|  | પ્રતીક રક્ષાબંધન સભા  
         તા. ૨૨-૮-૨૦૧૦ના રોજ  બોચાસણ ખાતે સ્વામીશ્રીની પાવન નિશ્રામાં પ્રતીક રક્ષાબંધન ઉત્સવનો લાભ પ્રાપ્ત કરી  ચારુતર પ્રદેશના હરિભક્તો-ભાવિકોએ કૃતાર્થતાનો અનુભવ કર્યો હતો. મંદિરમાં રંગબેરંગી  વિવિધ રાખડીઓના શણગારથી શોભતા ઠાકોરજીનાં દર્શન કરી સ્વામીશ્રી નવા બંધાઈ રહેલા સભામંડપમાં  પ્રાતઃપૂજા માટે પધાર્યા. સ્વામીશ્રીની પ્રાતઃપૂજાથી  જ આ ઉત્સવ સભાનો આરંભ થયો. સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદ માટે ઊમટેલા હજારો હરિભક્તો-ભાવિકોથી  આ વિશાળ નવો સભામંડપ પણ નાનો લાગતો હતો. પ્રાતઃપૂજા દરમ્યાન આણંદ ક્ષેત્રના બાળમંડળના  બાળકોએ 'સ્વામિનારાયણ ચરણકમળમાં' ગીતના આધારે ભક્તિનૃત્ય રજૂ કર્યું. પ્રાતઃપૂજા પૂરી  થયા બાદ બોચાસણ અને આણંદ ક્ષેત્રના વિવિધ મંડળોના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા  કલાત્મક હાર સૌ વતી વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. રાખડીના હારમાંથી  પ્રાસાદિક રાખડીઓ પ્રાપ્ત કરીને ઉપસ્થિત સૌએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
 સભાના અંતમાં આશીર્વાદ  આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાને આપણને આ શરીર  આપ્યું, બુદ્ધિશક્તિ આપી તે ભગવાનની ભક્તિ કરીને આપણા આત્માનું કલ્યાણ થાય એના માટે  આપ્યું છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું આ દેહ બ્રહ્મરૂપ થઈ પરમાત્માની ભક્તિ કરવા માટે  મળ્યો છે.
 વેપાર-ધંધા-ખેતીવાડી  એ બધું ગૃહસ્થના ધર્મ પ્રમાણે કરીએ છીએ, પણ જ્યાંથી અચાનક ઉચાળા ભરવાના છે એના માટે  પ્રયત્ન થાય છે, અને જ્યાંથી કાયમ માટે શાંતિ મળવાની છે એને માટે ઉદ્યમ થતો નથી. માટે  આ શરીરથી એવો ઉદ્યમ કરીએ કે જેથી કાયમને માટે પરમ શાંતિ થાય, ભગવાનના શાશ્વત ધામના  સુખની પ્રાપ્તિ થાય. જેમ સંસારમાં મનાયું છે કે આ ઉદ્યમ કરીશું તો આપણો સંસાર-વહેવાર  ચાલશે, એમ જ્યાં કાયમ માટે જવાનું છે એવું ભગવાનનું ધામ એને માટે ઉદ્યમ કરવો, એને માટે  આ રક્ષાબંધન છે. રક્ષાબંધનના દિવસે રક્ષા બાંધવાની છે, આ જગતના બંધનમાંથી છૂટીને ભગવાનના  બંધનમાં બંધાવાનું છે, ભગવાને આપેલા નિયમોમાં રહેવાનું છે. સંસારમાં રહીએ પણ શાસ્ત્રોના  નિયમમાં ન રહીએ તો માયાના બંધનમાં આવી જવાય. ભગવાનના બંધનમાં રહીએ તો કાયમ માટે શાંતિ-સુખ  થાય.
 જ્યાં સુધી મારું મનાયું  છે ત્યાં સુધી દુઃખ છે. વહેવાર-સંસારમાં મોટર, બંગલા બધું દેખાય છે, પણ સુખ નથી.
 'મારું મારું કરીને  ધન મેળવ્યું, તેમાં તારું નથી તલભાર.'
 મેં જે બધું પ્રાપ્ત  કર્યું છે એ મારી બુદ્ધિથી કર્યું છે - એમ માણસ માને તો તેને અહંકાર આવે. પણ આ બુદ્ધિ  આપી છે કોણે ? એ વિચાર પહેલો કરવાનો છે. બુદ્ધિ આપનાર ભગવાન છે અને એમણે બુદ્ધિ આપી  છે એટલે આપણે કાર્ય કરી શકીએ છીએ. માટે નિરંતર વિચાર કરવો કે હું શું કરવા આવ્યો છું  ને શું થાય છે ? ભગવાને મનુષ્યનું શરીર આપ્યું છે તો સાંસારિક ઉદ્યમ કરવાની કોઈ ના  નથી, પણ ભગવાન અને સંત ભૂલાવા ન જોઈએ. એ જો ભુલાઈ જાય તો પછી જન્મ-મરણ થયા કરે છે.  એટલે આત્મા ને પરમાત્માનું જ્ઞાન થાય તો ફરી જન્મમરણના ફેરામાં આવવું પડતું નથી. મોક્ષ  થાય.
 આપણામાં ચૈતન્ય મૂકનાર  પરમાત્મા છે, એમની શક્તિથી જ બધું કાર્ય થાય છે. પાંદડાને હલાવનાર પવન છે, પણ પવનમાં  શક્તિ મૂકનાર ભગવાન છે. સૂકું પાંદડું હલાવવા માટે પણ આપણે સમર્થ નથી. પણ ભગવાને આપેલી  શક્તિનું માણસને ભાન નથી, એટલે અજ્ઞાનથી દુઃખી થાય છે. થોડી સત્તા આવે, થોડા પૈસા મળે  પછી માણસને અભિમાન આવે છે. આ અજ્ઞાન છે એટલે મારુંતારું, રાગદ્વેષ, એકબીજા પ્રત્યે  કાવાદાવા થાય છે, પણ જ્ઞાન થાય તો કોઈ જાતનો વાંધો આવે નહીં. માટે સર્વકર્તા પરમાત્મા  છે, એમાં જેટલા શ્રદ્ધા-વિશ્વાસ રાખીશું એટલું જ સુખ અને શાંતિ રહેશે.
 'સુખદુઃખ આવે સર્વ  ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ...'
 કંઈક સારું થાય ત્યારે  એમ થાય કે ભગવાને બહુ સારું કર્યું, પણ દુઃખ આવે ત્યારે થાય કે ભગવાને મારું ખરાબ કર્યું.  પણ એ બેયમાં સ્થિરતા રહેવી જોઈએ. સુખ-દુઃખરૂપી દરિયામાં તરવાનું છે. જીવનમાં સુખ આવશે  ને દુઃખ પણ આવશે, પણ એ બેયમાં બૅલેન્સ રાખવાનું છે. જનક રાજા જેવી જ્ઞાનની સ્થિતિ હોય  તો વાંધો ન આવે. 'હું આત્મા છું ને પરમાત્માની મારે ભક્તિ કરવાની છે. દેહ તો પંચભૂતનું  છે એ બળીને ભસ્મ જ થવાનું છે, પણ આત્મા બળતો નથી, નાશ પામતો નથી. એની નાત નથી, જાત  નથી, કુટુંબ-પરિવાર નથી, દેશ નથી. આત્મા તો તરત ચાલ્યો જાય છે.' - આ જ્ઞાન દૃઢ થશે  તો દુઃખ મનાશે જ નહીં.
 રક્ષાબંધનના દિવસે  ભગવાન સર્વને એવું બળ આપે કે જેથી આપણને આવું જ્ઞાન સિદ્ધ થાય ને આપણે સર્વ પ્રકારે  સુખી થઈએ, એ માટે શ્રીજીમહારાજને પ્રાર્થના છે. સર્વને ભગવાન સુખી કરે એ આશીર્વાદ છે.'
 આમ, બોચાસણના હરિભક્તોને  સત્સંગનો દિવ્ય લાભ આપી તા. ૨૩-૮-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ ભાવનગર જવા વિદાય લીધી.
 
 |  |