલતાન બન્યા હતા. સ્વામીશ્રી પણ સૌને અપાર સ્મૃતિ આપી રહ્યા હતા.
આમ, શ્રીહરિ જયંતી પર્વની અદ્‌ભુત ઉજવણી કરી સૌને સ્મૃતિદાન આપીને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ દૃઢ કરાવીને સ્વામીશ્રીએ સભામાંથી વિદાય લીધી.                 
                      

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |