Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સ્વાગત સભા

તા. ૨૬-૬-૨૦૧૧ના રોજ યોજાયેલી રવિ સત્સંગસભા સ્વામીશ્રીનાં સ્વાગત-સત્કાર  માટેની વિશિષ્ટ સભા બની રહી. દોઢ વર્ષના લાંબા અંતરાલ બાદ નવસારીના આંગણે પધારેલા સ્વામીશ્રીના આગમનને વધાવવા  ઊમટેલા ૧૮,૦૦૦ કરતાં વધારે હરિભક્તો-ભાવિકોમાં અનેરો આનંદ-ઉત્સાહ-ઉમંગ હતો.
સંધ્યા સમયે યોજાયેલી સ્વાગત સભામાં વિવેકસાગર સ્વામીના ઉદ્‌બોધન બાદ બાળકો-યુવકો-કિશોરોએ સ્વાગત નૃત્ય રજૂ કર્યું. નૃત્ય દરમ્યાન વિવિધ કલાત્મક હાર સંતોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં અર્પણ કર્યા. આચાર્ય સ્વામીના સ્વાગત પ્રવચન બાદ પૂર્ણકામ સ્વામી લિખિત 'મંદિરનિર્માણનાં મૂલ્યો' સંવાદ તેમજ વીડિયો શો રજૂ થયો.
આદિવાસી વિસ્તારના બોરપાડા ગામના હરીશભાઈએ પોતાના જીવન-પરિવર્તનની રજૂ કરેલી ગાથા બાદ બાળકો, કિશોરો તથા યુવકોએ 'ધજા ફરકાવો અક્ષરપુરુષોત્તમની' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું.
અંતમાં આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ ઉપસ્થિત સૌ હરિભક્તોને ધન્યવાદ આપીને જણાવ્યું, ''આપણી સંસ્કૃતિ, શાસ્ત્રો, મંદિરો અને સંતોને આપણે સાચવીએ. એમાં આપણને અને બીજા અનેકને સુખ થાય છે. ભાગવત, ગીતા, ઉપનિષદ વગેરે શાસ્ત્રો સાચાં છે. શાસ્ત્રની એ વાતોને પૂર્વે થયેલા મહાન સંતો, મહાત્માઓ, ૠષિ-મુનિઓએ પોતાના જીવમાં ઉતાર્યા પછી દુનિયાના દરેક માણસને કરી છે, એમાંથી સત્સંગ થયો છે, મંદિરો થયાં છે. વિવિધ સંપ્રદાયનાં મંદિરો થયાં છે, એનાં શાસ્ત્રોનું વાંચન પણ થાય છે, અને સારે માર્ગે ચાલીને સુખિયા અનેક લોકો થાય છે.
સ્વામિનારાયણ સંપ્રદાય એ કાંઈ નવો નથી, પણ શાસ્ત્રોક્ત છે. વેદોનો સિદ્ધાંત એમાં આવે છે. અક્ષરપુરુષોત્તમની વાત બધાં શાસ્ત્રોમાં છે, શ્રીજીમહારાજે અક્ષર-પુરુષોત્તમની એ વાત પ્રવર્તાવી. ત્યારપછી ગુરુપરંપરામાં ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજે ભીડો વેઠી, ગામેગામ ફરી, અપમાન સહન કરીને પણ સાચી વાત કરી છે. માન-અપમાન થાય, સુખ-દુઃખ આવે કે ગમે તે થાય પણ સાચી વાતમાં ડરવાનું હોય નહીં. સાચે માર્ગે ચાલીએ એટલે દુઃખ આવવાનું છે, તમે સમાજનું, દેશનું સાચું કામ કરો એમાં પણ મુશ્કેલીઓ આવે છે. ગાંધીજી, સરદાર પટેલને કેટલી મુશ્કેલીઓ આવી છે, પણ સાચી વાત હતી તો સ્વરાજ મળ્યું.
ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં શાસ્ત્રમાત્રનો સાર આપ્યો છે. તેમણે નાની ઉંમરમાં બધાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો ને કાશીમાં વિદ્વાનો સાથે ચર્ચા કરી ને વિજય મેળવ્યો હતો. તેમણે શાસ્ત્ર માત્રનો સાર કાઢીને આપણને આપ્યો કે આત્મારૂપ થવાનું ને પુરુષોત્તમની ભક્તિ કરવાની, બ્રહ્મરૂપ થવાનું ને પરબ્રહ્મની સેવા કરવાની, સ્વામીરૂપ થઈ નારાયણની ભક્તિ કરવાની. આ કંઈ નવો સંપ્રદાય નથી કે બનાવટી નથી, પણ વેદો-ઉપનિષદોનું પ્રમાણ છે. સાચું હોય તેનું પ્રવર્તન થાય, ખોટું હોય તો કોઈ પ્રવર્તન ન થાય. શ્રીજીમહારાજે શાસ્ત્રોક્ત રીતે આ સંપ્રદાય સ્થાપીને લોકોને સાચી વાત સમજાવી છે કે આપણે આત્મા છીએ, અક્ષર, બ્રહ્મ છીએ. કોઈ જાતનો અહંભાવ નહીં રાખવાનો. અહં-અભિમાન થાય એટલે તકરાર-ટંટા થાય. આપણે તો દાસ, સેવક, ïભગવાનના ભક્ત છીએ એ સમજણ હોય તો આધ્યાત્મિક માર્ગમાં કોઈ વાંધો ન આવે.
શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ પણ સેવક થઈને વર્ત્યા છે. સમૈયામાં હરિભક્તોને જમાડે, એમનાં એઠાં વાસણ સાફ કરી નાંખે, ચોકા સાફ કરી નાંખે. દાસના દાસ થઈને રહે એ મહંત છે. એ આપણો સિદ્ધાંત છે. આજે મંદિરો વધ્યાં છે ને સત્સંગ થયો છે તેનું કારણ એ જ છે કે પહેલાં પોતે દાસના દાસ થઈને વર્ત્યા છે, દરેકની સંભાળ રાખી છે.
ભગવાને આ શરીર આપ્યું છે તો એ ભગવાનના કાર્ય માટે જ વાપરવાનું છે. સમાજનાં કાર્ય કરો છો એ બરોબર છે, પણ આત્મકલ્યાણ ભગવાનની ભક્તિ કરવાથી થાય છે. ભક્તિ કરીએ તો આપણને સુખ ને શાંતિ થાય, આપણો મોક્ષ થાય. મોહનો ક્ષય એટલે મોક્ષ.  આપણે આત્મા છીએ એમ મનાશે તો દેહ-ઇન્દ્રિયોનો સદ્‌માર્ગે ઉપયોગ થશે. આત્મા-પરમાત્માનું જ્ઞાન થશે તો કોઈ દુઃખ નથી, મુશ્કેલી નથી, પણ એ ક્યારે થાય તો સત્સંગ કરે તો....
'બિનુ સત્સંગ હરિકથા, તા બિન મોહ ન જાય; મોહ ગયે બિન હોવત ન, રામપદ અનુરાગ.'
જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી બધાં દુઃખ રહેવાનાં. સત્સંગ એટલે ભગવાનને ઓળખવા, સંતને ઓળખવા. જેણે સત્સંગ કર્યો નથી એને કોઈ દિવસ સુખ થવાનું નથી. જે ભગવાનને માનતા હો, જે ધર્મમાં માનતા હો એને સમજવો જોઈએ ને એ માર્ગે ચાલવું જોઈએ તો પછી કોઈ દુઃખ નથી.''


 
 
 
 
| Home | Gujarati | Vicharan | Purva Vicharan |