Search Contact Site Map Download News Vicharan Home
Vicharan
 

શાસ્ત્રીજી મહારાજ તુલા-સ્મૃતિ

તા. ૮-૨-૨૦૦૯ના રોજ સ્વામીશ્રીના સાનિધ્યમાં શાસ્ત્રીજી મહારાજની સ્મૃતિમાં સુવર્ણતુલાની શાનદાર સ્મૃતિસભા યોજાઈ ગઈ. વડોદરાની આજુ બાજુ ના ગામોમાંથી આ પ્રસંગના સહભાગી થવા માટે મોટી સંખ્યામાં ઊમટેલા હરિભક્તો-ભાવિકોથી મંદિરનું પ્રાંગણ છલકાતું હતું. આ પ્રસંગે યોજાયેલી 'ઇતિ વચનામૃતમ્‌' શિબિરમાં બ્રહ્મદર્શન સ્વામીએ વચનામૃત ગ્રંથનો મર્મ સૌને સમજાવ્યો હતો.  સંધ્યા સમયે મંદિરની સામેના પરિસરમાં સુવર્ણતુલાની મુખ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મંચની પાર્શ્વભૂમાં દાદાખાચરના દરબારનું દૃશ્ય ખડું કરવામાં આવ્યું હતું. સ્વામીશ્રીના આસનની બંને બાજુએ શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ શોભી રહી હતી. એક મૂર્તિ મંચ ઉપરની તુલામાં તથા બીજી મૂર્તિ મહિલા વિભાગમાં ગોઠવાયેલી તુલામાં પધરાવવામાં આવી હતી. કૃષ્ણપ્રિય સ્વામીના કીર્તનગાન વચ્ચે સભામાં સ્વામીશ્રીનું આગમન થયું ત્યારે સાગરમાં ભરતી ચડે એમ હજારો હરિભક્તોનાં અંતરમાં ભક્તિભાવની ભરતી ચડી હતી. કીર્તન બાદ રાજેશ્વર સ્વામીએ આજના ઉત્સવની ભૂમિકા બાંધી અને ત્યારપછી સ્વામીશ્રીનું વિવિધ ફૂલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું. સભાના અંતમાં સૌ ઉપર આશીર્વાદ વરસાવતાં સ્વામીશ્રીએ જણાવ્યું : 'ભગવાનનાં ચરિત્રો અને ભગવાનના ઉત્સવો એ જીવને શાંતિ આપનારા છે. આ દુનિયાની ગમે તે પદાર્થની પ્રાપ્તિ થાય, પણ એમાં શાંતિ નથી, પણ ભગવાનનાં ચરિત્રો, સેવા અને ભગવાનની ભક્તિ કરવાથી શાંતિ થાય છે. અત્યારે વિજ્ઞાન વધ્યું અને ઘણી જાતનું બધું આપ્યું છે ને સારું છે, પણ એની સાથે અશ્લીલ વધ્યું છે, જેનાથી માણસનું જીવન બગડે છે. જો ખરેખર ભગવાનનો આશ્રિત હોય તો એને ભગવાન સિવાય કશામાં કોઈ સુખ આવે નહીં, ભગવાન સિવાય કોઈવસ્તુ સારી લાગે નહીં.
શ્રીજીમહારાજે આ સંપ્રદાય સ્થાપ્યો છે અને અક્ષરપુરુષોત્તમનું સરસ જ્ઞાન આપ્યું છે. એ જ વાત શાસ્ત્રીજી મહારાજે દૃઢ કરી, એનો બરાબર અભ્યાસ કરીને સંપ્રદાયના ગ્રંથો, આચાર્યો, સંપ્રદાયના મોટા સદ્‌ગુરુઓ એ બધાથી આ વાત સાંભળીને નક્કી કરી કે અક્ષરપુરુષોત્તમનો સિદ્ધાંત સાચો છે. આ વાત જેના જીવમાં ઊતરે છે એના જીવનું કલ્યાણ થાય છે. એવા પુરુષ આપણને મળ્યા છે, જેમના થકી આ જ્ઞાન થાય છે, અને એ જ્ઞાનથી સર્વને શાંતિ થાય છે.'
૭:૩૦ વાગ્યા હતા. શાસ્ત્રીજી મહારાજની તુલાનો ઉપક્રમ શરૂ થવાનો હતો. એ પૂર્વે સંકલ્પવિધિ થયો અને સ્વામીશ્રી વતી વિવેકસાગર સ્વામીએ બંને બાજુ એ પધરાવેલા શાસ્ત્રીજી મહારાજ તથા હરિકૃષ્ણ મહારાજનું પૂજન કરી અને ચાંદલા કર્યા ને ત્યારપછી મૂર્તિઓને તુલામાં પધરાવવામાં આવી. સૌ પ્રથમ સ્વામીશ્રી મંચ પર ગોઠવવામાં આવેલી તુલા આગળ પધાર્યા અને તુલામાં સાકરની કોથળીઓ ગોઠવી. એક પછી એક કોથળીઓ સ્વામીશ્રી ગોઠવતા ગયા. ટોપલામાં હતી એ બધી જ કોથળીઓ સ્વામીશ્રીએગોઠવી દીધી. સ્વામીશ્રી પણ ૬૦ વર્ષ પહેલાનાં સુવર્ણતુલાના માહોલમાં સરી પડ્યા હતા! શાસ્ત્રીજી મહારાજ સાક્ષાત્‌ વિરાજમાન હોય એવી અનુભૂતિ સાથે સ્વામીશ્રી આ સાકર ગોઠવી રહ્યા હતા. સ્વામીશ્રીએ સાકર ગોઠવ્યા પછી ઉપસ્થિત તમામ સંતોએ પણ સાકર અન્ય તુલામાં મૂકી અને ત્યારપછી આ તુલામાં સહભાગી થઈને યજમાન બનનાર દરેક હરિભક્ત વારાફરતી આવ્યા અને તુલામાં સાકર મૂકતા ગયા. ત્યારપછી તો સભામાં ઉપસ્થિત તમામને સાકર મૂકવાનું સ્વામીશ્રીએ જણાવ્યું. આજના અદ્‌ભુત માહોલની અવિસ્મરણીય સ્મૃતિ આપીને સ્વામીશ્રીએ સૌને ધન્ય કરી દીધા.

 
 
 
 
| Home | Gujarati | Satsang | Purva Satsang |