વધુ બે તામિલ ગામોમાં નૂતન હરિમંદિર  
         ભારતીય  સંસ્કૃતિના આધારસ્તંભ સમાં મંદિરોના નિર્માણ દ્વારા પ્રમુખસ્વામી મહારાજે દેશ અને વિદેશમાં  વર્તમાન અને આવનારી પેઢીમાં ભક્તિ અને નૈતિક મૂલ્યોનો વારસો આપ્યો છે. તાજેતરમાં પ્રમુખસ્વામી  મહારાજે દક્ષિણ ભારતનાં બે તામિલ ગામો કૃષ્ણન્કારણી અને વિલિનૂરમાં રચાયેલાં બી.એ.પી.એસ.  સંસ્કારધામ-હરિમંદિરોની મૂર્તિઓમાં પ્રાણ પૂર્યા હતા..  
તા.  ૨૯-૮-૦૬ના રોજ ચેન્નાઈ ખાતે બિરાજમાન સ્વામીશ્રીના હસ્તે આ બે ગામોના મંદિરોની મૂર્તિઓની  વૈદિક પ્રતિષ્ઠાપૂજનવિધિ તેમજ આરતી સંપન્ન થઈ હતી. કૃષ્ણન્કારણી ગામમાં નિર્માણ પામેલા  આ સંસ્કારભવનમાં સંસ્કૃતિપ્રેરક પ્રવૃત્તિઓની સાથે અન્ય સામાજિક કાર્યોને અનુલક્ષીને  વિશેષ આયોજનો પણ આકાર પામશે. 
પોંડિચૅરીથી  દશેક કિલોમીટરના અંતરે આવેલા વિલિનૂર ગામમાં સંતોના વિચરણ અને સ્થાનિક યુવાન હરિભક્તોના  પુરુષાર્થથી આજથી પાંચ વર્ષ પૂર્વે સત્સંગનાં બીજ નંખાયાં હતાં. સમયાંતરે અહીં યુવાનો  અને સદ્ગૃહસ્થોમાં નિયમિત સત્સંગસભાઓ થતી ગઈ. સને ૨૦૦૩માં સ્વામીશ્રીએ પણ અહીં પધારીને  સૌને પ્રેરણા અને માર્ગદર્શન આપ્યાં હતાં. સ્વામીશ્રીના દિવ્ય પ્રભાવથી વર્ષોથી માંસાહાર  કરતા આ સ્થાનિક લોકો માંસાહારનો ત્યાગ કરીને, સ્વામિનારાયણીય વર્તમાન અપનાવીને શુદ્ધ  શાકાહારી જીવનની સાથે ભક્તિસભર અને મૂલ્યસભર જીવન જીવી રહ્યાં છે. 
આ મૂર્તિપ્રતિષ્ઠા  પ્રસંગે પધારેલા બંને ગામના હરિભક્તોને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા હતા. 
                  
         |