Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

ગુરુભક્તિ દિન

તા. ૩-૭-૦૭ના રોજ સ્વામીશ્રીની પ્રાતઃપૂજામાં શતાબ્દી નિમિત્તે યોજાયેલી કલા-સ્પર્ધામાં બી.એ.પી.એસ.ની પ્રગતિ, શાસ્ત્રીજી મહારાજનું કાર્ય અને વેઠેલો ભીડો તથા સ્વામીશ્રીનું કાર્ય અને વેઠેલા ભીડા જેવા વિવિધ વિષયો પર છ વર્ષથી માંડીને તેર વર્ષનાં બાળ-બાલિકાઓએ પોતાની કલ્પના અનુસાર સુંદર ચિત્રો, ક્રાફ્ટવર્ક અને કાર્ડ બનાવીને સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી.
આજે સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનાં દર્શને જેક્સનથી ૧૦૦થી વધારે હરિભક્તો ૮૦૦ કિ.મી.નો પ્રવાસ ખેડીને આવ્યા હતા. પ્રાતઃપૂજા બાદ સ્વામીશ્રીએ જેક્સનના યુથ સેન્ટર અને સેન એન્ટોનિયોના નૂતન વિકાસ માટે પરિસરના નવા વિભાગોનું વેદોક્ત-વિધિપૂર્વક ખાતમુહૂર્ત કર્યું હતું.
આજે મંદિરમાં ઠાકોરજી સમક્ષ અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. સંતો-ભક્તોએ જુદાં જુદાં થાળનું ગાન કરીને ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો હતો. સ્વામીશ્રીએ અન્નકૂટોત્સવની આરતી ઉતારી ઠાકોરજીને વધાવ્યા હતા.
આજે હ્યુસ્ટનમાં નીલકંઠ વણીની મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરીને સ્વામીશ્રીએ ભારતીય ભક્તિપરંપરાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. અકુભાઈ(નૈરોબી)એ નીલકંઠ વણીના સુવર્ણની સેવા કરી સ્વામીશ્રીની પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી. ઘનશ્યામભાઈ શાસ્ત્રી અને મૂકેશભાઈએ મૂર્તિનો પ્રાણપ્રતિષ્ઠા વિધિ કરાવ્યા બાદ સ્વામીશ્રીએ અભિષેક કર્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત સૌને આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું : 'છેક છપૈયામાં જન્મ્યા પછી વનવિચરણ કરતાં કરતાં નીલકંઠ વણી હવે અહીં અમેરિકામાં પધાર્યા છે, તો પ્રાર્થના કરીએ કે બધાના સંકલ્પ સિદ્ધ થાય. તન, મન અને ધનથી સૌ સુખી થાય. જીવમાં સત્સંગ થાય. જેના જેના જે જે શુભ સંકલ્પો હશે, એ બધા પૂરા થશે.'
સંધ્યા સત્સંગસભામાં સંતો-ભક્તોએ ભક્તિભાવ પૂર્વક ગુરુભક્તિ દિનની ઉજવણી કરી ગુરુૠણ અદા કર્યું હતું. સાઉથ- વેસ્ટ કિશોર મંડળે 'હો... સ્વામી, ગુરુહરિ છો તમે...' એ કીર્તનના આધારે નૃત્ય રજૂ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ પ્રસંગે ડૉ. આહુજા અને ડૉ. કિરણભાઈ શાહનું સન્માન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ દાદા ખાચરના સમર્પણનો સંવાદ રજૂ થયો. આજે સ્વામીશ્રીનાં હ્યુસ્ટન ખાતેના રોકાણનો અંતિમ દિવસ હતો. આ વિદાય સભામાં વડીલ સંતો તથા અગ્રણી હરિભક્તોએ સ્વામીશ્રીનાં કરકમળોમાં વિવિધ હાર તેમજ સ્વામિનારાયણ નામ અંકિત કરેલી ચાદર ઓઢાડી ગુરુભક્તિ અદા કરી. સભાના અંતમાં સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપી કૃતાર્થ કર્યા.

આમ, હ્યુસ્ટનના હરિભક્તોને સત્સંગનું અણમોલ અને અવિસ્મરણીય સુખ આપી તા. ૪-૭-'૦૭ના રોજ સ્વામીશ્રીએ જેક્સનવિલ જવા માટે વિદાય લીધી.                                               
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |