Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

રવિ સત્સંગસભા

તા. ૯-૧-૨૦૧૧ના રોજ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પાવન નિશ્રામાં યોજાયેલી રવિ સત્સંગસભામાં ઉત્તરાયણ ઝોળી પર્વના પ્રથમ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈના પ્રત્યેક સત્સંગીને ઉત્તરાયણના દાનપર્વ-ઝોળી-પર્વનો લાભ મળે એ માટે રવિવારની સતત બે સભામાં આ પર્વને વહેંચી દેવામાં આવ્યું હતું. આજે પર્વની પ્રથમ સભામાં ઊમટેલા મુંબઈ ક્ષેત્ર-૧ અને ક્ષેત્ર-૩ના સાત હજારથી વધુ હરિભક્તો-ભાવિકોથી યોગીસભામંડપમ્‌ અને પ્રમુખસદનના ત્રણેય માળ હકડેઠઠ ભરાઈ ચૂક્યા હતા. ઉપરાંત નીલકંઠવણી મંડપમ્‌ અને મંદિરના ઘુમ્મટ તળે પણ હરિભક્તોને બેસાડવામાં આવ્યા હતા. સઘળે સ્થળે મૂકવામાં આવેલા સ્ક્રીન પર આજની ઉત્સવ સભાના તેમજ ગુરુહરિનાં દર્શન-આશીર્વાદ પ્રાપ્ત કરી સૌ કૃતાર્થ થયા હતા.
સંધ્યા સમયે યોગી સભાગૃહમાં યોજાયેલી સભામાં વિવેકસાગર સ્વામીના પ્રાસંગિક પ્રવચન બાદ, શ્રીજીમહારાજ વખતના સમર્પિત હરિભક્તોનાં સમર્પણની ગાથા વર્ણવતો આદર્શજીવન સ્વામી લિખિત સંવાદ 'અક્ષરમુક્તોની અદ્વિતીય ઝોળી-સભા' રજૂ થયો.
અંતમાં સ્વામીશ્રીએ ભક્તોના સમર્પણની સરવાણી રૂપે આશીર્વાદ આપતાં જણાવ્યું : 'આજના ઉત્સવની પણ જય. અહીંના યુવકમંડળને ધન્યવાદ છે કે આ પુણ્યદાનને દિવસે એમણે બહુ સરસ રીતે રજૂઆત કરી અને આપણને પ્રેરણા આપી. ભક્તોએ ભગવાનને કેવી રીતે રાજી કર્યા છે એ બધું જોઈને ખૂબ આનંદ થયો. વચનામૃતમાં પણ શ્રીજીમહારાજે વાત કરી છે કે પોતાનું ધન-ધામ-કુટુંબ-પરિવાર ભગવાન ને સંતને અર્થે કરી રાખવું, એટલે જ્યારે જરૂર પડે ત્યારે ભગવાનને, સંતોને, મંદિરને અપાય તો એ આપણે કરી રાખ્યું કહેવાય. જ્યારે નિષ્ઠા, સમજણ ને શ્રદ્ધા હોય ત્યારે જીવમાં આવું બળ રહે છે.
ભગવાને બલિ રાજાનું સર્વસ્વ લઈ લીધું, છતાં એમના મનમાં કોઈ શંકા થઈ નહીં. જેમણે પોતાનું સર્વસ્વ આપેલું છે એમનાં નામ શાસ્ત્રમાં લખાયેલાં છે. જેને આ નિષ્ઠા થઈ છે, જેને આ જ્ઞાન થયું છે એને પુણ્યદાન આપવામાં કોઈ સંકોચ થતો નથી.
'કોઈનો પાડ ન રાખે મુરારિ, આપે વ્યાજ સહિત ગિરધારી.'
ભગવાન કોઈનો પાડ રાખે એવા નથી. જે ભગવાનને આપે છે એને તો ભગવાન અનંતગણું આપે છે. ભગવાન અંતર્યામી છે, દરેકની ભક્તિને જાણે છે, એનો ભાવ પણ જાણે છે ને એમનો રાજીપો થઈ જાય છે. એ લોકોનું કલ્યાણ કરવા માટે જ આવ્યા છે. એ તો આપે એના પર પણ રાજી થાય ને ન આપે એના પર પણ રાજી થાય, પણ અંતરનો ભક્તિ-ભાવ હોય તો એના પર બધી રીતે રાજી.
ભક્તિભાવ હોય તો શું ન થાય !? એ માટે બધું જ સમર્પણ થઈ જાય. દાદા ખાચરે પોતાનો બધો ગરાસ આપી દીધો. શ્રીજીમહારાજે એમની પરીક્ષા પણ લીધી. પણ એમને એક પણ બીજો વિચાર ન આવ્યો. સોનાની કસોટી થાય, લોખંડની કોઈ કસોટીઓ થતી નથી. એમ સાચા ભક્તોની કસોટી થઈ છે. પાંચ પાંડવોને ચૌદ વરસ વનવાસ ભોગવવો પડ્યો. અંબરીષ રાજાની પરીક્ષા થઈ. એ કસોટીમાં જે પાર ઊતરી ગયા એમનાં નામ શાસ્ત્રોમાં લખાઈ ગયાં છે. કસોટીમાં પાસ થાય તો એની કિંમત વધે છે. સોનું સોળવલું ક્યારે થાય છે ? બહુ તાપ સહન કરે ત્યારે.'
આશીર્વાદની સમાપ્તિ બાદ વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ તેમજ અહીંના સ્થાનિક સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. અંતમાં '૨૦૧૦ના સ્વામિનારાયણ પ્રકાશ'ના બાઈિન્ડગનું ઉદ્‌ઘાટન યજ્ઞસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીના હસ્તે કરાવ્યું.

 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |