Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

અમદાવાદમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૧૬-૪-૨૦૧૦ થી ૧૪-૫-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનું દિવ્ય સાંનિધ્ય પામીને કાળઝાળ ગરમીમાં પણ અમદાવાદવાસીઓએ આધ્યાત્મિક શીતળતાનો અનુભવ કર્યો હતો. અધિકમાસ-પુરુષોત્તમ માસમાં સતત ૨૮ દિવસ સુધી શાહીબાગના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં નિત્ય ઉત્સવનું વાતાવરણ રચાતુð_ હતું. સ્વામીશ્રીના પાવન સાંનિધ્યમાં વૈષ્ણવી પરંપરા મુજબ સમગ્ર વર્ષમાં જે તિથિ દરમ્યાન ઉત્સવો આવતા હોય તે તિથિના ઉત્સવો-પર્વોની અધિક માસ દરમ્યાન ઉજવણી થઈ હતી. જેમાં છેલ્લે દિવાળી અને અન્નકૂટ પણ થયા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન થતા આ ઉત્સવોનો મહિમા પ્રવક્તા અક્ષરવત્સલ સ્વામી રજૂ કરતા હતા. હજારો હરિભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ મંદિરનું પ્રાંગણ ઠાકોરજી તેમજ સ્વામીશ્રીના દર્શને ઊમટેલા હજારો હરિભક્તોથી છલકાતું હતું. નિજ નિવાસેથી મંદિરમાં તથા અભિષેક મંડપમ્‌માં પધારતા સ્વામીશ્રીના દર્શનની સ્મૃતિઓ સૌ કોઈ માટે અણમોલ સંભારણું બની રહી.
સ્વામીશ્રીની પ્રાતઃપૂજા પૂર્વે વિશાળ સભાગૃહ 'પ્રમુખસ્વામી ઓડિટોરિયમ'માં વિવેકસાગર સ્વામીના 'યોગી ગીતા' પરના મંગલ પ્રવચનથી પ્રાતઃસભાનો આરંભ થતો. પ્રાતઃપૂજા દરમ્યાન સંગીતજ્ઞ સંતો-યુવકો તથા જાણીતા ગાયક કલાકારોનાં સુમધુર કંઠે ગવાતાં ઉત્સવપદોથી સૌના હૈયે ભક્તિની હેલી ઊમટી હતી. સભાગૃહમાં જુદી જુદી જગ્યા પર ગોઠવવામાં આવેલ ત્રણ વિશાળ સ્ક્રીન પર સ્વામીશ્રીનાં સમીપ દર્શન કરી સૌ ધન્ય બન્યા હતા. અધિક માસ દરમ્યાન સમગ્ર અમદાવાદમાં જાણે ભક્તિની વસંત ખીલી ઊઠી હતી. સ્વામીશ્રીના સુદીર્ઘ-નિરામય સ્વાસ્થ્ય માટે અમદાવાદનાં વિવિધ પરાંઓ તથા આજુબાજુનાં ગામોમાંથી ઊમટતા અનેક હરિભક્તોએ વિશિષ્ટ વ્રત-તપની સરવાણી વહાવી હતી. વળી, દૂર-સુદૂરથી દરરોજ શાહીબાગ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધારતા પદયાત્રીઓ તેમજ દંડવતયાત્રીઓમાં પણ ગુરુહરિ પ્રત્યેની અનન્ય શ્રદ્ધાનાં દર્શન થતાં હતાં. સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમ્યાન સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળે અભિષેક મંડપમ્‌માં સતત ૨૪ કલાક સુધી પ્રદક્ષિણાનું વિશિષ્ટ આયોજન કર્યું હતું. આ આયોજન મુજબ ક્રમાનુસાર આબાલવૃદ્ધ સૌએ ૧૩ લાખ જેટલી પ્રદક્ષિણા કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. વળી, દર રવિવારે યોજાતી સંધ્યા સત્સંગસભામાં સ્વામીશ્રીનાં દર્શન અને આશીર્વાદનો લાભ પ્રાપ્ત કરવા માટે ઊમટતા હજારો હરિભક્તો-ભાવિકોથી 'પ્રમુખસ્વામી ઓડિટોરિયમ' તથા 'યજ્ઞપુરુષ સભાગૃહ' એમ બંને સભાગૃહો છલકાતા હતા.
સ્વામીશ્રીના આ વખતના રોકાણ દરમ્યાન અમદાવાદવાસીઓને અન્ય એક વિશિષ્ટ લાભ પણ પ્રાપ્ત થયો હતો. સ્વામીશ્રીના પ્રાણપ્યારા હરિકૃષ્ણ મહારાજે અમદાવાદના જુદા જુદા વિસ્તારમાં આવેલાં બી.એ.પી.એસ. સંસ્કારધામોમાં પધરામણી કરી સૌના મનોરથ પૂર્ણ કર્યા હતા. સૌ હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજ સમક્ષ ભવ્ય અન્નકૂટ રચી વિશિષ્ટ રીતે ભક્તિ અદા કરી હતી. તા. ૫-૫-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના વિજલપુર, ડાંગ જિલ્લાના ચીખલી અને બોરપાડા, વલસાડ જિલ્લાના ચીમલા તથા ખાનદેશના ધૂળિયા ખાતે બી.એ.પી.એસ. મંદિરોમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. સતત ૨૮ દિવસ સુધી વિવિધ ઉત્સવો, તહેવારો અને પર્વોમાં અમૃત-લાભ આપી સ્વામીશ્રીએ તા. ૧૪-૫-૨૦૧૦ના રોજ ભાદરા જવા વિદાય લીધી. મંદિરના પરિસરમાં ઉમટેલા હજારો હરિભક્તો ભાવિકોએ સ્વામીશ્રીને ભાવભીની વિદાય આપી ત્યારે સમગ્ર વાતાવરણ ભાવોર્મિઓથી છલકાઈ ઊઠ્યું હતું. અત્રે સ્વામીશ્રીએ અમદાવાદમાં આપેલ દિવ્ય સત્સંગલાભની એક ઝાંખી પ્રસ્તુત છે.
આગમન :
તા. ૧૬-૪-૨૦૧૦ના રોજ પ્રમુખસ્વામી મહારાજ ગાંધીનગરથી વિદાય લઈ અમદાવાદ ખાતેના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પધાર્યા. પ્રાણપ્યારા ગુરુહરિને સત્કારવા માટે સૌનાં હૈયાં થનગની રહ્યાં હતાં. ગુરુહરિના પ્રથમ દર્શનની એક ઝાંખી મેળવવા ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. બરાબર રાત્રે ૮-૦૦ વાગે સ્વામીશ્રીનું આગમન થયું. સમગ્ર વાતાવરણ અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાના જ્યનાદો અને આતશ-બાજીથી ગૂંજી ઊઠ્યું. સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. મંદિરની પ્રદક્ષિણામાં કલાત્મક રંગોળી તેમજ દીવડાઓ શોભી રહ્યા હતા.  મંદિર પર કોઠારી સત્સંગીજીવન સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર અમદાવાદ સત્સંગ મંડળ વતી સ્વામીશ્રીને વધાવ્યા. આમ, સૌનો આદર-સત્કાર ઝીલતા ઝીલતા સ્વામીશ્રી નિજ-નિવાસે પધાર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |