Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દિલ્હીમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૭-૬-૨૦૧૦ થી તા. ૨૦-૭-૨૦૧૦ સુધી રાજધાની દિલ્હીમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સમગ્ર ઉત્તર ભારતમાં અધ્યાત્મની સુવાસ પ્રસરાવી દીધી હતી. ૯૦ વર્ષની ઉંમરે પણ સ્ફૂર્તિથી અવિરત વિચરી રહેલા સ્વામીશ્રીનું પાવન સાંનિધ્ય પામીને હજારો મુમુક્ષુઓ અધ્યાત્મ માર્ગે આગળ વધવા ચેતનવંતા બન્યા હતા.
આ વખતનું સ્વામીશ્રીનું રોકાણ ઉત્તરભારતના હરિભક્તો માટે વિશેષ યાદગાર બન્યું હતું. યોગી જયંતી, પ્રમુખવરણી દિન, આર્ષ શોધ સંસ્થાનનું તથા નૂતન ગર્ભગૃહનું ઉદ્‌ઘાટન જેવા ઉત્સવ-પ્રસંગોએ સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને સૌએ ધન્યતાની લાગણી અનુભવી હતી. આબાલવૃદ્ધ સૌ કોઈ ભક્તિરસમાં તરબોળ બન્યા હતા. તા. ૧૨-૭-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમેરિકાના ન્યુજર્સી ખાતે અક્ષરધામ સંકુલમાં રચાનાર શિખરબદ્ધ મંદિરની શિલાઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. તા. ૧૫-૭-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અક્ષરધામ પરિસરની બાજુમાં આવેલા 'અક્ષરધામ' સ્ટેશન પર શરૂ થયેલી મેટ્રો ટ્રેનમાં બિરાજી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
સતત ૪૩ દિવસ સુધી સત્સંગનો દિવ્ય લાભ આપી તા. ૨૦-૭-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ બોચાસણ જવા વિદાય લીધી. અક્ષરધામ પરિસરના પ્રાંગણમાં ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોએ સ્વામીશ્રીને ભાવભીની વિદાય આપી ત્યારે વાતાવરણ ભાવોર્મિઓથી છલકાઈ ગયું હતું. અહીં દિલ્હી ખાતે નીલકંઠવણીની મહાઆરતી, અમેરિકાના ન્યૂજર્સીમાં અક્ષરધામ સંકુલમાં રચાનાર શિખરબદ્ધ મંદિરની શિલાઓનો પૂજનવિધિ અને પ્રતીક ગુરુપૂર્ણિમા ઉત્સવ સભાની ઝાંખી પ્રસ્તુત છે...
નીલકંઠવણીની મહાઆરતી :
તા. ૧૦-૭-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે દિલ્હી ખાતેના સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરમાં યજ્ઞપુરુષ કુંડ સમક્ષ આવેલી ૩૦ ફૂટ ઊંચી ભવ્ય નીલકંઠ વણીની મૂર્તિની મહા-આરતી ઉતારી ઉપસ્થિત સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. સ્વામીશ્રીના કરકમળો દ્વારા આજથી અહીં મ્યુઝિકલ ફાઉન્ટેઈન પૂર્વે નિત્ય સંધ્યા સમયે થનારી મહાઆરતીનો પ્રારંભ થઈ રહ્યો હતો. સ્વામીશ્રી જ્યારે મહાઆરતી માટે પરિસરમાં પધાર્યા ત્યારે સંધ્યા ઢળી ચૂકી હતી. અક્ષરધામનાં દર્શનાર્થીઓ મ્યુઝિકલ ફાઉન્ટેઈન જોવા માટે યજ્ઞપુરુષ કુંડની સોપાનપંક્તિઓ પર હજારોની સંખ્યામાં બેસી ચૂક્યા હતા. આજે એ સૌને સહેજે સહેજે અક્ષરધામના સર્જક સ્વામીશ્રીનાં દર્શનનો સુયોગ સાંપડી રહ્યો હતો. સ્વામીશ્રી સંતો-હરિભક્તો સાથે નીલકંઠ વણીની મૂર્તિ આગળ પધાર્યા. સૌ પ્રથમ સ્વામીશ્રીએ વેદોક્ત સંકલ્પવિધિ કર્યો અને જળની અંજલિ નીલકંઠ વણીનાં ચરણોમાં અર્પણ કરી. ત્યારપછી શ્રી હરિકૃષ્ણ મહારાજનું પૂજન કર્યું. અક્ષર-પુરુષોત્તમ મહારાજ, નીલકંઠવણી મહારાજ અને ગુરુપરંપરાના જયનાદોથી સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું. નીલકંઠ વણીની મહાઆરતી ઉતારતા સ્વામીશ્રીનાં દર્શનની વિરલ સ્મૃતિઓ ઉપસ્થિત સૌ કોઈના હૈયામાં જડાઈ ગઈ. હજારો ભાવિકો-મુમુક્ષુઓ તથા દર્શનાર્થીઓ આ આરતીમાં ભાવપૂર્વક જોડાયા ત્યારે વાતાવરણ વિશેષ દિવ્ય બની ગયું. આરતી ઉતાર્યા પછી સંગીતમય ફુવારાનું નિરીક્ષણ કરી સ્વામીશ્રી નિજ નિવાસે પધાર્યા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |