Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

વિનાશક સુનામી હોનારતમાં તારાજ થયેલાં બે ગામોને દત્તક લઈને નવનિર્માણ કરી લોકાર્પણ કરતા પ્રમુખસ્વામી મહારાજ

ઓગષ્ટ ૨૦૦૬માં દક્ષિણ ભારતની સત્સંગ યાત્રાએ પધારેલા પ્રમુખસ્વામી મહારાજે તામિલનાડુ રાજ્યના ગર્વનર શ્રી સુરજિતસિંહ બરનાલાની ઉપસ્થિતિમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાએ દત્તક લીધેલાં સુનામીગ્રસ્ત ગામોનું નવનિર્માણ કરીને તેનું લોકાર્પણ કર્યું હતું. પટ્ટીપુલમ્‌ કુપમ્‌ અને મહાબલીપુરમ્‌ કુપમ્‌ના નવસર્જન પામેલા આ બે ગામોના લોકાર્પણ સમારોહની એક ઝલક...

દક્ષિણ ભારતના દરિયાકાંઠે આવેલાં ગામોના રહેવાસીઓ એ ગોઝારી ઘટનાને ક્યારેય ભૂલી નહીં શકે. દરિયાઈ વાવાઝોડા સુનામીએ સર્જેલી તારાજી યાદ આવતાં જ પટ્ટીપુલમ કુપમ અને મહાબલીપુરમ કુપમગામના રહેવાસીઓ આંસુ લુછતાં કહે છે, 'આજથી બે વર્ષ પૂર્વે સુનામીનાં વિનાશક દરિયાઈ મોજાં મૌત અને તબાહી લઈને અમારા ગામ પર ફરી વળ્યાં હતાં. અમે અચાનક જ સાવ અનાથ થઈ ગયા હતા. પણ, આજે બે વર્ષ પછી કરુણાભીના સંતના આશિષ રૂપી મોજાંઓએ અમારામાં નવજીવન અને આશાનો સંચાર કર્યો છે.' આજથી બે વર્ષ પૂર્વે અહીં સુનામીએ સર્જેલા તાંડવ અને ગામવાસીઓના રુદન સિવાય કાંઈ દેખાતું નહોતું, ત્યાં આજે કિલ્લોલ કરતાં બાળકો, જોમથી છલકાતા યુવાનો અને હાશ અનુભવતા વડિલો નવસર્જન પામેલા ગામમાં નિરાંત અનુભવે છે. જેનું શ્રેય તેઓ પ્રમુખસ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાને આપે છે.
આજથી બે વર્ષ પૂર્વે ભારતના દક્ષિણ દરિયાઈ કાંઠે સર્જાયેલા સુનામી વાવાઝોડાએ અનેક ગામોને ધ્વસ્ત કરી દીધાં હતાં. પળવારમાં તો ગામોના ગામ ભાંગી ગયાં હતાં. તે સમયે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વડા પ્રમુખસ્વામી મહારાજે સંસ્થાના સંતો અને કાર્યકરોને દક્ષિણ ભારતનાં અસરગ્રસ્ત ગામોમાં રાહતકાર્યો માટે જોડી દીધા હતા. સ્વામીશ્રીના આદેશને અનુસરતા સ્વંયસેવકોએ તામીલનાડુ અને પોંડિચેરીનાં ૫૧ ગામોમાં રાહતસામગ્રીઓનું વિતરણ કર્યું હતું. સંસ્થાના ૨૦ જેટલા સ્વંયસેવકો આંદામાન - નિકોબાર ટાપુ પર સુનામીગ્રસ્ત વિસ્તારોમાં સેવા આપી રહ્યા હતા.
પ્રમુખસ્વામી મહારાજના આદેશથી સંતો અને સ્વંયસેવકોની ટીમે સતત ૩૭ દિવસ સુધી ફૂડપેકેટ્‌સ ઉપરાંત કુલ ૧,૭૪,૦૦૦થી વધુ લોકોને ગરમાગરમ, ભોજન પૂરું પાડ્યું હતું. રાહતકાર્યોનો આ તબક્કો પૂર્ણ થતાં પુનર્વસનનો તબક્કો બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આરંભાયો હતો.
સંસ્થા દ્વારા દત્તક લેવાયેલાં તામિલનાડુનાં બે સુનામીગ્રસ્ત ગામો પટ્ટીપુલમ્‌ કુપમ્‌ અને મહાબલીપુરમ્‌ કુપમ્‌ ગામનું નવનિર્માણ કરવામાં આવ્યું. પ્રમુખસ્વામી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ સંતો અને સંસ્થાના સમર્પિત હરિભક્તો, એન્જિનીયરોની ટીમે આ બે ગામોની કાયાપલટ કરી નાંખી. મજબૂત અને ટકાઉ મકાનોના નિર્માણ સાથે આદર્શ ગામની પરિકલ્પના પણ અહીં સાકાર કરી. ઈલેકટ્રિકસીટીથી લઈને ફર્નિચર અને અન્ય ઘરસામગ્રીઓ સાથેની સંપૂર્ણ સુવિધા ધરાવતાં કુલ ૨૪૫ પાકાં મકાનો સંસ્થા દ્વારા નિર્માણ પામ્યાં હતાં. આ કાર્યમાં સંસ્થાને રાજ્ય સરકારની સાથે જિલ્લા અને તાલુકા પંચાયત તેમજ ગામવાસીઓનો અન્ય સહયોગ પણ પ્રાપ્ત થયો હતો. જેમાં પટ્ટીપુલમ કુપમ ગામમાં ૧૪૫ અને મહાબલીપુરમ કુપમ ગામમાં ૧૦૦ મકાનો બાંધવામાં આવ્યાં હતાં.
તા. ૨૫-૮-૨૦૦૬ના રોજ ચેન્નાઈ પધારેલા પ્રમુખસ્વામી મહારાજનાં કરકમળો દ્વારા તામિલનાડુ રાજ્યના ગર્વનર શ્રી સુરજિતસિંહ બરનાલાની ઉપસ્થિતિમાં નવસર્જન પામેલાં આ બે ગામોનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં કાંચીપુરમ્‌ જિલ્લાના કલેક્ટર પ્રદીપ યાદવ થીરુ, થીરુપુરુર વિસ્તારના ધારાસભ્ય થીરુ ડી. મૂર્તિ, અન્ય મહાનુભાવો તેમજ ૨,૦૦૦ ગામવાસીઓની ઉપસ્થિતિમાં પટ્ટીપુલમ કુપમ ગામમાં લોકાર્પણ સમારોહ રાખવામાં આવ્યો હતો.
સમારોહનો આરંભ બરાબર ૧૦.૩૦ વાગ્યે સંતોના કંઠે વેદ•ચાઓના ગાન અને દક્ષિણ ભારતીય નાદસ્વરમના ગુંજન સાથે થયો હતો. સત્કારવિધિ પૂર્ણ થયા પછી બી.એ.પી.એસ. સંસ્થા વતી બ્રહ્મવિહારી સ્વામીએ સુનામીગ્રસ્ત વિસ્તારોમાં સંસ્થા દ્વારા કરવામાં આવેલા રાહતકાર્યોનો ચિતાર આપ્યો હતો.
પ્રમુખસ્વામી મહારાજના સેવાકાર્યને બિરદાવતા ગર્વનર શ્રી સુરજિતસિંહ બરનાલાએ ઉપસ્થિત સમુદાયને જણાવ્યું કે 'જ્યારે પણ આપણા દેશ પર કુદરતી આપત્તિ આવે છે ત્યારે આપણાં દેશબાંધવો અસરગ્રસ્તોને અડીખમ ટેકો આપે છે. આ આપણાં ભારતીય લોકોની મહાનતા છે. જ્યારે અહીં સુનામીએ કાળો કેર વર્તાવ્યો ત્યારે દેશના ખૂણેખૂણેથી સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓએ ફૂડપેકેટ્‌સથી લઈને આવશ્યક રાહતસામાગ્રીઓ પહોંચાડી હતી.
આજે, અહીં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા અને બી.એપી.એસ. કેર ઈન્ટરનેશનલ-યુ.એસ.એ.ના ઉપક્રમે સુનામીગ્રસ્ત લોકો માટે તૈયાર કરવામાં આવેલા નૂતન મકાનો જોઈને અહોભાવ અનુભવું છુ. મને બેહદ ખુશી ત્યારે થઈ, જ્યારે મેં જાણ્યું કે કુદરતી આપત્તિ બાદ માત્ર ૨૦ મિનીટ પછી તરત જ આ સંસ્થા દ્વારા રાહતકાર્ય આરંભી દેવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓએ આ કપરા સમયમાં રાહતસામગ્રીઓ, બાળકો માટે સ્કુલ બેગ્સ, નોટબુક્ તેમજ આશા ગુમાવી બેઠેલા તમામ લોકોને હિમંત આપીને બેઠા કર્યા હતા.'
આ સેવાકાર્યમાં જોડાયેલા હરિભક્તોને ધન્યવાદ આપીને પ્રમુખસ્વામી મહારાજે આશીર્વચનો ઉચ્ચારતાં કહ્યું, 'આપણી ભારતીય સંસ્કૃતિ અન્યની સેવા કરવાની શીખ આપે છે. દુઃખી માણસને મદદ કરવી એ સંસ્કાર આપણને વારસામાં મળેલા છે. જનહિતાય અને આત્મકલ્યાણ માટે જ આ મનુષ્યશરીર છે. અહીં સુનામી હોનારત પછી અનેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ મદદ માટે દોડી આવી હતી. ભગવાનની કૃપાથી સરકાર અને અન્ય સંસ્થાઓના સહકારથી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પણ એક સુંદર કાર્ય થયું છે. આજે ભગવાનને એટલી પ્રાર્થના કરીએ કે આવું દુઃખ ફરી કોઈને આવે નહીં. તેમજ ભગવાનની પ્રાર્થનાનું બળ સૌને મળી રહે.' સ્વામીશ્રીના આશીવર્ચનની સમાપ્તિ સાથે સમારોહની પૂર્ણાહુતિ થઈ. પુનઃનિર્માણ પામેલા ગામમાં વસવાટ કરવા જઈ રહેલા પ્રત્યેક ગામવાસી નવી આશા સાથે નવજીવન પ્રાપ્ત કરી રહ્યાની લાગણી અનુભવી રહ્યા હતા.

 
 
 
 
| Home | Gujarati | VIcharan | Purva Vicharan |