Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

સુરતમાં પ્રમુખસ્વામી મહારાજના સાંનિધ્યમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જ્ઞાનયજ્ઞ

તા. ૨૬-૧૨-૨૦૦૫થી તા. ૯-૧-૨૦૦૬ દરમ્યાન પ્રમુખસ્વામી મહારાજના સુરત ખાતેના નિવાસ દરમ્યાન આ શહેરમાં ભક્તિ અને સત્સંગની જાણે ભરતી ઊમટી હતી! શહેરમાં તાપી તટે આવેલા બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરમાં સવાર-સાંજ હજારો હરિભક્તોનાં વૃંદ સ્વામીશ્રીનાં દર્શન અને સત્સંગનો લાભ માણવા માટે અહીં હિલોળા લેતો હતો. સ્વામીશ્રીના સાંનિધ્યમાં રોજ યોજાતી સાયંસભામાં વિવેકસાગર સ્વામીએ શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા પર વ્યાખ્યાનશ્રેણીનો લાભ આપ્યો હતો. દરરોજ આ વ્યાખ્યાનશ્રેણીની સાથે સાથે સ્થાનિક યુવકમંડળ તથા બાળમંડળ દ્વારા વિવિધ પ્રેરક સંવાદો-નૃત્યો વગેરેની પ્રસ્તુતિ વાતાવરણમાં નવરંગ લાવી દેતી હતી. અને સૌથી વિશેષ, સ્વામીશ્રીના નિત્ય આશીર્વાદ સૌને ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા પર વિહાર કરાવતા હતા. તેઓએ વરસાવેલી એ આધ્યાત્મિક જ્ઞાનવર્ષામાંથી કેટલાંક ચૂંટેલાં બૂંદ માણીએઃ
વિચાર સુખ-દુઃખનું કારણ છે...
''ગુણાતીતાનંદ સ્વામીએ સુંદર વાત કરી કે સુખી થવું હોય એણે પોતાનાથી દુખિયાનો વિચાર કરવો, પણ ઊંચાની વાત ન કરવી. આપણી પાસે સાયકલ હોય ને બીજા પાસે સ્કૂટર આવ્યું તો તરત થાય કે એની પાસે સ્કૂટર! પરંતુ તું સાયકલ છે એ ભોગવી લે ને! તારે જરૂર છે, એવી સગવડ ભગવાને આપી છે. સ્કૂટરવાળાને મોટરનો વિચાર આવે. એટલે દુખિયો ને દુખિયો રહે. 'જે ગરીબ છે, ખાવા મળતું નથી, ભીખ માગે છે, ફૂટપાથ પર રહે છે, એના કરતાં તો હું નાના મકાનમાં રહું છુ _, સુખેથી રોટલો મળે છે,' એ વિચાર હોય તો કેટલી ચિંતા મટી જાય ? માણસ વાંક કાઢે ભગવાનનો કે હું આટલું ભજન કરું છુ _ તો પણ ભગવાને મારું કાંઈ કર્યું નહિ. પણ ભગવાનનો વાંક નથી, આપણાં કર્મ પ્રમાણે ફળ મળે છે. બાજરી વાવો તો બાજરી મળે. બાવળિયા વાવો તો કાંટા વાગે. જેવું કર્મ કરશો એવું ફળ મળશે. જેને હાથ, પગ, આંખો નથી, દવાખાનામાં પડ્યા છે એના કરતાં આપણે સારું છે ને! આ વિચાર હોય તો હંમેશાં સુખિયા. સંપત્તિ વધે છે એ સુખનું કારણ નથી, પણ સંપત્તિ ઓછી હોય તેમાં પણ આપણે કેવી રીતે જીવવું એ વિચાર સુખનું કારણ છે. ભગવાન કીડીને કણ ને હાથીને મણ આપે છે, પણ માણસને અધૂરું જ લાગે છે, એટલે દુઃખી થાય છે, પણ સંતોષી સદા સુખી. બધા વિચારો મૂકીને એક જ વિચાર કરવો કે ભગવાન ભજીને સુખિયા થવું, એમાંથી તૃપ્તિ થશે. બાકી અનંત વિષય ભોગવો, તો પણ એમાં તૃપ્તિ નહિ થાય, અશાંતિ રહેશે.''
આ છે સત્સંગની વ્યાખ્યા...
''સત્‌ એવા સત્પુરુષ જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ એવા અનેક ગુણો છે, એમનો સમાગમ કરવો એ સત્સંગ. એમનો નિર્દોષભાવે સંગ કરવો એ સત્સંગ. એ જે કહે છે એ સાચું છે એ માનવું એ સત્સંગ. જે આત્મા-પરમાત્માનું સત્ય જ્ઞાન આપે એવાં શાસ્ત્રો એ સત્શાસ્ત્રો. એમાં લખેલી વાત સાચી છે. ભગવાન સાચા છે, ભગવાન જેવી વસ્તુ છે એ વિશ્વાસ બેસવો એ શાસ્ત્રોનો સમાગમ થયો કહેવાય. સત્‌ પરમાત્મા, એમણે કહેલાં સત્‌ શાસ્ત્રો, એમણે કહેલો સત્‌ ધર્મ એ દૃઢ કોણ કરાવે? સત્‌ એવા સત્પુરુષ. એ માયાથી છોડાવે છે.
માયા એટલે સ્ત્રી એમ સૌ કહે છે. પણ સ્ત્રી એ માયા નથી, ભગવાન ભજવામાં આડું આવે એ માયા. પછી એ છોકરાં, બૈરાં, સગાંવહાલાં, પૈસા, નોકરી, વેપાર, ધંધો- જે હોય તે. આવો સત્સંગ કરવામાં આડાં આવે એ માયા. અત્યારે જોગી મહારાજ આપણને એવા સત્પુરુષ મળ્યા છે. એમના સમાગમમાં રહીને સત્સંગપ્રધાન, ભક્તિપ્રધાન રાખીને વહેવારનું કાર્ય કરીએ. આવી અલૌકિક બ્રાહ્મી સ્થિતિ પામીએ તો સંસારમાં રહેવા છતાં આનંદ, આનંદ ને આનંદ રહે છે.''
(તા. ૨૭-૧૨-૨૦૦૫)
ભગવાન ભક્તની કસોટી કરે ...
''દુનિયાની પરીક્ષામાં તો પાસ થઈએ છીએ, પણ ભગવાનની પરીક્ષામાં પાસ થઈ જઈએ તો સુખિયા થઈ જવાય. સત્સંગીને દુઃખ આવે ત્યારે કોઈ કહેશે આટલાં ભક્તિ-સત્સંગ કરો છો તો પણ કેમ આમ? પણ પરીક્ષા કોની લેવાય? સ્કૂલમાં છોકરો ભણતો હોય એની પરીક્ષા લેવાય. બ્રહ્મજ્ઞાન મેળવવું છે, આત્મા-પરમાત્માનું જ્ઞાન દૃઢ કરવું છે તો ભગવાન આ બધી પરીક્ષાઓ લેશે. એ પરીક્ષામાં સારધાર ઊતરે તેને ભગવાન સુખિયો કરે, ન્યાલ કરી મૂકે. દાદાખાચરને ત્યાં શ્રીજીમહારાજ કાયમ રહ્યા તો પણ વહેવારિક ઉપાધિ હતી. મહારાજ કહે, 'અમારે લઈને તમારે દુઃખ આવે છે માટે અમે બીજે જઈએ.' દાદાખાચર કહે, 'મહારાજ ! તમે છો એ જ અમારે સુખ છે. વાદળ જેવાં દુઃખ આવશે તો એ સહન કરીશું, પણ તમે અહીંથી જશો તો એ દુઃખ અમારાથી સહન નહીં થાય. તમારે લઈને અમે જીવીએ છીએ.' ભક્તને મુશ્કેલી આવે તેમાં, એ ભગવાનનો મહિમા કેટલો સમજ્યો છે, ભગવાન વિષે કેટલું હેત છે, એમના વચનમાં કેટલો વિશ્વાસ છે- એ જોવા માટે જ કસોટી થાય. ખીલો ખોડવા માટે હલાવીને મજબૂત કરે. એમ ભગવાન ભક્તને હલાવે. એ પરીક્ષા થાય છે, એ આપણા સારા માટે થાય છે. ભગવાન કોઈનું નખ્ખોદ વાળવા આવ્યા નથી. એ તો બધાને શાંતિ ને સુખ આપવા આવ્યા છે.''
(તા. ૨૮-૧૨-૨૦૦૫)
ભક્ત ભગવાન નથી બનતો...
તા. ૨૯-૧૨-૨૦૦૫ના રોજ સુરતના બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરનો નવમો પાટોત્સવ ઊજવાયો હતો. પાટોત્સવની પ્રાસંગિક સભામાં આજના પાટોત્સવના યજમાન જીતુભાઈ, જયેશભાઈ આશાભાઈ પટેલે આશીર્વાદ મેળવ્યા હતા. સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ કહ્યું, ''બ્રહ્મરૂપ થઈ ભગવાનની ભક્તિ કરીએ એ માટે શાસ્ત્રીજી મહારાજે ભક્ત અને ભગવાનનાં યુગલ સ્વરૂપો પધરાવ્યાં છે. ભક્ત ક્યારેય ભગવાન થઈ શકતો નથી. અત્યારે ઘણા વાત કરે છે કે શાસ્ત્રીજી મહારાજ ભગવાન થયા છે, યોગીજી મહારાજ ભગવાન થયા છે, પણ શ્રીજીમહારાજે વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાનને લઈને મુક્તાનંદ સ્વામીને ભગવાન કહેવાય, પણ ભગવાન વિના અક્ષરને પણ ભગવાન કહેવાતા નથી. અક્ષર તો શ્રીજીમહારાજના સેવક છે. અક્ષર અને પુરુષોત્તમની મૂર્તિઓ પધરાવી એટલે કેટલાક કહે, 'આ તો બે ભગવાન પધરાવ્યા, પણ રાધાકૃષ્ણ પધરાવ્યા એટલે બે ભગવાન થયા? નરનારાયણ પધરાવ્યા તો બે ભગવાન થઈ ગયા? એક સેવક છે અને એક ભગવાન છે, પણ લોકો સમજ્યા વગર ગોટાળે ચઢાવી દે. પણ વચનામૃતના આધારે દૃઢતા કરી હોય તો વાંધો ન આવે. શ્રીજીમહારાજ સર્વોપરિ છે, ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર છે, સત્પુરુષ- શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મોક્ષનું દ્વાર છે, એ દૃઢતા હોય તો કોઈ ફેરફાર થાય નહિ. એને વચનામૃત-સ્વામીની વાતોનો આધાર છે. નિષ્ઠા અને નિયમધર્મ રાખશો તો બધી સુખ-શાંતિ પ્રાપ્ત થશે ને ભગવાન આપણા પર રાજી થશે.''
(તા. ૨૯-૧૨-૨૦૦૫)
પ્રત્યક્ષ ભગવાનને ઓળખવા...
''ભગવાનનું સ્વરૂપ નિર્દોષ છે, એ પ્રતાપી છે, એ ન સમજાય ત્યાં સુધી બધું અધૂરું છે. ભગવાન પ્રત્યક્ષ મૂર્તિમાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર હોય એ જ્યારે ન ઓળખાય ત્યારે મોક્ષનું કામ રહી જાય. વિભીષણે અને હનુમાનજીએ રામને ઓળખ્યા. ગોપીઓએ નિર્દોષભાવે ભક્તિ કરી તો નામ લખાઈ ગયું. ભગવાન પ્રગટ થાય છે ત્યારે આપણા જેવા મોહ-મમતા, આસક્તિ બતાવે, પણ આપણને દિવ્ય કરવા એવાં ચરિત્ર કરે છે.'' (તા. ૩૦-૧૨-૨૦૦૫)
આજ્ઞા પળાય તેટલી શાંતિ...
આજે સભામાં અહીંના યુવકોએ લસણ, ડુંગળી ખાવા કે નહીં? એ વિષયક ડિબેટ રજૂ કરી. તેને લક્ષમાં રાખીને સ્વામીશ્રીએ જણાવ્યું: ''ભગવાનથી કોઈ પર નથી. ભગવાનની બુદ્ધિથી પર કોઈની બુદ્ધિ નથી. આપણી બુદ્ધિ બહુ સીમિત છે. દુનિયામાં, આકાશ-પાતાળમાં શું થાય છે? એમાં આપણી બુદ્ધિ ચાલતી નથી. આજે વિજ્ઞાનને પણ કહેવું પડ્યું કે કોઈ મહાન શક્તિ આ બ્રહ્માંડોના તંત્રનું સંચાલન કરે છે. વિજ્ઞાની, બુદ્ધિશાળી માણસોને પણ ભગવાનની રચના માટે થયું કે કોઈક શક્તિ હલનચલન કરાવે છે, આ બધું તંત્ર ચલાવે છે. એ શક્તિ એટલે ભગવાન. સર્વથી પર એ ભગવાનના કાયદા પાળવા જોઈએ.
આ દુનિયાના મનુષ્યે કરેલા કાયદા પાળવા પડે છે. મનુષ્યના કાયદામાં તો ફેરફાર થાય. પરંતુ ભગવાનના કાયદામાં ફેરફાર ન થાય.
સૂર્યની મહત્તા શા માટે વધી છે? ભગવાનના આદેશનું પાલન કરવાથી. સૂર્ય ટાઈમે ઊગે ને આથમે, પૂરેપૂરો ટાઇમ સાચવે. ભગવાનની આજ્ઞા પાળી છે એટલે એને આટલો પ્રકાશ મળ્યો છે. ભગવાનથી પર કોઈ નથી, એટલે એમણે જે આપણને આદેશ આપ્યો હોય એ આપણા માટે શિરોમાન્ય. પછી ભલે એમાં મુશ્કેલી ને સુખદુઃખ આવે, પણ એમાં શાંતિ થાય છે. આજ્ઞા પાળતાં દેહ પડે તો ભલે ને પડે. શ્વાસ એક દહાડો નીકળી જ જવાનો છે. તો પછી ભગવાનની આજ્ઞાનો શા માટે લોપ કરવો? એનાથી મૂળ શાંતિ, કલ્યાણ, મોક્ષ થતું નથી.
ભગવાનની આજ્ઞા પર તાન રાખવું. દુનિયાની વાતોથી ભરમાવાની કાંઈ જરૂર નથી. ભગવાનથી પર કોઈ નથી. શિક્ષાપત્રીમાં શ્રીજીમહારાજે શું ખાવું અને શું ન ખાવું તેની આજ્ઞા કરી છે. વાંચશો તો ખબર પડશે, પણ આ તો લગ્નમાં જઈને, પાર્ટીમાં જઈને ખાવા-પીવાની વાત કરે. પણ અલ્યા, ભઈ! આપણે ખવાય જ નહીં. ભગવાનની આજ્ઞા પળાશે એટલી અંતરે શાંતિ. ભગવાનની આજ્ઞા લોપાશે એટલી અશાંતિ થશે. અત્યારે તો લોકો એટલું ચિત્રવિચિત્ર લખે છે કે ગૂંચવાડો થઈ જાય. આમાં આ લાભ છે, તે લાભ છે. પણ લાભ તો ભગવાનની આજ્ઞા પાળવામાં છે. એ દૃઢતા થવી જોઈએ, ગમે ત્યાં જઈએ તો પણ એનો ત્યાગ એટલે ત્યાગ. એમાં મરી જવાના નથી, ભગવાન સાચવે છે.''
(તા. ૩-૧-૨૦૦૬)
પછી ભગવાન ક્યાંથી દેખાય!
''ભગવાનને મળવું હોય તો એવા સદ્‌ગુરુ સંત પાસે જવું પડે, જેને આ જગતમાં મોહ, આસક્તિ, મારુંતારું, છળ, કપટ, પ્રપંચ નથી, કેવળ ભક્તિપરાયણ જીવન છે, જેણે ભગવાન વશ કર્યાછે, જેને રૂંવાડે રૂંવાડે ભગવાન છે, પોતે ભગવાનનું સુખ લે છે ને બીજાને આપે છે. એવા સંત મળે તો ભગવાનનો ભેટો થાય, બાકી ન થાય. આ શાસ્ત્ર માત્રનો સાર છે.
ભગવાન તો કોઈ પણ સ્વરૂપે આવે. ગરીબ વેશમાંય આવે. જ્યાં સુધી આપણી દૃષ્ટિ દિવ્ય નથી થઈ ત્યાં સુધી ભગવાન ઓળખાય નહીં. યોગીજી મહારાજ જેવા સંતથી એવી દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. બાકી દરેકના દોષ-અવગુણ જોવા, દરેકને હેરાન-પરેશાન કરવા, એની મિલકત લઈ લેવી, બનાવટ કરવી, લાંચ લેવી, ખોટું કરવું, પ્રપંચ ને પ્રપંચ, પછી કોઈ કહે કે મને ભગવાન નથી દેખાતા. પરંતુ ક્યાંથી દેખાય? કર્મ એવાં છે પછી ભગવાન દેખાતા હશે ?''
(તા. ૪-૧-૨૦૦૬)
હૃદયમાંથી રાવણરાજ કાઢો...
''આજના પશ્ચિમના વાતાવરણથી બચવા માટે આ સત્સંગસભા અને ઘરસભા છે. ઘરસભામાં બધાં ભેગાં બેસો. ભેગા બેસવાથી મન નજીક આવે, વિચારો એક થાય, જીવનમાં સરળતા આવે. ઘરમાં સાથે બેસીને જમતાં હોય તો એનાં મન પણસાથે રહે. બાર બાર વાગ્યા સુધી બહાર ફરે તેથી ઘરમાં ભેગાં બેસીને વાત થવી જોઈએ તે થતી નથી. છોકરાના ભણવાના પ્રશ્નોની વાત થતી નથી. પછી ગુસ્સો આવે ને મર્યાદા ન રહે. તેમાંથી ક્લેશ અને કંકાસ થાય.
અત્યારે ઘર-ઘરમાં રાવણરાજ બેઠું છે, એટલે ક્લેશ-કંકાસ થાય છે. વહેવારમાં, સંસારમાં, રાજમાં કેમ રહેવું એ હૃદયમાં રામ બેઠા હોય તો સૂઝ õ, પણ અંદર રાવણ બેઠો હોય તો ધડાકા જ થાય. હૃદયમાંથી રાવણને નહીં કાઢો ત્યાં સુધી શાંતિ નહીં થાય.
(તા. ૬-૧-૨૦૦૬)

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |