Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

જળઝીલણી એકાદશી

તા. ૧૯-૯-૨૦૧૦ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં સારંગપુર ખાતે જળઝીલણી એકાદશીના ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. ચાર વર્ષના લાંબા વિરામ બાદ સ્વામીશ્રીના દિવ્ય સાં_નિધ્યમાં આ ઉત્સવના યજમાન બનવાનું સૌભાગ્ય સારંગપુરને સાંપડ્યું હતું.  દૂર-સુદૂરથી  હજારો હરિભક્તો આ ઉત્સવ સભાનો લાભ લેવા ઊમટ્યા હતા.
નિત્યક્રમ મુજબ સ્વામીશ્રી પ્રાતઃપૂજા માટે સભામંડપમાં પધાર્યા. આજે સભામંચે ઉત્સવને અનુરૂપ હોડીનો આકાર ધારણ કર્યો હતો. હોડી આકારના મંચની મધ્યમાં જ સ્વામીશ્રીનું આસન રાખવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં વિશાળ સમુદ્ર લહેરાઈ રહ્યો હતો. કિનારે નાંગરેલી હોય એ રીતે પૂજાની પાટની આગળની પેનલમાં દરિયાકિનારાની સ્કાયલાઇન શોભી રહી હતી. સ્વામીશ્રીના આસનની બરાબર સામે ઠાકોરજીના જળવિહાર માટે વિશાળ જળકુંડ રચવામાં આવ્યો હતો.
પ્રાતઃપૂજા દરમ્યાન સંતોએ પ્રથમ કીર્તન 'મારા કેસર ભીના કાન'નું ગાન કર્યું. કીર્તનની સમાપ્તિ પછી વિશાળ જળકુંડમાં મયૂર આકારની હોડીમાં હરિકૃષ્ણ મહારાજને પધરાવવામાં આવ્યા. ઘનશ્યામચરણ સ્વામી અને સિદ્ધેશ્વર સ્વામીએ ઉત્સવની પ્રથમ આરતી ઉતારી. ત્યારપછી હરિકૃષ્ણ મહારાજનો જળવિહાર શરૂ થયો. સંગીતજ્ઞ સંતોના સુમધુર કંઠે ગવાતા ભગવાન સ્વામિનારાયણની જળલીલાનાં દિવ્ય પદોના ગાન બાદ સંતો-હરિભક્તોએ જળવિહાર કરતા ઠાકોરજીની આરતી ઉતારી કૃતાર્થતાનો અનુભવ કર્યો.  સમગ્ર વાતાવરણ મંગલમય બની ગયું હતું.
એક પછી એક એમ ચાર આરતી પૂર્ણ થઈ. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીનાં કરકમળોમાં હરિકૃષ્ણ મહારાજની નાવની કમાન સોંપવામાં આવી. અક્ષરેશ સ્વામીના કંઠે ગવાતા 'આવ્યો શરણે હું શ્રીજી સંભાળજો રે...' કીર્તનગાનના તાલે સ્વામીશ્રી કુશળ નાવિકની જેમ વિશાળ સરોવરમાં ઠાકોરજીને જળવિહાર કરાવી રહ્યા હતા. ભક્તિભાવપૂર્વક હરિકૃષ્ણ મહારાજને જળવિહાર કરાવી રહેલા સ્વામીશ્રીના દર્શને હજારો હરિભક્તોના હૈયે સદાયને માટે દિવ્યતાનાં આંદોલનો પ્રસરાવી દીધાં.
ઠાકોરજીના જળવિહાર બાદ સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌને આશીર્વાદ પાઠવી કૃતાર્થ કર્યા. આશીર્વાદ બાદ સ્વામીશ્રીએ જળઝીલણી ઉત્સવની પાંચમી અને અંતિમ આરતી ઉતારી ત્યારે અત્ર-તત્ર-સર્વત્ર મંગલમય વાતાવરણ રચાઈ ગયું. આરતી બાદ વિવિધ મહિલા સત્સંગમંડળમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા.

બરાબર ૯:૩૦ વાગે સ્વામીશ્રીએ સભામાંથી વિદાય લીધી. ત્યારબાદ ઉત્સવમૂર્તિ સહિત હરિકૃષ્ણ મહારાજ નગરયાત્રા રૂપે ગામમાં થઈને નારાયણકુંડ આગળથી પસાર થઈને યજ્ઞપુરુષ સરોવરમાં જળવિહાર માટે પધાર્યા. અહીં ગણેશજીના વિસર્જનની સાથે જ આજના ઉત્સવ પર્વની સમાપ્તિ થઈ.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |