Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગાંધીનગરમાં અક્ષરધામનો રાહ ચીંધતા સ્વામીશ્રી

કોલકાતાના નગરજનોને સત્સંગનો દિવ્યલાભ આપ્યા બાદ સ્વામીશ્રીએ તા. ૧૩ ડિસેમ્બરના દિવસે ગાંધીનગર તરફ પ્રયાણ કર્યું હતું. ગાંધીનગર સ્વામિનારાયણ મંદિરમાં પધારીને સ્વામીશ્રીએ ઠાકોરજીનાં દર્શન-દંડવત્‌ કરી આસન ગ્રહણ કરતાં પહેલાં ખેડા જિલ્લાના ગોપાલપુરા ગામના નૂતન મંદિરની મૂર્તિપ્રતિષ્ઠા કરી. મંચ ઉપર ડાબી તરફ ગોઠવાયેલી આરસની મૂર્તિઓ- અક્ષરપુરુષોત્તમ મહારાજ, હનુમાનજી-ગણપતિજી તેમજ ગુરુપરંપરાની પટમૂર્તિઓનું પૂજન કરીને આરતી ઉતારી હતી.
તા. ૧૪ ડિસેમ્બરને બુધવારની સાયંસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન બાદ ગાંધીનગર બાળમંડળે, 'ચલો ચલેં હમ અક્ષરધામ....' એ ગીતના આધારે નૃત્ય રજૂ કર્યું હતું. નૃત્ય પછી બાળસેવકો દ્વારા બનાવાયેલો નિયમનો હાર અગ્રેસર કાર્યકરોએ સ્વામીશ્રીને અર્પણ કર્યો હતો. આ હારમાં બાળકોએ પોતે જે જે નિયમો લીધા હતા એ નિયમો પણ લખ્યા હતા. સંતોએ વિવિધ હાર દ્વારા સ્વામીશ્રીનું અભિવાદન કર્યું હતું. બાળમંડળ દ્વારા રજૂ થયેલાં ગીતના સંદર્ભને કેન્દ્રમાં રાખીને, આશીર્વાદ આપતાં સ્વામીએ કહ્યું હતું : 'ચલો ચલેં હમ અક્ષરધામ...' આ નાદ બધે ગુંજતો જ છે. એવું અદ્‌ભુત કાર્ય થયું છે, તો દરેકના જીવમાં વાત બેસી ગઈ.
શાસ્ત્રીજી મહારાજ અક્ષરપુરુષોત્તમ ઉપાસનાના જ્ઞાન માટે બહાર નીકળ્યા. આ જ્ઞાન દૃઢ થાય એ એમનું કાર્ય હતું. આ વાત સર્વને વિશેષ દૃઢ કરવાની છે. કેટલાક કહે, એક વાત વારે વારે શું કરવી? પણ એકડો ઘૂંટવો જ પડે. આપણે છેલ્લો શ્વાસ રહે, ત્યાં સુધી અક્ષરપુરુષોત્તમનું જ્ઞાન દૃઢ કરવાનું છે. જાતની, નાતની, કુટુંબની દૃઢતા જેમ સહેજે થઈ ગઈ છે. એમ આ જ્ઞાન પણ દૃઢ થઈ ગયું હોય તો ઊંઘમાંથી ઊઠો તો પણ અક્ષરધામ. કોઈ બોલાવે તો પણ અક્ષરધામ.
શ્રીજીમહારાજે પણ કહ્યું છે 'મારું ધામ અક્ષર અમર છે અને એમાં બધાયે જવાનું છે.' એ વાત દૃઢ કરવા માટે આપણે મંદિરો કરીએ, ઉત્સવો કરીએ, કથાવાર્તા કરીએ. કુંભાર ટીપતાં ટીપતાં માટલું મજબૂત કરે છે અને એ ટીપવું જ પડે, એમ સ્વામી કહે છે આપણે કથાવાર્તાનો પણ અખાડો છે, એમાં બેસીએ તો કામ થઈ જાય.
અભ્યાસ દરરોજ કરવો પડે એમ સ્વામી કહે, 'આપણે કથાવાર્તા નિરંતર કરવી પડે.' એ જ્ઞાન થઈ ગયું પછી આનંદ, આનંદ ને આનંદ રહે.
ગ.પ્ર. ૭૧મા વચનામૃતમાં મહારાજે કહ્યું છે, 'હું અક્ષરધામમાંથી આવ્યો છુ _. મારું અક્ષરધામ પણ સાથે લાવ્યો છુ _.' મહારાજને રહેવાનું ધામ અક્ષરધામ છે અને એ શાંત ને શીતળ છે. ત્યાં તડકો નથી, વાયરો નથી, ત્યાં કોઈ મુશ્કેલી નથી અને જો એ અક્ષરધામની પ્રાપ્તિ થાય તો બીજો કોઈ વિચાર રહે નહીં.
ત્યાં તો મહારાજની મૂર્તિ છે. મહારાજે કહ્યું, 'ભગવાનની મૂર્તિમાં પાંચેય વિષયનું સુખ છે. ભગવાનની મૂર્તિમાં શાંતિ ને સુખ છે. જે જ્ઞાનની વાત છે એ સાંભળીએ ખરા, પણ થોડીવારમાં ભૂલી જવાય. જો એને વારંવાર ઘૂંટ્યા કરીએ, તો એ જ્ઞાન દૃઢ થાય.
ઘણી વખત એમ થાય કે આ તો કથાવાર્તા બહુ કરીએ છીએ, ભજન બહુ કરીએ છીએ, પણ આપણને ખબર નથી કે આપણે વધીએ છીએ. કથાવાર્તા સાંભળીએ છીએ, તો સત્સંગમાં થોડુંક વધાય છે, ને આપણા રજકણો બદલાતા જાય છે, સ્વભાવ પણ સુધરે છે. વાસના પણ જાય છે. આપણું બીજી રીતનું જ્ઞાન પણ વધતું જાય છે, પણ એ આપણને ખબર પડતી નથી.'
રાત્રિ ભોજન દરમ્યાન બાળમંડળના બાળકોએ સ્વામીશ્રી સમક્ષ પ્રવચનો અને ડિબેટ રજૂ કર્યાં હતાં. બાળકોની અભિવ્યક્તિથી પ્રસન્ન થઈ સ્વામીશ્રીએ તેઓ પર રાજીપો વરસાવીને પ્રસાદ વહેંચ્યો હતો.
તા. ૧૫ ડિસેમ્બરના દિવસે પૂર્ણિમા નિમિત્તે ગ્રામ્ય વિસ્તારથી માંડીને પૂનમિયા હરિભક્તોને સ્વામીશ્રીનાં વિશેષ દર્શન અને આશીર્વચનનો લાભ મળે એવું આયોજન કર્યું હતું.
ગાંધીનગર, કોબા તથા જાખોરા ક્ષેત્રના હજારથી વધારે હરિભક્તો સ્વામીશ્રીનો લાભ લેવા માટે ઊમટ્યા હતા. પ્રાસંગિક સભામાં કોબા ગામના કનુભાઈ પટેલ, નટુભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ, દશરથભાઈ પટેલ તથા નિર્દેશક ગણપતસિંહ સિંધા તથા દશરથભાઈએ ગામમાં સંસ્કારધામ કરવા માટેની જમીન હરિકૃષ્ણ મહારાજનાં ચરણોમાં અર્પણ કરીને સ્વામીશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. એ જ રીતે વાંકાનેરડા ગામના રમણભાઈ પટેલે પોતાના અક્ષરનિવાસી સુપુત્રની સ્મૃતિમાં સંસ્કારધામ માટે જમીન અર્પણ કરી હતી. આ અર્પણવિધિમાં દીનુભાઈ, રસિકભાઈ તથા જિજ્ઞેશ પણ જોડાયા હતા. સ્વામીશ્રીએ આ બંને ગામના સમર્પિત હરિભક્તોને આશીર્વાદ આપીને રાજીપો વ્યક્ત કર્યો હતો.
સભા કાર્યક્રમો બાદ જીવનમાં અધ્યાત્મની પ્રેરણા આપતાં સ્વામીશ્રીએ સૌ પર આશીર્વાદ વરસાવ્યા હતા.
ગાંધીનગરની કિશોરીઓએ ત્રણ દિવસના પ્રવાહી ઉપવાસ કરીને ૮૫ વચનામૃતનું સતત વાંચન કરતાં કરતાં નાડાછડીનો હાર બનાવ્યો હતો. આજે સાયંસભામાં વિવેકસાગર સ્વામીના પ્રવચન પછી એ હાર સૌ વતી ઈશ્વરચરણ સ્વામીએ સ્વામીશ્રીને અર્પણ કર્યો હતો. પરમહંસોના હિન્દી, વ્રજ તેમજ અવધ ભાષાનાં કાવ્યોનું સંકલન તથા અમુક ગુજરાતી પદોનું અક્ષરજીવન સ્વામી કૃત પદ્ય ભાષાંતર કીર્તનમાલા રૂપે સંસ્થાએ પ્રકાશિત કર્યું છે. સ્વામીશ્રીના હસ્તે અક્ષરજીવન સ્વામીએ આ પુસ્તકનું ઉદ્‌ઘાટન કરાવ્યું હતું.
તા. ૧૬ ડિસેમ્બરને શુક્રવારથી ધનુર્માસનો પ્રારંભ થઈ રહ્યો હતો. આ દિવસે સવારની પૂજા બાદ સ્વામીશ્રીએ ચરોતરમાં આવેલા પોરડા ગામના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |