Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ભાગવતી દીક્ષા - સ્મૃતિ સભા

તા. ૨-૧-૨૦૧૧ના રોજ યોજાયેલી રવિસત્સંગ સભા મુંબઈવાસીઓ માટે અણમોલ સંભારણું બની રહી હતી. આજની આ સભામાં ટૂંક સમયમાં આવી રહેલા સ્વામીશ્રીના ૭૨મા ભાગવતી દીક્ષા દિન નિમિત્તે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થવાના હતા. વિશાળ યોગી સભાગૃહ ત્રણેય માળ સાથે હકડેઠઠ ભરાઈ ચૂક્યો હતો. સંધ્યા સમયે બરાબર ૬.૪૦ વાગે સ્વામીશ્રી આ વિશિષ્ટ સભામાં પધાર્યા. સ્વામીશ્રીના ૭૨મા દીક્ષા વર્ષના મધ્યવર્તી વિચાર સાથે વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ આદર્શજીવન સ્વામી લિખિત સાંસ્કૃતિક કાર્યક્રમ 'એવા સંતને નામું હું શીશ' રજૂ થયો. સંવાદ, વીડિયો શૉ અને પ્રવચનનું અદ્‌ભુત સંયોજન આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું. અક્ષરદેરીમાં સ્વામીશ્રીને ભાગવતી દીક્ષા આપવામાં આવી હતી તે પ્રસંગને સંવાદના રૂપમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શાસ્ત્રકથિત સંતલક્ષણ 'નારી નયનશર જાહી ન લાગા' એ ચોપાઈને લક્ષ્યમાં રાખી વિવેકજીવન સ્વામીએ પ્રવચન કર્યું. પ્રવચન બાદ શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં વર્ણવેલાં સંતલક્ષણોના આધારે સ્વામીશ્રીના જીવન આધારિત વીડિયો શૉ રજૂ થયો. ત્યારબાદ ભાગવતમાં વર્ણવેલાં ગુણાતીત સંતનાં લક્ષણોને મધ્યમાં રાખીને વિવેકસાગર સ્વામીએ પ્રવચન કર્યું. સ્વામીશ્રીની પરાભક્તિને નિર્દેશિત કરતા વીડિયો શોની પ્રસ્તુતિ બાદ આવા  સંતને પામીને આપણે સૌ કૃતાર્થ થયા છીએ, એ ભાવ દર્શાવતું 'આજ આનંદના સિંધુ છલકે' ભક્તિગીત સાથે નૃત્ય રજૂ થયું.
સ્વામીશ્રીએ આશીર્વાદ આપતાં જણાવ્યું : શ્રીજીમહારાજે કહ્યું છે કે, 'દાસના દાસ થઈ, જે રહે સત્સંગમાં; ભક્તિ તેની ભલી માનીશ, રાચીશ તેના રંગમાં.' અહીં દાસના દાસ થવાનું કહ્યું છે. ભગવાન શ્રીજીમહારાજ અને મોટા મોટા સંતોએ પણ દાસના દાસ થઈને સત્સંગની સેવાઓ કરી છે, નિર્માનીપણે કાર્ય કર્યું છે. એટલે આ સત્સંગનો પાયો જ છે કે ગમે તેવું હોય પણ સત્સંગમાં દાસ થઈને, નિર્માની થઈને સેવા કરીએ તો ભગવાન રાજી થાય.
'જેના નિર્માની ભગવાન, તેના જનને શીદ જોઈએ માન.'
ભગવાને નિર્માનીપણે બધું કાર્ય કર્યું છે. એનાં આખ્યાનો, દૃષ્ટાંતો આપણે બધાં સાંભળીએ છીએે, વાંચીએ છીએ. આપણો જન્મ જ એટલા માટે છે કે ભગવાન ને સંત રાજી થાય. આપણે અહીં મોજશોખ કે મોટપ મેળવવા માટે આવ્યા નથી. જોગી મહારાજની વાત તો બધા જાણીએ છીએ - જોગી મહારાજ રસોડાનું કામ કરતા, ગોંડલમાં પણ મંદિરનું કામ ચાલે તે કડિયા, સુથાર ને બધા માટે ચાર વાગે ઊઠીને પોતે રસોઈ કરે. એ વખતે લાકડાં પણ નહીં, છાણાંથી રસોઈ થાય, ધુમાડો થાય, એમાં પણ જોગી મહારાજ મહિમાથી રસોઈ કરીને બધાને જમાડતા, પછી ચોકાં સાફ કરવાનાં હોય. પણ કોઈ દિવસ એમને અભિમાન આવ્યું નથી. એમણે આપણને આ રીત બતાવી છે કે ભગવાનને રાજી કરવા હોય તો આ માર્ગે ચાલવું જોઈએ. જ્યારે એ માર્ગે ચાલીએ ત્યારે જ આપણને એ રીતની ખબર પડે છે.
આપણી પરંપરામાં પહેલેથી જ આવો નિર્માનીભાવ, દાસભાવ છે. ભગવાન કેમ રાજી થાય એ જ આપણે કરવાનું છે. આ એક જ નજર, એક જ વિચાર, એક જ ધ્યેય હોવું જોઈએ. ઘરે તો વૈભવ વગેરે બધું હોય, પણ એ બધું મૂકીને અહીં શું કરવા આવ્યા છીએ ? કેવળ ભગવાનની સેવા થાય એ માટે. આવી સમજણ હોય તો દુઃખ ન થાય.
'માન-અપમાન મેં એકતા, સુખદુઃખ મેં સમભાવ.'
માન મળે તો શ્રીજીમહારાજની ઇચ્છા, ન મળે તો પણ તેમની ઇચ્છા. જે થશે અને જે કાંઈ કાર્ય કરીએ છીએ એ ભગવાન શ્રીજીમહારાજ કરે છે એમ માનવું. આપણું નિશાન તો એક જ હોવું જોઈએ કે જે કંઈ કરીએ છીએ એ કેવળ મોક્ષ માટે, કલ્યાણ માટે, ભગવાનને રાજી કરવા માટે કરીએ છીએ. એવું બળ આપણને ભગવાન આપે એ જ પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ બાદ વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં હાર અર્પણ કર્યા. અમેરિકાથી આવેલો કેસરનો હાર અહીંના સ્થાનિક સંતોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો.

 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |