Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગાંધીનગરમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૩૧-૩-૨૦૧૦ થી તા. ૧૬-૪-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરધામમાં બિરાજીને સત્સંગ-આનંદની હેલી વરસાવી હતી. સતત ૧૭ દિવસ સુધી ગાંધીનગરના હરિભક્તો-ભાવિકો ગુરુહરિનું દિવ્ય સાંનિધ્ય પામીને બ્રહ્મરસમાં તરબોળ બન્યા હતા. નિત્ય પ્રાતઃપૂજા માટે પધારતા સ્વામીશ્રીનાં દર્શનની એક ઝલક મેળવવા માટે ગાંધીનગર - અમદાવાદની આસપાસના વિસ્તારોમાંથી ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતોના સુમધુર કંઠે ગવાતાં ભક્તિપદોથી વાતાવરણમાં અનેરી દિવ્યતા છવાઈ જતી. સ્વામીશ્રીના નિરામય દીર્ઘાયુ માટે હજારો હરિભક્તોએ પદયાત્રા તથા વિશિષ્ટ વ્રત-તપની સાંકળ રચી પ્રાણપ્યારા ગુરુહરિના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું હતું.
તા. ૩-૪-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ, અક્ષરધામ ખાતે રચાયેલ વિશ્વના સર્વપ્રથમ આધ્યાત્મિક વૉટર-શોનું ઉદ્‌ઘાટન કરી સૌને અદ્‌ભુત સ્મૃતિ આપી હતી. તા. ૧૦-૪-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ ગાંધીનગરના સેક્ટર-૬, સેક્ટર-૨૬ અને વાવોલ ગામમાં રચાયેલ નૂતન બી.એ.પી.એસ. સંસ્કારધામમાં પ્રતિષ્ઠિત થનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. અહીં ગાંધીનગરમાં સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગ-લાભની એક ઝાંખી પ્રસ્તુત છે...
બાળદિન
તા. ૧૧-૪-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીની દિવ્ય ઉપસ્થિતિમાં ગાંધીનગર ક્ષેત્રના બાળકોએ 'બાળદિન'ની ભક્તિ-ભાવપૂર્વક ઉજવણી કરી હતી. સંધ્યા સમયે યોજાયેલી આ વિશિષ્ટ સભામાં બાળકો, કિશોરો અને યુવકોએ સંયુક્ત રીતે વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા. સ્વામીશ્રીના સાંનિધ્યમાં રવિ સત્સંગસભા અને બાળદિનની વિશિષ્ટ સભાનો બેવડો લાભ પ્રાપ્ત કરવા ઊમટેલા હજારો હરિભક્તોથી સમગ્ર સભામંડપ છલકાતો હતો.  
નિયત સમયે ધૂન-પ્રાર્થનાથી સભાનો આરંભ થયો. અક્ષરધામ કિશોરમંડળના કિશોરોએ 'હૈયામાં આનંદ અતિ ઊભરાય...' ગીતના આધારે નૃત્ય રજૂ કરી સ્વામીશ્રીને વધાવ્યા.
બાળમંડળના સન્નિષ્ઠ સત્સંગી બાળક આદિત્ય પંડ્યાના પ્રવચન બાદ બાળકો, કિશોરો અને યુવકોએ 'રુચિ' ક્વિઝની રજૂઆત કરી. ત્યારબાદ બાળકો, યુવકો અને કાર્યકરોએ સ્વામીશ્રીના દિવ્ય અને પ્રેરક પ્રસંગોનું પાન ઉપસ્થિત સૌને કરાવ્યું.
સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'આજે બાળકો, યુવકો, કિશોરોએ કાર્યક્રમ રજૂ કર્યો. નાનપણથી જો બાળકોને સંસ્કાર અપવામાં આવે તો આગળ જતાં એ સંસ્કાર ટકી રહે અને સારા સત્સંગી થાય ને બળિયા થાય. છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જાય નહીં. નાની વયમાં જે સંસ્કારો પડે છે, એ કાયમ ટકી રહે. જો નાની વયે સારા સંસ્કાર પડ્યા હોય  તો ભગવાનનાં ભજન, કીર્તન, કથાવાર્તા થાય અને એનાથી ખૂબ આગળ વધાય છે.
ઘરસભાથી આ બધા સંસ્કારો બાળકોમાં પડે છે અને ઘણા પ્રશ્નોનું નિરાકરણ થઈ જાય છે. ગૃહસ્થાશ્રમ છે એટલે દરેકને કંઈક ને કંઈક પ્રશ્નો તો થાય, પણ એ પ્રશ્નોના ઉકેલ માટે ઘરસભા કરો. વચનામૃત, સ્વામીની વાતો એ બધું ઘરસભામાં વાંચવું. એનાથી કુટુંબમાં સંપ વધશે. ઘણી વાર એવું લાગે કે આમાંથી તે કાંઈ સત્સંગ થતો હશે, આવી રીતે કામ થતું હશે ? પણ સત્સંગનું સાહિત્ય વંચાય તો સંસ્કાર થાય. જો પાયામાંથી જ આ સંસ્કાર પડ્યા હોય તો ગમે ત્યાં ભણવા જાય તો વાંધો આવે નહીં. આજે દેશની જેમ પરદેશમાં પણ યુવકો બધા નિયમ રાખે છે, કારણ કે તેમને નાનપણથી જ સત્સંગ દૃઢ થયો છે. એટલે છોટી વયે પડેલી છાપ છેલ્લી વયે પણ જતી નથી. આ સૂત્ર બહુ ઉપયોગી છે.'
બરાબર ૮-૨૦ વાગે સભાની સમાપ્તિ થઈ. 'સ્વામી બાપાના બાળ-મંડળમાં મજા પડે, ભાઈ મજા પડે...' એ ગીતના તાલે બાળકો સાથે સૌને અદ્‌ભુત સ્મૃતિ આપતા સ્વામીશ્રી નિજનિવાસે પધાર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |