Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

બોચાસણમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૨૦-૭-૨૦૧૦ થી તા. ૨૩-૮-૨૦૧૦ સુધી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે તીર્થધામ બોચાસણ ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં વિરાજીને સૌને દિવ્ય સત્સંગલાભ આપ્યો હતો. પવિત્ર ચાતુર્માસમાં સતત ૩૪ દિવસ સુધી સ્વામીશ્રીનું દિવ્ય સાંનિધ્ય પામીને હજારો હરિભક્તો-ભાવિકોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો. આ પવિત્ર દિવસોમાં આબાલવૃદ્ધ સૌ કોઈનાં હૈયાં વિશિષ્ટ ભક્તિ કરીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે થનગનતાં હતાં. સ્વામીશ્રીના નિરામય સ્વાસ્થ્યની મંગલકામના સાથે પદયાત્રા તથા વિશિષ્ટ વ્રત-તપ સાથે મંદિરે પધારતા સંતો-હરિભક્તોમાં અનન્ય ગુરુભક્તિનાં દર્શન થતાં હતાં. મંદિરમાં રચાતા કલાત્મક હિંડોળામાં વિરાજમાન ઠાકોરજીને ઝુલાવતા સ્વામીશ્રીનાં દર્શનની સ્મૃતિઓ સૌ કોઈ માટે અણમોલ સંભારણું બનતી હતી.
તા. ૭-૮-૨૦૧૦ના રોજ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના જન્મસ્થાન ધારીમાં રચાનાર શિખરબદ્ધ મંદિરની શિલાઓ તેમજ કળશનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી હતી. તા. ૧૩-૮-૨૦૧૦ના રોજ 'સ્વામિનારાયણ સત્સંગ દર્શન, ભાગ-૧૦૬' વીડિયો ડી.વી.ડી.નું ઉદ્‌ઘાટન ત્યાગવલ્લભ સ્વામીએ સ્વામીશ્રી પાસે કરાવ્યું. તા. ૧૫-૮-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ મંદિરના પ્રાંગણમાં ધ્વજવંદન કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી. તા. ૧૬-૮-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમેરિકાના ઓરેન્જબર્ગ(સાઉથ કેરોલીના)માં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગત અંકમાં તા. ૨૦-૭-૨૦૧૦ થી તા. ૨-૮-૨૦૧૦ દરમ્યાન સ્વામીશ્રીએ બોચાસણમાં આપેલા દિવ્ય સત્સંગલાભની ઝલક માણી. આ અંકમાં તા. ૩-૮-૨૦૧૦થી સ્વામીશ્રીના દિવ્ય વિચરણની એક ઝાંખી પ્રસ્તુત છે.
બાળદિન :
તા. ૮-૮-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની દિવ્ય ઉપસ્થિતિમાં બોચાસણ ક્ષેત્રના બાળકોએ 'બાળદિન'ની ઉજવણી કરી વાતાવરણને ભક્તિમય બનાવી દીધું. વહેલી સવારથી જ મંદિરમાં જાણે કે નાનાં નાનાં ભૂલકાંઓનું સામ્રાજ્ય છવાયું હતું. દરેક બાળકના હૈયે સ્વામીશ્રીને પ્રસન્ન કરવાનો અનન્ય આનંદ અનુભવાતો હતો. મંદિરના પરિસરમાં વિવિધ વેશભૂષામાં સજ્જ થઈને વ્રત, તપ તથા શાંતિપાઠનું ગાન કરી રહેલા બાળકો ૠષિ ગુરુકુળની સ્મૃતિ કરાવતા હતા. સૌ બાળકો પર અમીદૃષ્ટિ કરી સ્વામીશ્રી પ્રાતઃપૂજામાં પધાર્યા. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં, સ્વામિનારાયણ વિદ્યાપીઠ, કરમસદની વિદ્યાર્થિનીઓએ ભક્તિભાવ-પૂર્વક રચેલો કલાત્મક હીંડોળો શોભી રહ્યો હતો. પ્રાતઃપૂજામાં બાળકોએ મધુર સ્વરે કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીનાં ચરણે ભાવઅર્ઘ્ય અર્પણ કર્યું. 
પ્રાતઃપૂજા બાદ સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે બાળકો અહીંયાં આવ્યાં છે તે ખૂબ આનંદની વાત છે. દરેક બાળકે સ્કૂલ-કૉલેજની વિદ્યા તો ભણવાની જ છે, પણ જોગી મહારાજ કહેતા કે બ્રહ્મવિદ્યા પણ ભણવાની છે. આ સત્સંગ એ બ્રહ્મવિદ્યાની કૉલેજ છે. બ્રહ્મવિદ્યાની કૉલેજમાં સંસ્કાર મળે. ભગવાને આપણને મનુષ્યનું શરીર આપ્યું છે તો આ દેહે કરીને એવું કાર્ય કરવું કે ભગવાન અને સંત રાજી થાય ને જીવનો મોક્ષ થાય. આપણી સંસ્કૃતિ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્યદેવો ભવ, અતિથિદેવો ભવની સંસ્કૃતિ છે. માતા-પિતા, ગુરુને નમસ્કાર કરીએ તો આપણામાં સદ્‌ગુણો આવે. મા-બાપને પગે લાગવું, માબાપની સેવા કરવી, જૂઠું ન બોલવું, ચોરી ન કરવી, કોઈનું ખરાબ ન કરવું, કોઈને નુકસાન ન પહોંચાડવું આ બધા સદ્‌ગુણો છે. બ્રહ્મવિદ્યાની કૉલેજમાં આપણને આ બધાં લેસન શીખવા મળે છે.
વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ બરાબર કરવો જેથી પરીક્ષા વખતે ચોરી કરવી જ ન પડે. જે ચોરી કરીને પાસ થાય છે એનો વિકાસ ન થાય. પછી આગળ જતાં એ નોકરી-ધંધો કરે તો એમાં પણ ચોરી જ કરે. માટે જે કાર્ય કરો તેમાં સાચી મહેનત ને પુરુષાર્થ કરવો. પુરુષાર્થ કરીને જે પ્રાપ્ત થાય છે એ જ જીવનમાં સુખ ને શાંતિ આપે છે. આ વાત જીવમાં બરાબર દૃઢ હશે તો અભ્યાસ પણ સારો થશે. બાળપણથી જ આવા સારા સંસ્કાર મળે એટલા માટે આ કૉલેજ છે.
'હે ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ; ગુણ તમારા ગાઈએ, થાય અમારાં કામ.'
આ દુનિયામાં ભગવાનથી મોટા કોઈ નથી. અનંતકોટિ બ્રહ્માંડના બધા જીવોનું સંચાલન એ કરે છે. આ લોકમાં પૈસા, નોકરી, ધંધા, હોદ્દા, અધિકાર એમાં મોટપ મનાય છે, પણ એ સાચી મોટપ નથી. પણ ભગવાનના ભક્ત થયા છીએ એ સાચી મોટપ છે. પ્રહ્‌લાદજીએ નાની ઉંમરથી ભગવાનનું ભજન કર્યું, મુશ્કેલી આવી પણ ભગવાનને ન મૂક્યા તો એ અમર થઈ ગયા. એમ ભગવાનના ગુણગાન ગાઈએ તો મોક્ષ થાય. મોહ છૂટી જાય એટલે મોક્ષ.
લૌકિક જ્ઞાનની સાથે સાથે ધર્મનું જ્ઞાન હોય તો માણસ સુખી થાય. ધર્મનું જ્ઞાન ન હોય તો ભણ્યા-ગણ્યા પછી પણ એમાંથી અનર્થ ને દુરાચાર થાય છે, માટે ભગવાનના ભક્તે ભગવાન રાજી થાય એવું હંમેશાં કરવું. વચનામૃત, સ્વામીની વાતોનું જ્ઞાન હોય તો નોકરી-ધંધો કરીએ તોપણ શાંતિ થાય. દરેકે ભગવાન અને સંતે આપેલા આદેશોને જીવનમાં ઉતારવાના છે. સત્સંગ એટલે સાચો સંગ. ભગવાન સાચા છે, ભગવાનના સંત સાચા છે, ભગવાને આપેલાં શાસ્ત્રો સાચાં છે. આ બધું સાચું છે. એનો સંગ એ સત્સંગ.
સાચા સત્સંગીનું લક્ષણ શું ? તો એને હંમેશાં ભગવાનનું સ્મરણ થયા જ કરે. સર્વ ક્રિયા ભગવાનનું સ્મરણ કરીને કરે. દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ વગેરે એવા ભક્તો હતા. સંતનો સંગ આપણને એવા સાચા સત્સંગી બનાવે.
'સંત બડા પરમારથી, જાકા મોટા મન; તુલસી સબકું દેત હૈ રામ સરીખા ધન.'
સંતે ભગવાનનું જ્ઞાન આપ્યું, ભક્તિની સાચી રીત શીખવી, આત્મા-પરમાત્માનું જ્ઞાન આપ્યું - એ સાચી સંપત્તિ છે. સંત જ બધાં દૂષણોથી મુક્ત કરે છે. એમની પાસે ધનસંપત્તિ નથી, છતાં પણ એમના આશીર્વાદથી બધું મળે છે. એ પરમાર્થ કરીને આપણું જીવન સુંદર બનાવે છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ જેવા સાચા સંત આપણને મળ્યા છે. એમણે આવું જ્ઞાન આપ્યું છે તો એણે કરી આપણે સર્વ પ્રકારે સુખિયા થવાનું છે.'

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |