Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

દેવદિવાળી કાર્તિકી પૂર્ણિમા ઉત્સવ

તા. ૧૩-૧૧-૨૦૦૮, કાર્તિકી પૂર્ણિમાનો ઉત્સવ એ બોચાસણમાં ઊજવાનાર ઉત્સવોમાંનો વિશિષ્ટ ઉત્સવ છે. બધાં મંદિરો કરતાં અહીં બોચાસણમાં આ ઉત્સવ અન્વયે અન્નકૂટ યોજાય છે. દર વરસે અહીં નૈરોબીના અરવિંદભાઈ પટેલ તરફથી અન્નકૂટની સેવા થતી આવી છે.
આજે સ્વામીશ્રીનું અભિવાદન જુદી જુદી રીતે કરવામાં આવ્યું. ચૉકમાં મહિલામંડળે પુષ્પપથ તૈયાર કર્યો હતો. વળી, સ્થાનિક મહિલા મંડળે રંગોળી પણ પૂરી હતી. નીલકંઠ વણીનો અભિષેક કરી સ્વામીશ્રી ઠાકોરજીનાં દર્શને પધાર્યા ત્યારે ત્રણેય ખંડમાં અન્નકૂટ ગોઠવાઈ ચૂક્યો હતો. સ્વામીશ્રીએ ઘનશ્યામ મહારાજના ખંડથી શરૂ કરીને ત્રણેય ખંડમાં અન્નકૂટની આરતી ઉતારી.
આજે કાર્તિકી પૂર્ણિમાના ઉપક્રમે વિશાળ સભા, સ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી. લગભગ ૧૪,૦૦૦ હરિભક્તોથી સભામંડપ ખીચોખીચ ભરાઈ ગયો હતો. સ્વામીશ્રીના આસનની પાર્શ્વભૂમાં મંદિરનાં કટ-આઉટ શોભી રહ્યાં હતાં. જાણે કે મંદિરની ઘુમ્મટીમાં સ્વામીશ્રી વિરાજમાન હોય એવું અદ્‌ભુત દૃશ્ય રચવામાં આવ્યું હતું. આજે કાર્તિકી પૂર્ણિમાની સાથે સાથે સ્વામીશ્રીનો પ્રતીક જન્મોત્સવ ગુરુભક્તિદિન પણ ઊજવવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મધ્યવર્તી વિચાર એ હતો કે જુદાં જુદાં શાસ્ત્રોમાં અપાયેલા સિદ્ધાંતો સ્વામીશ્રીના જીવનમાં મૂર્તિમાન છે અને પોતાના યોગમાં આવનારના જીવનમાં પણ એ આત્મસાત્‌ કરાવી શકે છે. આ સંદર્ભમાં વિવેકસાગર સ્વામીએ 'ગીતાનો કર્મયોગ', ઈશ્વરચરણ સ્વામીએ 'ઉપનિષદના આધારે ભગવાનનું કર્તાપણું', ત્યાગવલ્લભ સ્વામીએ 'સ્વામીશ્રીના જીવનમાં ભગવાનનો મહિમા' વગેરે વિષયક પ્રેરક પ્રવચનો પ્રસ્તુત કર્યાં. સ્વામીશ્રીના જીવનમાં શિક્ષાપત્રીના દરેક આદેશ વણાયેલ છે એ વાત કોઠારી ભક્તિપ્રિય સ્વામીએ કરી. મહંત સ્વામીએ સ્વામીશ્રીની બ્રાહ્મી સ્થિતિનું નિરૂપણ કર્યું. આવા ગુરુ મળ્યા પછી આપણે શું કરવાનું છે એ વાત ડૉક્ટર સ્વામીએ કરી.
આજના પ્રસંગે કેટલાક મહાનુભાવો, ધારાસભ્યો, નગરપાલિકાના સભ્યો વગેરે ઉપસ્થિત હતા. તે સૌનું મહંત સ્વામીએ સ્વાગત કર્યું અને સ્વામીશ્રીએ સૌને આશીર્વાદ આપ્યા. વિવિધ ક્ષેત્રોના હરિભક્તોએ ભક્તિભાવપૂર્વક તૈયાર કરેલા કલાત્મક હાર વડીલ સંતોએ સ્વામીશ્રીનાં કરકમલોમાં અર્પણ કરી ગુરુભક્તિ અદા કરી હતી. આ હારવિધિ ચાલુ હતી એ દરમ્યાન અડાસ બાળમંડળે 'ગુરુ-ૠણ અદા કેમ કરીએ' એ નૃત્ય રજૂ કર્યું. ત્યારપછી સમગ્ર સભાએ ઠાકોરજી અને ગુરુહરિનાં ચરણોમાં મંત્રપુષ્પાંજલિ અર્પણ કરી. આજના પ્રસંગે ઘણા વિસ્તારોમાંથી પદયાત્રીઓ અને સાઇકલયાત્રીઓ આવ્યા હતા. સૌ ઉપર સ્વામીશ્રીએ અંતરના આશીર્વાદ વરસાવ્યા.
અંતે આશીર્વાદ આપતાં સ્વામીશ્રીએ કહ્યું: 'આજે દેવદિવાળીનો દિવસ છે અને શાસ્ત્રીજી મહારાજે બોચાસણમાં મૂર્તિપ્રતિષ્ઠા કરી ત્યારથી ઉત્સવ થાય છે. કાર્તિક પૂનમ, ચૈત્રી પૂનમ અને ગુરુપૂનમ આ ત્રણ ઉત્સવ અહીં થાય છે.
વ્યવહાર કરો, સંસાર કરો, ગમે તે કાર્ય કરો, પણ ભગવાન પ્રધાન હોવા જોઈએ કે હું જે કંઈ કરું છું એ ભગવાનને રાજી કરવા માટે કરું છું. ઘરનાં કામ હોય, સ્કૂલ-કૉલેજો-દવાખાનાં એવી ઘણી ઘણી પ્રવૃત્તિઓ આપણે કરીએ છીએ. સાયન્સ પણ વધ્યું છે ને આપણને ઘણું ઘણું આપ્યું છે, એ બધુંય થાય છે ને થવાનું છે ને થશે. એ બધું જ ભગવાનને પ્રતાપે થાય છે. ભગવાન સર્વકર્તા છે. ભગવાનનું કર્તાપણું જો આપણા જીવમાં ન હોય તો પછી આપણે આગળ વધી ન શકીએ. 'મેં કર્યું', 'હું કરું', 'મારાથી થયું છે' એમ માનતો માણસ આગળ ન વધી શકે. 'જે કંઈ મારાથી થાય છે કે હું જે કંઈ કરી રહ્યો છું એ ભગવાન કર્તા છે.' આ વાતો દૃઢ કરવાની છે. એ દૃઢ થશે તો પછી બીજું કંઈ કરવાનું બાકી પણ નથી. આટલી જ વસ્તુ જો આપણને સમજાય તો શાસ્ત્ર માત્રનો સાર આપણા હાથમાં આવી ગયો.
આ કર્યે જ છૂટકો છે. આજે સમજો, કાલે સમજો કે સો વરસ પછી સમજો પણ સમજવાનું આ છે કે ભગવાન ને સંતને કર્તા માનીને, એમના આદેશમાં જેટલું આપણું જીવન થશે એ એમના જીવન પ્રમાણે જેટલું આપણે વર્તીશું એટલી શાંતિ થશે.
જો નિયમધર્મની દૃઢતા રાખે તો ભગવાનને પ્રતાપે બધું જ થાય છે. 'મારાથી ન થાય', 'સમાજની લાજ આડી આવે', 'કુટુંબની લાજ આવે' એવા મોળા વિચારો છોડી આપણે તિલકચાંદલો કરવો, મંદિરે જવું, સત્સંગ કરવો, વચનામૃત-સ્વામીની વાતોનું વાંચન કરવું. તેનાથી આપણા આત્માને બળ મળે છે.
સત્સંગ મળ્યો છે એ પરમ ચિંતામણિ છે. જે ચિંતવો એ થાય. તો મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે આ બધું બળ આપ સર્વને મળે અને સત્સંગ કર્યો છે તો એ સત્સંગ જીવનો થાય. આત્માનું બળ મળશે અને ભગવાનનું બળ ભળશે તો આપણે બધું જ કાર્ય થઈ શકશે. દરેક કાર્યમાં સફળતા પણ મળશે.'

આમ, કાર્તિકી પૂર્ણિમા - દેવદીપોત્સવ ધામધૂમથી ઊજવાઈ ગયો. આજના દિવસે લગભગ ચોવીસ હજાર હરિભક્તોએ મહાપ્રસાદનો લીધો હતો.
 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |