Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પુષ્પદોલોત્સવ-રંગોત્સવ

તીર્થધામ સારંગપુર ખાતે પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ, પુષ્પ-દોલોત્સવના પવિત્ર પર્વે તા. ૨૦-૩-૨૦૧૧ના રોજ દિવ્ય-ભવ્ય રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના હસ્તે આધ્યાત્મિકતાના રંગે રંગાવા દેશ-વિદેશના હજારો હરિભક્તો-ભાવિકોનો પ્રવાહ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના નાનકડાં સારંગપુર ગામ તરફ વહી રહ્યો હતો. એક લાખ કરતાં વધારે ઊમટેલી ભક્તમેદનીથી સમગ્ર ગામ ઊભરાતું હતું. દૂર-સુદૂરથી મહોત્સવનો લાભ લેવા ઊમટેલા હરિભક્તો માટે બી.એ.પી.એસ.ના સ્વયંસેવકોની ફોજ ખડે પગે સેવામાં_ તહેનાત હતી. ગગનચુંબી ત્રિશિખરીય મંદિરના પ્રત્યેક ખંડમાં ઠાકોરજી આજના ઉત્સવને અનુરૂપ શણગાર સજી સૌને દર્શન આપી રહ્યા હતા.
બી.એ.પી.એસ. વિદ્યામંદિરની બાજુમાં આવેલા વિશાળ પ્રાંગણમાં ઉત્સવસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા મંચ પર નકશીકામયુક્ત ઝરૂખાઓ, ટોડલાઓ અને છજાની સુંદર પાર્શ્વભૂમાં સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં વિવિધ કળાઓ કરતા શ્વેત મયૂરો શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યા હતા. મંચની જમણી બાજુએ અક્ષરપુરુષોત્તમ મહારાજ અને ડાબી બાજુએ રંગબેરંગી ફૂલોના હિંડોળે ઝૂલતા ભગવાન સ્વામિનારાયણનાં સૌને દર્શન થઈ રહ્યાં હતાં. સભામંચથી દૂર-દૂર બેõઠેલા હરિભક્તો-ભાવિકો મંચ પર થતા વિવિધ કાર્યક્રમો અને સ્વામીશ્રીનાં સમીપ દર્શનનું સુખ માણી શકે એ માટે ઠેર-ઠેર છ વિશાળ એલ.ઇ.ડી. સ્ક્રીનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
સાંજના બરાબર ૫-૦૦ વાગે ધૂન-પ્રાર્થનાથી ઉત્સવનો પ્રારંભ થયો. વિવેકસાગર સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, ડૉક્ટર સ્વામી અને મહંત સ્વામીએ પ્રાસંગિક પ્રવચનો કર્યા અને ગુણાતીત સત્પુરુષ સ્વામીશ્રીનો કેવી રીતે લાભ લેવો તે પર સુંદર છણાવટ કરી. બરાબર ૬-૧૦ વાગે સ્વામીશ્રીનું આગમન થતાં સભાજનોએ ગગનભેદી જયનાદોથી સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. ત્યારબાદ મહંત સ્વામીએ પ્રાસંગિક પ્રવચન કર્યું.
આજના પ્રસંગે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત વિવિધ નૂતન પ્રકાશનો ઉદ્‌ઘાટિત થયાં.  (૧) બ્રહ્મસ્વરૂપ પ્રાગજી ભક્ત વિસ્તૃત જીવન ચરિત્ર - લે. હર્ષદરાય દવે, (અંગ્રેજી ભાષાંતર : અમરકાંત પારેખ, લંડન) (૨) ભગવાન શ્રી સ્વામિનારાયણનાં નારી ભક્તરત્નો, ભાગ-૧,૨,૩ (લે. સાધુ અક્ષરજીવનદાસ) (૩) સ્વપ્નવત્‌ સંસાર અને (૪) સ્વામિ-નારાયણીય અસ્મિતા (લે. સાધુ વિવેકસાગરદાસ) (૫) ઘનશ્યામ ચરિત્ર (કન્નડ ભાષામાં) (૬) યોગી ગીતા (કન્નડ ભાષામાં), (૭) યુગવિભૂતિ પ્રમુખસ્વામી મહારાજ (તેલુગુ ભાષામાં) (૮) ચાલો ઘરને મંગલ બનાવીએ (તેલુગુ ભાષામાં_), (૯) જય ગુરુદેવ હરે ! (પ્રમુખસ્વામી મહારાજનાં પ્રશસ્તિ કીર્તનોની આૅડિયો સી.ડી.) (૧૦) સંત પરમ હિતકારી, ભાગ-૨(નૃત્ય નાટિકાની આૅડિયો સી.ડી.) (૧૧) સ્વામિનારાયણ સત્સંગ દર્શન, વીડિયો ડી.વી.ડી., ભાગ ૧૧૦ (દીપાવલી તથા અન્નકૂટનાં દર્શન). ઉપરોક્ત સર્વ પ્રકાશનોનું ઉદ્‌ઘાટન લેખક અને પ્રદાન આપનારા સંતોએ સ્વામીશ્રી અને વરિષ્ઠ સંતોનાં કરકમળો દ્વારા કરાવ્યું. ત્યારબાદ વિવિધ સેવાઓ થકી ઉત્સવનો લાભ પ્રાપ્ત કરનાર હરિભક્તોની નામાવલિ રજૂ થઈ.
આજના રંગોત્સવ પ્રસંગે સ્વામીશ્રીને વધાવવા વિવિધ મંડળોમાંથી આવેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકરમળોમાં અર્પણ કર્યા. હારતોરા બાદ અક્ષરેશ સ્વામી અને કૃષ્ણપ્રિય સ્વામીના બુલંદ અવાજે ગવાયેલા 'વડતાલ ગામ ફૂલવાડીએ રે હીંડોળો આંબાની ડાળ' કીર્તનની સાથે સૌનાં હૈયાં ઉમંગથી થન-ગની ઊઠ્યાં. સમગ્ર વાતાવરણમાં ભક્તિ-સંગીતની અનેરી દિવ્યતા પ્રસરી ગઈ.
સૌ ઉપર અમૃતવર્ષા વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'આજે આટલા મોટા સમૂહની અંદર દેશ-પરદેશથી હરિભક્તો ને સંતો અહીં પધાર્યા છે. આ સ્થાન બહુ પવિત્ર છે. શાસ્ત્રીજી મહારાજ અહીં મંદિર કર્યા પછી ફૂલદોલનો સમૈયો કરતા. શ્રીજીમહારાજે પણ અહીં ઉત્સવ કરી ફગવાનો પ્રસાદ આપ્યો હતો. ઉત્તર ગુજરાતના બાઈ-ભક્તોએ માગ્યું : 'મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરનારી...' શ્રીજીમહારાજ પાસે માંગ્યું કે, તમારે ફગવા આપવા હોય તો એવા આપો કે અમારા આત્માનું કલ્યાણ થાય, જીવમાં શાંતિ થાય, આ લોક ને પરલોકમાં સુખિયા થઈએ.
ભગવાનની માયા બહુ બળવંત છે. એ માયાને પહોંચી વળવું બહુ કઠણ છે. અહં ને મમત્વ એ જ માયા. 'આ હું છું ને આ મારું છે ને હું કરું છું' એ જ માયા. પણ આપણાથી કશું થઈ શકે એવું નથી. ભગવાનની મરજી વિના એક સૂકું પાંદડું આપણાથી હાલી શકવા સમર્થ નથી. માયામાં ભલભલા ૠષિમુનિઓ પણ પડ્યા છે, એનાથી વિક્ષેપો આવ્યા છે, તો ભક્તોએ માંગ્યું કે, એ માયા અમને નડે નહીં, એ માયાને અમે તરી જઈએ, અમને વિક્ષેપ કરે નહીં, તમારાં લીલાચરિત્રો અમને દિવ્ય દેખાય. કારણ કે ભગવાનનું મનુષ્યચરિત્ર પણ દિવ્ય છે. એ જીવના કલ્યાણ માટે આવ્યા છે ને લોકોને સ્મૃતિ થાય એ રીતે કાર્ય કરે છે.
ભગવાન સર્વ કર્તા છે. જગતની રચના કરનાર પરમાત્મા છે. 'જેણે રચ્યું આ જગત, જોને જૂજવી એ જાતનું રે; જોતાં મુઝાઈ જાય મત, એવું કર્યું ભાત-ભાતનું રે'. 'આ બધું મારું છે, મેં કર્યું છે, મારાથી થયું છે' - આ અહંભાવ આવે છે, ત્યાં ઝઘડા ને ટંટા થાય છે. હરિભક્તોને એ માયા નડે નહીં એવું વરદાન શ્રીજીમહારાજે ખૂબ રાજીપાથી આપ્યું છે.'
આશીર્વાદ દરમ્યાન સ્વામીશ્રીએ સારંગપુરમાં ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે થયેલા આ મંદિરનો મહિમા પણ કહ્યો હતો. સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજની પૂજન-વિધિ કરીને આરતી ઉતારી. આરતી બાદ હરિભક્તો જે ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આવી પહોંચી. રંગોત્સવનો પ્રારંભ થયો. સૌપ્રથમ સ્વામીશ્રીએ સુવર્ણમંડિત કલાત્મક ગજરાજ ઉપર વિરાજમાન શ્રીહરિકૃષ્ણ મહારાજને પિચકારી દ્વારા અભિષિક્ત કર્યા. સામે છેડે હરિકૃષ્ણ મહારાજ પણ પિચકારી વડે સ્વામીશ્રીને રંગી રહ્યા હતા. ભક્ત અને ભગવાનની આ રંગલીલાને સૌએ વિશાળ સ્ક્રીન પર માણી. ત્યારબાદ મુખ્યમંચથી જોડાયેલું સ્વામીશ્રીનું આસન ચાલીસ ફૂટ આગળ હરિભક્તોની નજીક આવ્યું ત્યારે સૌના મુખ પર આનંદ સાથે અહોભાવ છવાઈ ગયો. સ્વામીશ્રીના હાથમાં રહેલા રિમૉટ કંટ્રોલથી બંને બાજુ પિચકારીઓમાંથી રંગવર્ષા થઈ રહી હતી.  ઊપડતી લયનાં રંગોત્સવનાં કીર્તનો સાથે હરિભક્તો આનંદ-ઉમંગથી નાચતાં નાચતાં સ્વામીશ્રીની નજીક જઈ પિચકારીના રંગે રંગાઈ આગળ વધી રહ્યા હતા. મુખ્ય-સભામંડપની બહાર નીકળતા જ છાસનું પાઉચ, ગરમ ગરમ સ્વામિનારાયણ ખીચડી,  પેયજલનું પાઉચ-ચમચી, પ્રસાદીના રંગની બોટલ, ફગવાના પ્રસાદનું બૉક્સ ગ્રહણ કરી સૌ ઉત્સવની સ્મૃતિઓને વાગોળતાં વાગોળતાં વિદાય થયા.
સ્વામીશ્રીએ ૮-૧૫ સુધી સૌ હરિ-ભક્તોને દિવ્ય રંગથી રંગ્યા. પાંચ-પાંચ યંત્રસંચાલિત પિચકારીઓ વિરાટ ભક્ત સમુદાયને કેસરિયા રંગથી તરબોળ કરી દેતી હતી. બન્ને પાંખમાંથી વહેતો ભક્ત સમુદાય જય જયકારના નાદ સાથે થનગનતો હતો. ભારત ઉપરાંત યુ.કે, યુ.એસ.એ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, યુ.એ.ઇ, આફ્રિકા, દ.આફ્રિકા, કેનેડા વગેરે દેશોના હરિભક્તોને સ્વામીશ્રીએ રંગ્યા. અને અંતમાં વડીલ સંતો સહિત ઉપસ્થિત ૫૦૦થી વધુ સંતોને સ્વામીશ્રીએ રંગભીના કર્યા.
રંગોત્સવને સફળ બનાવવા સંતોએ ખૂબ જહેમત ઉઠાવી હતી. સ્ટેજ ડેકોરેશનથી લઈને પાર્કિંગ, ઉતારા, રસોડું, પ્રસાદ-પેકેટ વિતરણ, સભાવ્યવસ્થા, રંગવર્ષણ વ્યવસ્થા - સૌમાં સંતો, સ્વયં-સેવકોનો સેવા-પરિશ્રમ દર્શાતો હતો. રસોડા વિભાગે ગરમ ગરમ સ્વામિનારાયણ ખીચડી ભક્તોને પ્લાસ્ટિક કન્ટેઇનરમાં વ્યક્તિગત રીતે મળી રહે તે માટે કમર કસી હતી. સ્વયંસેવકો-સ્વયં-સેવિકાઓ આ પ્રસાદ બોક્સનું વિતરણ કરવા બન્ને વિભાગમાં ખડે પગે રહ્યાં હતાં. મહિલાઓમાં સભાપ્રવેશ વખતે જ પ્રસાદ અપાઈ જતો હતો. પુરુષવર્ગમાં રંગાયા બાદ બહાર નીકળતી વખતે પ્રસાદ અપાતો હતો. આજના રંગોત્સવના અમી છાંટણાં લઈને બહાર આવતાં દરેક ભક્તનાં હૈયે એક જ ધ્વનિ ગૂંજતો હતો : 'અદ્‌ભુત! અદ્‌ભુત! અદ્‌ભુત!'


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |