Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

પ્રબોધિની શાક-હાટડી ઉત્સવ

તા. ૪-૧૧-૨૦૦૮થી તા. ૧૫-૧૧-૨૦૦૮ સુધી પ્રમુખસ્વામી મહારાજે બોચાસણ ખાતે વિરાજમાન રહીને પ્રબોધિની તથા દેવદિવાળી ઉત્સવોની અદ્‌ભુત સ્મૃતિ આપી હતી. વર્ષોથી આ ઉત્સવો બોચાસણ ખાતે ધામધૂમથી ઊજવાય છે. કાર્તિક સુદિ એકાદશીનો દિવસ એટલે અનેક ઉત્સવોનો દિવસ. આ ઐતિહાસિક દિવસે ભગવાન સ્વામિનારાયણે ધર્મધુરા ધારણ કરી હતી. પ્રમુખસ્વામી મહારાજે આ જ દિવસે અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરી હતી. પરંપરા મુજબ આજે ઠાકોરજી સમક્ષ વિવિધ લીલા શાકભાજીનો કૂટ રચાય છે. આજે ઠાકોરજી પાસે શાકની હાટડી ભરાય છે. સ્વામીશ્રીના સાંનિધ્યમાં બોચાસણ ખાતે સવારે આ શાકોત્સવ ઊજવવામાં આવ્યો હતો.
આજે દેવદીપોત્સવીની ઉત્સવસ્મૃતિરૂપે પરિસરમાં પુષ્પનો પથ કરવામાં આવ્યો હતો. આ પથ પરથી સ્વામીશ્રી ઠાકોરજીના દર્શને જવા નીકળ્યા. ચોકમાં બે ઐતિહાસિક પ્રસંગોને રંગોળી દ્વારા ઉપસાવ્યા હતા. ૧,  શ્રીહરિનો ધર્મધુરા ધારણવિધિ. ૨, પ્રમુખસ્વામી મહારાજનો પાર્ષદી દીક્ષાવિધિ. મંદિરમાં આજે ત્રણેય ખંડમાં શાકની હાટડી કરવામાં આવી હતી. પરંપરા મુજબ સ્વામીશ્રીએ શેરડીના સાંઠામાં ખોસેલા અર્ધવર્તુળાકાર કોપરામાં પ્રગટાવેલી કપાસનાં બિયાંની આરતી પ્રથમ ખંડમાં ઉતારી. વારાફરતી ત્રણેય ખંડમાં શાકોત્સવની આરતી ઉતારી સભામંડપમાં પધાર્યા.
સભામંડપમાં પણ મહારાજ અને સ્વામીની મૂર્તિ સમક્ષ ભવ્ય શાકની હાટડી રચી દેવામાં આવી હતી. બરાબર વચ્ચે સ્વામીશ્રીની પૂજાનું આસન રાખવામાં આવ્યું હતું. બંને બાજુ એ શોભી રહેલા વિવિધ પ્રકારના વ્યંજનની વચ્ચે સ્વામીશ્રી શોભી રહ્યા હતા. આ રીતે પહેલી જ વખત સૌને દર્શન થઈ રહ્યા હતા. પૂજાની પાટની આજુબાજુ પણ શાકભાજીના શણગાર કરવામાં આવ્યા હતા. સભામંડપમાં સંખ્યા સમાય એમ હતી નહીં. તેથી પરિસરમાં અને જૂના સભામંડપમાં સી.સી.ટી.વી.ની વ્યવસ્થા કરી હતી. પ્રાસંગિક કીર્તનોના ગાન પછી વિવેકસાગર સ્વામીએ આજના સાત ઉત્સવોનો મહિમા પ્રવચન દ્વારા વર્ણવ્યો. સ્વામીશ્રીએ પૂજા બાદ આ પવિત્ર પર્વે આશીર્વાદ આપતાં જણાવ્યું હતું કે 'આજે દેવઊઠી એકાદશી છે. પરંતુ ભગવાન તો અખંડ જાગેલા જ છે અને આપણને જાગ્રત રાખે છે. આપણી ભૂલો થતી હોય, આઘુંપાછુ _ થતું હોય, એમાંથી આપણને જાગ્રત કરે છે. શહેરમાં ચોકીદારો હોય એ 'જાગો જાગો' એમ કહે, પણ એમાં કોઈ જાગે નહીં ને સૂઈ રહે તો ચોર આવે અને લૂંટી જ જાય. જાગ્રત કરે છે છતાં સૂઈ રહે છે તો પછી ભગવાનનો વાંક નથી.
ભગવાનનો સંબંધ થાય તો હૃદયમાં પ્રકાશ થઈ જાય છે. ભગવાનનો પ્રકાશ તો હંમેશાં રહે છે, પણ એ પ્રકાશ આપણે વધુ પ્રાપ્ત કરી શકીએ એ માટે નિયમો છે. એમની આજ્ઞા-આદેશો જેટલા આપણા જીવનમાં ઊતરે એટલો આપણને પ્રકાશ પ્રાપ્ત થાય.
આજના પ્રસંગે નવા વરસમાં જે શાક ને અનાજ થાય છે એ આપણે ભગવાનને ધરાવવાનું અને ભગવાન એ અંગીકાર કરે એટલે નિર્ગુણ થાય, પછી આપણે જમવાનું રહે છે. ભગવાન આજે હાટડી ભરવાના છે. આ દર્શન પણ નિર્ગુણ છે. બજારમાં તો બહુ હાટડી ભરાય છે, પણ આમાં ભગવાનનો સંબંધ થયો, તેથી તે નિર્ગુણ થયું. અને નિર્ગુણથી આપણને સુખ-શાંતિ થઈ જાય છે. એમની જેટલી જેટલી સ્મૃતિ થાય એ ભગવાનનો સંબંધ કહેવાય. બજારમાં તો આપણે દઈએ છીએ ને લઈએ છીએ, પણ એમાં ભગવાનનો સંબંધ નથી. કેવળ શરીરનું સુખ પ્રાપ્ત થાય, પણ આત્માનું સુખ એમાં નથી, ભગવાનના સંબંધે નિર્ગુણ થવાય છે. માટે બધાને આશીર્વાદ છે. બધા આ સ્મૃતિ કાયમ રાખજો. મંદિરે ગયા'તા. આવી હાટડી ભરાઈ હતી, હરિભક્તો બેઠા'તા. કથાવાર્તા કીર્તન-ભક્તિ થતી'તી. એટલે ઊઠતાં, બેસતાં, નાહતાં, ધોતાં સર્વ ક્રિયામાં ભગવાનનું ભજન થાય, એવું સર્વને બળ મળે ને ભગવાનને વિષે વિશેષ નિષ્ઠા-સમજણ થાય એ જ મહારાજને પ્રાર્થના.'
આશીર્વાદની સમાપ્તિ પછી સ્વામીશ્રીએ પાટમાં ગોઠવાયેલાં શાકભાજીના કૂટમાંથી મોટાં મોટાં રીંગણાંમાંથી એક રીંગણું હાથમાં લીધું. ઊંચું કરીને વેપારી જે ઢબે પોતાની વસ્તુનો પ્રચાર કરતો હોય એ રીતે રીંગણાંનાં વખાણ શરૂ કર્યાં. એ જ રીતે આદું, લીંબુ, મૂળા, ગલકાંને પણ વારાફરતી ઊંચકીને સૌને દર્શનનું સુખ આપ્યું. આ રીતે વિશિષ્ટ સ્મૃતિ આપીને છેલ્લે કહ્યું પણ ખરું કે 'ઘરે જ્યારે શાંતિથી બેઠા હોઈએ ત્યારે આ લીલાની સ્મૃતિ કરવી. તો સ્મૃતિ કરીએ તો જીવમાં મૂર્તિ ઊતરે, શબ્દ ઊતરે અને શાંતિ થાય.'
આજના પ્રસંગે સૌ વતી ડૉક્ટર સ્વામીએ હાર પહેરાવીને સ્વામીશ્રીને સન્માન્યા. વેદજ્ઞ સ્વામીએ શાકભાજીનો હાર સ્વામીશ્રીને પહેરાવ્યો. આમ, પ્રબોધિની એકાદશીનો શાક-ઉત્સવ દિવ્યતાપૂર્વક ઊજવાઈ ગયો. પ્રત્યક્ષદર્શી હજારો હરિભક્તો ધન્ય થયા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |