Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સારંગપુરમાં પ્રમુખસ્વામી મહારાજ...

તા. ૪-૯-૨૦૧૦ થી તા. ૮-૧૦-૨૦૧૦ સુધી તીર્થધામ સારંગપુરમાં બિરાજીને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે સત્સંગ-સૌરભ પ્રસરાવી દીધી હતી. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના પ્રિય સ્થાન સારંગપુરમાં સતત ૩૪ દિવસ સુધી સ્વામીશ્રીએ સંતો-હરિભક્તોને દિવ્ય સ્મૃતિઓ આપી હતી. સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન સારંગપુરમાં સદાય ઉત્સવનું વાતાવરણ રચાયું હતું. આસપાસનાં ગામોમાંથી વિશાળ સંખ્યામાં હરિભક્તોનો સમુદાય ઠાકોરજી તથા સ્વામીશ્રીનાં દર્શને ઊમટતો હતો. વહેલી સવારના આહ્‌લાદક વાતાવરણમાં સ્વામીશ્રી ભવ્ય મંદિરના વિશાળ પરિસરમાં આવેલાં વિવિધ પ્રાસાદિક સ્થાનોમાં દર્શને પધારતા ત્યારે આબાલવૃદ્ધ સૌ કોઈના હૈયે તેમના સમીપ દર્શનની ઝાંખી સદાયને માëટે અલંકૃત થઈ જતી. યુવા તાલીમ કેન્દ્રના યુવાનો મંદિર પાસેની લોન પરના સ્મૃતિવિરામ પર તથા સંતો-પાર્ષદો રૂપચોકી પરના સ્મૃતિવિરામ પર નિત્ય પ્રેરક પ્રસંગો રજૂ કરી ભક્તિ અદા કરતા હતા. પ્રાતઃપૂજા દરમ્યાન સંતો-પાર્ષદો તથા યુવકોએ કીર્તનભક્તિ રજૂ કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. સ્વામીશ્રીના નિવાસ દરમ્યાન વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ પણ અહીં પધારી ઠાકોરજી તેમજ સ્વામીશ્રીનાં દર્શન-આશીર્વાદનો લાભ પ્રાપ્ત કર્યો હતો.
આ વખતના રોકાણ દરમ્યાન સ્વામીશ્રીનાં દિવ્ય સાંનિધ્યમાં સારંગપુરવાસીઓને જળઝીલણી એકાદશી, રવિસત્સંગસભા, ભગવાન સ્વામિનારાયણ સ્મૃતિપર્વ અને બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ સ્મૃતિપર્વે વિશેષ સત્સંગ-ભક્તિનો લાભ પ્રાપ્ત થયો હતો.
તા. ૬-૯-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટના આલ્બનીમાં રચાનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. તા. ૯-૯-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન બી.એ.પી.એસ. વિદ્યામંદિરના બાળકોએ 'એવા મારા સ્વામી' મધ્યવર્તી વિચાર સાથે વિશિષ્ટ કાયક્રમો રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. તા. ૧૯-૯-૨૦૧૦ને જળઝીલણી એકાદશીના રોજ સ્વામીશ્રીએ સાંગાવદર ગામમાં રચાનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના કળશ અને ધજાદંડનું તથા રાજસ્થાનના જયપુરમાં પધરાવવામાં આવનાર શ્રી નીલકંઠવણીની મૂર્તિનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું. તા. ૧૦-૯-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજા દરમ્યાન સામશ્રાવણીના પવિત્ર પર્વે સંતો તથા સામવેદી બ્રાહ્મણોએ વેદોક્તવિધિપૂર્વક જનોઈ પરિવર્તિત કરી હતી. તા. ૨૮-૯-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ કંપાલામાં પધરાવવામાં આવનાર ઘનશ્યામ મહારાજ, ગુરુપરંપરા તેમજ પંચધાતુની નીલકંઠવણીની મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે સ્વામીશ્રીએ નીલકંઠવણી પર જલાભિષેક કરી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી હતી.
તા. ૪-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ પૂર્વ આફ્રિકાના મોમ્બાસા, વડોદરા જિલ્લાના કરજણ તથા મહેસાણાના પરાવિભાગ ઘનશ્યામ સંસ્કારધામમાં પધરાવવામાં આવનાર મૂર્તિઓનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કરી, આરતી ઉતારી, મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ જ દિવસે સ્વામીશ્રીએ ધાવટના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના સિંહાસનનું પૂજન તેમજ મહેસાણાના નાગલપુર તથા વડોદરાના સમા ખાતે રચાનાર બી.એ.પી.એસ. સંસ્કારધામની ઇંટોનું વેદોક્તવિધિપૂર્વક પૂજન કર્યું હતું.
તા. ૫-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ ઈન્દોરમાં રચાનાર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરની ઇંટોનું પૂજન કર્યું હતું.
તા. ૭-૧૦-૨૦૧૦ના રોજ સ્વામીશ્રીએ સંતોને સંસ્કૃત શીખવા માટે તૈયાર કરાયેલા વર્ગખંડનું ઉદ્‌ઘાટન કરી સૌને સ્મૃતિ આપી હતી. અહીં સારંગપુર ખાતે સ્વામીશ્રીએ આપેલા દિવ્ય સત્સંગલાભની ઝાંખી અત્રે પ્રસ્તુત છે...
આગમન :
તા. ૪-૯-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ ભાવનગરના સંતો-હરિભક્તો-ભાવિકોની ભાવભીની વિદાય લઈ વલભીપુર થઈને તીર્થધામ સારંગપુર પધાર્યા. બરાબર સવારે ૧૧:૫૦ વાગે સ્વામીશ્રીનું આગમન થતાં જ સમગ્ર વાતાવરણ અક્ષરપુરુષોત્તમ મહારાજ તથા ગુરુપરંપરાના જયનાદો અને આતશબાજીથી ગુંજી ઊઠ્યું. સૌપ્રથમ સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સ્મૃતિ મંદિરે પધાર્યા. અહીં યુવા તાલીમ કેન્દ્રના સેવકો 'સ્વાગતમ્‌ વો મહાભાગાઃ' ગીતના તાલે નૃત્ય દ્વારા  સ્વામીશ્રીના આગમનને વધાવી રહ્યા હતા. સ્મૃતિ મંદિરમાં દર્શન-પ્રદક્ષિણા કર્યા બાદ સૌનું અભિવાદન ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી મંદિરમાં ઠાકોરજીનાં દર્શને પધાર્યા. હરિકૃષ્ણ મહારાજના ખંડમાં સારંગપુર મંદિરના કોઠારી જ્ઞાનેશ્વર સ્વામીએ સ્વામીશ્રીનાં કરકમળોમાં પુષ્પહાર અર્પણ કરી સમગ્ર સત્સંગમંડળ વતી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું.
સ્વામીશ્રીના આગમનને વધાવવા અહીં નિવાસ કરતા સંતો-પાર્ષદોએ મંદિરના મુખ્ય ઘુમ્મટ હેઠળ  ભક્તિ-ભાવપૂર્વક બાર દ્વારનો વિશાળ કલાત્મક હિંડોળો રચ્યો હતો. સ્વામીશ્રીએ હિંડોળામાં બિરાજમાન ઠાકોરજીને ઝુલાવી સૌને વિશિષ્ટ સ્મૃતિ આપી. મંદિરના અંતિમ ખંડમાં જન્માષ્ટમીની સ્મૃતિ કરાવતું દૃશ્ય શોભી રહ્યું હતું. મંદિરમાં  દર્શન કરી સ્વામીશ્રી નીચે પધાર્યા ત્યારે પ્રાંગણમાં બેઠેલા ભક્તો 'આજ મારે ઘેર, થાય લીલા લહેર' એ ગીત ગાતાં ગાતાં નૃત્ય રજૂ કરીને સ્વામીશ્રીને સત્કારી રહ્યા હતા.

સૌનો ભક્તિભાવભર્યો આદરસત્કાર ઝીલતાં ઝીલતાં સ્વામીશ્રી બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અને બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના ખંડમાં દર્શન કરી,  સભામંડપમાં પધાર્યા. અહીં સાધકોએ પુષ્પની રંગોળી પૂરી હતી તેના પર અમીદૃષ્ટિ કરી. પથની બંને બાજુ બેઠેલા સાધકો ગુલાબની પાંખડીઓની વર્ષા કરીને સ્વામીશ્રીને વધાવી રહ્યા હતા. અહીં નિવાસ કરતા સંતો-સાધકોએ છેલ્લા ત્રણ દિવસથી નિર્જળ ઉપવાસ કરી વિશિષ્ટ રીતે સ્વામીશ્રીના આગમનને વધાવ્યું. આમ, સૌ પર અંતરના આશીર્વાદ વરસાવી સ્વામીશ્રી નિજ નિવાસે પધાર્યા.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |